Madhya Gujarat

લુણાવાડામાં વરસાદમાં રસ્તા ધોવાઇ જતાં ઠેર ઠેર ખાડાં

લુણાવાડા : મહિસાગર જિલ્લાના લુણાવાડામાં વરસાદના પાણીથી રસ્તાઓ ધોવાઇ ગયા છે. જેના કારણે ઠેરઠેર ભુવા પડી ગયા છે. આથી વાહનચાલક અને રાહદારીને ભારે મુશ્કેલીને સામનો કરવો પડી રહ્યો છે. સાથેસાથે તેમના જીવને જોખમ પણ ઉભું થયું છે. લુણાવાડા શહેરના વાવવાળા માર્કેટ, સુપર માર્કેટ, માંડવી બજાર, શહેરા દરવાજા સહિત અનેક વિસ્તારોમાં માર્ગ બિસ્માર બન્યા છે. જેથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. રોડ વચ્ચે ખાડા હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ડર પણ સતાવી રહ્યો છે. શહેરમાં એક સપ્તાહમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે બાદ અનેક રોડ રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. વરસાદના કારણે ખાડાઓમાં પાણી ભરાય જાય છે, જેના કારણે લોકોને ખાડા હોવાની જાણ થતી નથી. આથી ચાલતા ચાલતા ઘણીવાર લોકો પડી જાય છે, તો કેટલાક ટુ વ્હિલર વાહન ચાલકો પણ અહીંયાંથી પસાર થતા પડી જાય છે. આથી પાલિકા તંત્ર બિસ્માર રસ્તાઓનું વહેલી તકે સમારકામ કરાવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

Most Popular

To Top