Gujarat

‘એન્જિનિયરિંગ અજાયબી’ સમાન નવો ફૂટ ઓવરબ્રિજ અમદાવાદની નવી ઓળખ બનશે: મોદી

ગાંધીનગર: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરશન લિ. દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે 74 ખર્ચે બનાવવામાં આવેલા ‘અટલ ફૂટ બ્રિજ’નું આજે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણ કરી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પીએમ મોદીએ ખાદી મહોત્સવ બાદ આ ફૂટ બ્રિજની મુલાકાત લઈને તેના પર સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ચાલીને રિવર ફ્રન્ટનો નજારો નિહાળ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે સાબરમતી ખાતે લોકાર્પણ પામેલો અટલ બ્રિજ ન માત્ર બે કિનારોને જોડે છે પરંતુ ડિઝાઇન અને ઇનોવેશનમાં પણ અભૂતપૂર્વ છે. આ બ્રિજની ડિઝાઇનમાં ગુજરાતના જાણીતા પતંગ મહોત્સવનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ગાંધીનગર અને ગુજરાતે હંમેશાં સ્વર્ગીય અટલબિહારી વાજપેયજીને ખૂબ આદર અને પ્રેમ આપ્યો છે. 1996માં અટલજીએ ગાંધીનગરથી રેકોર્ડ બ્રેક મતો મેળવી લોકસભા ચૂંટણી જીતી હતી. આ અટલ બ્રિજ અહીંના લોકો તરફથી એક ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે રૂ.૭૪ કરોડના ખર્ચે બનેલો ‘એન્જિનિયરિંગ અજાયબી’ સમાન આ ફૂટ ઓવરબ્રિજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) અમદાવાદ શહેરની નવી ઓળખ બનશે. આઇકોનિક ફૂટ ઓવરબ્રિજને લઈને શહેરીજનોમાં છેલ્લા ઘણા સમયથી અનેરું આકર્ષણ જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે નિર્માણ પામેલા આ આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) પેડેસ્ટ્રીયન અને સાઇકલિસ્ટને એક છેડેથી બીજા છેડે કોઈપણ પ્રકારના ટ્રાફિક વગર સરળતાથી પહોંચવામાં મદદરૂપ થશે તેમજ અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટને ટ્રાફિક વગર શાંતિથી માણી શકશે. અટલ બ્રિજ સાબરમતીના પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડન તથા ઈવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્લાઝામાં થઈ પૂર્વ કાંઠે બનનાર એક્ઝિબિશન/કલ્ચર/આર્ટ સેન્ટરને જોડવામાં મદદરૂપ બનશે. રિવરફ્રન્ટના લોઅર તથા અપર પ્રોમીનાડ પર થઈને આ બ્રિજ પર જઈ શકાશે.

Most Popular

To Top