Dakshin Gujarat

રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ માટે સુનાવણી , 55 લોકોને નોટિસ આપવામાં આવી

બીલીમોરા : બીલીમોરામાં બનેલા રેલવે ઓવરબ્રિજના (Railway Overbridge) સર્વિસ રોડ (Road) બનાવવા માટે આગામી 2જી સપ્ટેમ્બર 2022 એ ચીખલી પ્રાંત અધિકારીએ સુનાવણી રાખી છે, જેમાં 55 લોકોને નોટિસ (Notice) આપી 1336.21 ચો.મી જમીન સંપાદન કરવામાં આવશે.

બીલીમોરાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો રેલવે ઓવરબ્રિજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ત્રણ મહિના અગાઉ ખુલ્લો મુકવામાં આવ્યો હતો, ત્યારથી પૂર્વ અને પશ્ચિમ જવા માટે રેલવે દ્વારા ક્રોસિંગ નંબર 108 અને 109 સંપૂર્ણપણે બંધ કરી દેવાતા લોકોને ઓવરબ્રિજનો દોઢ કિલોમીટરનો પ્રવાસ ખેડવા વગર છૂટકો રહ્યો નથી. જોકે રેલવે અંડર ગ્રાઉન્ડમાં બારેમાસ ગંદુ પાણી ભરાઈ રહે છે તેનો જો ઉકેલ આવે તો પગપાળા પૂર્વ અને પશ્ચિમ જતા લોકોને રાહત પહોંચે તેમ છે. બીજી તરફ ચીમડિયા નાકાથી સરદાર પટેલ રોડ તરફના 11 સીટી સર્વે નંબર વાળી 97.25 ચોરસ મીટર જમીન અને મહાત્મા ગાંધી રોડ તરફ 44 સીટી સર્વે નંબર વાળી 1238.96 ચોરસ મીટર મળી કુલ્લે 55 સીટી સર્વે નંબરો વાળી 1336.21 ચોરસ મીટર જમીનના અભાવે સર્વિસ રોડ બની શક્યા નથી. અપૂરતા સર્વિસ રોડ વગરના ઓવરબ્રિજને કારણે બીલીમોરામાં અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે. અકસ્માત થવાનો સતત ભય રહ્યા કરે છે.

ઓવરબ્રિજ કામગીરી પૂર્ણ થઈને ત્રણ મહિના પહેલા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે તેની સાથે જ સર્વિસ રોડના સંપાદનની કાર્યવાહી પણ જો સાથે કરવામાં આવી હોત તો આજે ચિત્ર કઈ અલગ જ હોત. ઓવરબ્રિજ બની ગયા પછી હવે સર્વિસ રોડ બનાવવા માટે સરકારે જાહેરનામું બહાર પાડી ઉપરોક્ત સર્વે નંબરની મિલકતના માલિકો, કબજેદારો અને ભાડુતોને નોટિસ આપી વાંધા સૂચનો મંગાવ્યા હતા. તમામ પ્રક્રિયા કર્યા બાદ સંપાદિત જમીન ઉપર સર્વિસ રોડ બનવાની કામગીરી હાથ ધરાશે.

સર્વિસ રોડ બનાવવાના માટે આડે આવતા વિઘ્નો દૂર થશે
ચીખલીના પ્રાંત અધિકારી અમિત ચૌધરીના જણાવ્યા મુજબ ઉપરોક્ત સર્વિસ રોડ આડે આવતા 55 મિલકત ધારકોને નોટિસો આપી આગામી 2જી સપ્ટેમ્બર 2022 ના રોજ ચીખલી પ્રાંત કચેરીમાં સુનાવણી માટે બોલાવ્યા છે. જેઓના વાંધા સૂચનો લઈને તેનો યોગ્ય નિકાલ કરી જમીન વળતર ચૂકવવા માટે 19 (1) મુજબ જાહેરનામું બહાર પાડી શકાશે. જે બાદ સર્વિસ રોડ બનાવવાના માટે આડે આવતા વિઘ્નો દૂર થશે.

Most Popular

To Top