Top News

More Posts

   The Latest

Most Popular

ડાકોર: સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર સદીઓ પૂર્વે ડંકપુરના નામે ઓળખાતું હતું. તે વખતે ડંકપુર ગામમાં વિજયસિંહ બોડાણા રહેતાં હતાં. ક્ષત્રિય કુળમાં જન્મેલા વિજયસિંહ બોડાણા શ્રી કૃષ્ણ ભગવાનમાં અપાર શ્રધ્ધા ધરાવતાં હતાં. ભગવાનને પ્રસન્ન કરવા માટે તેઓ દર છ મહિને હાથમાં તુલસીનો છોડ વાવેલું કુંડુ લઈને ડાકોરથી પદયાત્રા કરી દ્વારિકા જતાં હતાં. ૭૦ વર્ષની ઉંમર વટાવી ચુક્યાં બાદ પણ વિજયસિંહ બોડાણાએ પદયાત્રા કરી દ્વારિકા જવાનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. જોકે, છેલ્લી વખતની પદયાત્રા દરમિયાન વિજયસિંહ બોડાણાને ઘણી તકલીફો પડી હતી.

ઉંમરના હિસાબે અશક્તિ પણ આવી ગઈ હતી. જેથી કદાચ આ તેમની છેલ્લી પદયાત્રા હોવાનો અફસોસ વ્યક્ત કરી વિજયસિંહ બોડાણાએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યુ હતું. તે વખતે વિજયસિંહ બોડાણાના સ્વપ્નમાં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને આવીને જણાવ્યું હતું કે હવે પછીની પુનમે પદયાત્રા કરીને નહી…પરંતુ, એક ગાડું લઈને દ્વારિકા આવજો, હું તમારી સાથે ડાકોર આવીશ. જેથી વિજયસિંહ બોડાણા ડાકોરથી ગાડા સાથે બે દુબળાં બળદો જોડીને દ્વારિકા જવા રવાના થયાં હતાં અને તેઓ સંવત ૧૨૧૨ ની કારતક સુદ 14ના દિવસે દ્વારિકા નગરી પહોંચ્યાં હતાં.

દર વખતે પદયાત્રા કરીને આવતાં વિજયસિંહ બોડાણાને આ વખતે ગાડું લઈને આવેલાં જોઈ શ્રી દ્વારિકાધીશ મંદિરના પુજારીઓ અચંબિત બન્યાં હતાં. તેઓએ પુછપરછ કરતાં વિજયસિંહ બોડાણાએ જણાવ્યું હતું કે, મંદિરમાં દ્વારિકાધીશ સ્વરૂપે બિરાજમાન કૃષ્ણ ભગવાન મારી સાથે ડાકોર આવવાના હોવાથી હું ગાડું લઈને આવ્યો છું. આ સાંભળી પુજરીઓએ મંદિરને તાળા મારી દીધાં હતાં. જોકે, ભગવાનના ચમત્કારથી રાત્રીના સમયે મંદિરના તાળા તુટી ગયાં હતાં અને દ્વારિકાધીશ ભગવાન ભક્ત વિજયસિંહ બોડાણા સાથે ડાકોર આવવા નીકળ્યાં હતાં.

તે વખતે ભગવાન દ્વારિકાધીશે ગાડું ચલાવી ભક્ત વિજયસિંહ બોડાણાને આરામ ફરમાવવા માટે ગાડાની પાછળ બેસાડ્યાં હતાં. દ્વારિકાધીશના સ્પર્થ માત્રથી વિજયસિંહ બોડાણાનું ખખડધજ ગાડું નવુનક્કોર બની ગયું હતું અને દુબળા-પતલા બળદો તંદુરસ્ત બની પુરગતિએ દોડવા લાગ્યાં હતાં. દ્વારિકાથી રાત્રીના સમયે ગાડું હંકારી નીકળેલા ભગવાન દ્વારિકાધીશ બીજા દિવસે વહેલી સવારે એટલે કે સંવત ૧૨૧૨ ના કારતક સુદ પુનમના દિવસે ડાકોર આવી પહોંચ્યાં હતાં.

To Top