National

‘ત્રણેય કૃષિ કાયદા પાછા લેવામાં આવશે’, PM મોદીની રાષ્ટ્ર સંબોધનમાં જાહેરાત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​પ્રકાશ પર્વ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને આ દરમિયાન તેમણે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. છેલ્લા એક વર્ષથી, ખેડૂતો ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવા માટે દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા હતા. વડાપ્રધાને તેમના સંબોધનમાં ખેડૂતોને સંબોધતા કહ્યું કે અગાઉની સરખામણીમાં કૃષિ બજેટમાં 5 ગણો વધારો કરવામાં આવ્યો છે. વડાપ્રધાને ઉત્તર પ્રદેશમાં અનેક યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટન માટે રવાના થતા પહેલા આ જાહેરાત કરી છે. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું, “મેં મારા પાંચ દાયકાના કાર્ય દરમિયાન ખેડૂતોની મુશ્કેલીઓ જોઈ છે. જ્યારે દેશે મને વડાપ્રધાન બનાવ્યો ત્યારે મેં કૃષિ વિકાસ અથવા ખેડૂતોના વિકાસને ખૂબ મહત્વ આપ્યું હતું.”

હું દેશવાસીઓની હૃદયપૂર્વક માફી માંગું છે, અમારી તપસ્યામાં કચાશ રહી ગઈ: મોદી

તેમણે કહ્યું, “અમારી સરકાર ખેડૂતોની સેવા કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમની આર્થિક સ્થિતિ સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાના ખેડૂતોને મદદ કરવા માટે, અમે ગયા વર્ષે ત્રણ કૃષિ કાયદા લાવ્યા હતા.” તેમણે કહ્યું, અમારી સરકાર ખેડૂતો, ખાસ કરીને નાના ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. અમે તેમની સંપૂર્ણ સેવા કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં કહ્યું હતું કે, ‘હું દેશવાસીઓની માફી માંગીને હૃદયપૂર્વક કહું છું કે, કદાચ અમારી તપસ્યામાં પણ કઈક કચાશ રહી હોવી જોઈએ એટલે જ અમે કેટલાક ખેડૂત ભાઈઓને અમારી વાત સમજાવી શક્યા નહીં. આજે ગુરુ નાનકજીનો પ્રકાશપર્વ છે. આજે હું આખા દેશને જણાવવા આવ્યો છું કે, અમે 3 કૃષિ કાયદાઓ પરત કરવાનો નિર્ણય લીધો છે. અમે ટૂંક સમયમાં ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવા માટે બંધારણીય પ્રક્રિયા શરૂ કરીશું.

અમે ખેડૂતોની ભલાઈ માટે કાયદા લાવ્યા હતા, પરંતુ સમજાવી શક્યા નહીં

પોતાના વક્તવ્યમાં મોદીએ કહ્યું હતું કે, અમારી સરકારે જે પણ કર્યું હતું એ ખેડૂતોના ભલા માટે કર્યું હતું. દેશના લોકો માટે સરકારે સખત મહેનત કરી છે અને ભવિષ્યમાં પણ દેશના લોકોના સપના સાકાર થાય તે માટે વડાપ્રધાન અને સરકાર વધુમાં વધુ મહેનત કરશે.  આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ આંદોલન કરી રહેલા ખેડૂતોને વિનંતી કરી હતી કે તેઓ પોત પોતાના ઘરે પાછા ફરે, પોતાના ખેતરોમાં પાછા ફરે અને સરકાર સાથે નવેસરથી શરૂઆત કરીએ. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, અમારી સરકારે આ કાયદો દેશના હિતમાં, ખેડૂતોના હિતમાં, કૃષિના હિતમાં, ખેડૂતો પ્રત્યે સંપૂર્ણ સમર્પણ સાથે લાવ્યો હતો. પરંતુ અમે અથાગ પ્રયત્નો કર્યા છતાં કેટલાક ખેડૂતો મિત્રોને સમજાવી શક્યા નથી. દેશના અનેક કૃષિ અર્થશાસ્ત્રીઓએ ખેડૂતોને કૃષિ કાયદાઓ સમજાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. ખેડૂતો સાથે દરેક માધ્યમથી વાતચીત ચાલુ રહી.  જે જોગવાઈઓ પર ખેડૂતોને કાયદામાં સમસ્યા હતી તેમાં ફેરફાર કરવા સરકાર સંમત પણ થઈ હતી આ ઉપરાંત આગામી બે વર્ષ સુધી સરકાર આ કાયદાના અમલને રોકવા માટે પણ સંમત થઈ હતી. તેમ છતાંય કેટલાક ખેડૂતો અમારી વાત સાથે સહમત થયા નથી.

મોદી સરકારમાં કૃષિ બજેટ 5 ગણું વધ્યું છે

આ ઉપરાંત વડાપ્રધાને કહ્યું હતું કહ્યું કે, ખેડૂતોને તેમની ઉપજની યોગ્ય કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે પણ ઘણા પગલાં લેવામાં આવ્યા છે. અમારી સરકાર દ્વારા કરવામાં આવતી ઉપજની ખરીદીએ છેલ્લા કેટલાક દાયકાના રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશની 1000 થી વધુ મંડીઓને e-NAM યોજના સાથે જોડીને, અમે ખેડૂતોને તેમની ઉપજ ગમે ત્યાં વેચી શકે તે માટે પ્લેટફોર્મ આપ્યું છે. કૃષિ બજારોના આધુનિકીકરણ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. દેશનું કૃષિ બજેટ અગાઉની સરખામણીમાં 5 ગણું વધ્યું છે. કૃષિ પાછળ દર વર્ષે 1.25 લાખ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે.

સાત વર્ષમાં દેશમાં કૃષિના વિકાસ માટે ઘણા કાર્યો કર્યા : મોદી

પીએમએ કહ્યું કે તેમની સરકારે છેલ્લા સાત વર્ષમાં દેશમાં કૃષિના વિકાસ માટે ઘણા પગલાં લીધા છે. તેમણે કહ્યું કે તેમની સરકાર હેઠળ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે અને તેનાથી કૃષિ ઉત્પાદનમાં સુધારો કરવામાં મદદ મળી છે. પીએમએ કહ્યું કે તેમની સરકાર દરમિયાન ખેડૂતોને વળતર તરીકે 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ સિવાય વીમો અને પેન્શન પણ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ખેડૂતોના ખાતામાં સીધો લાભ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રને તેમના સંબોધનમાં, વડા પ્રધાને જણાવ્યું હતું કે તેમની સરકારના કાર્યકાળ દરમિયાન ગ્રામીણ બજારના માળખાને મજબૂત બનાવવામાં આવ્યું છે અને એમએસપીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે દેશમાં સૂક્ષ્મ સિંચાઈ ફંડ પણ બમણું કરવામાં આવ્યું છે. પીએમએ કહ્યું કે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે પાક લોન પણ બમણી કરવામાં આવી છે.

Most Popular

To Top