Comments

કોરોના મૃતક સહાયના નિયમો વ્યવહારુ બનાવીએ તો?

સુપ્રીમ કોર્ટના આદેશ પછી ભારત સરકારે કોરોના મહામારીમાં પ્રાણ ગુમાવનારા લોકોનાં સ્વજનોને યોગ્ય વળતર ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારે પણ પ્રક્રિયા શરૂ કરી છે. તાજેતરમાં જ કોરોના મૃતકના પરિવાર માટે જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેમાં કેટલાક વ્યવહારુ મુદ્દાઓ વિચારવા જેવા છે. જેમ કે સરકારે હાલમાં સહાય મેળવવા માટેની જે પ્રક્રિયા નક્કી કરી છે તેમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારના પરિવારજનોએ અરજી કરવાની છે. હવે માત્ર અરજી કરવાની હોય તે તો સમજી શકાય છે, પણ મૃત્યુના સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ ‘કોરોના’ દર્શાવેલું હોય તો જ અરજી કરવા પાત્રતા મળે છે.

પ્રશ્ન અહીંથી શરૂ થાય છે  કારણ કે કોરોનાના કારણે મૃત્યુ પામેલાં દર્દીઓને જો પ્રથમથી જ મૃત્યુના પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ ‘કોરોના રોગ’ લખ્યું હોત તો તો કોઈ પ્રશ્ન વિચારવાનો થાત જ નહિં. પરંતુ જે તે સમયે અધિકારીઓ કે સરકારને શું સૂઝયું કે કોરોનાના આંકડા જાહેર ન કરવાની નીતિ અપનાવી. ગમે તે કારણે મૃતકના મૃત્યુ પ્રમાણપત્રમાં કારણ કોરોના દર્શાવાયું નથી. માટે ધારો કે સરકારના ચોપડે અગિયાર હજાર કોરોનાના કારણે મૃત્યુ પામ્યાનું નોંધાયું છે તો હકીકતમાં આ આંકડો વધુ હોઈ શકે છે.

વિપક્ષો તો પહેલથી આક્ષેપ કરી રહ્યા છે કે એકલા ગુજરાતમાં જ કોરોનાના કારણે લાખેક લોકોએ પ્રાણ ગુમાવ્યા છે. હવે સરકારના આંકડાને પણ ન માનીએ અને વિપક્ષના આંકડાને પણ ન માનીએ તો પણ એટલું તો માનવું જ પડે કે ગુજરાતમાં એવા અનેક લોકો હશે, જેમનાં મૃત્યુ કોરોનાના કારણે થયાં છે અને તેમના મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના નથી.

હવે જેના મૃત્યુના પ્રમાણપત્રમાં કોરોના કારણ નથી તેમને નિયમ અનુસાર સહાય મળવાપાત્ર થાય નહિ. એટલે પ્રશ્નો ઊભા થાય. અહીં સરકારે રસ્તો કર્યો છે કે વ્યક્તિએ પહેલાં પ્રશાસનમાં અરજી કરવાની છે. પોતાના સ્વજનના મૃત્યુ પ્રમાણપત્રમાં કોરોનાના કારણે થયું હોવાનો ઉલ્લેખ કરવાની અને આ માટે પુરાવા આપવાના છે. પછી તે પુરાવાના આધારે એક કમીટી નક્કી કરશે કે અરજી કરનારના સ્વજન, પરિવારજનનું મૃત્યુ કોરોનાથી થયું હતું કે નહીં. જો યોગ્ય પુરાવા મળશે તો નવું પ્રમાણપત્ર મળશે અને આ પ્રમાણપત્રના આધારે પછી સહાય માટે અરજી કરવાની છે.

પ્રથમ તો એ વાત કે જે તે સમયે મૃત્યુ પ્રમાણપત્રમાં કોરોનાને કારણ નહિ લખવાના કારણે સામાન્ય નાગરિક કેવો હેરાન થશે! પોતાના સ્વજનને ગુમાવ્યાનું દુ:ખ માંડ ઓછું થયું હોય તેને ફરી તેના મૃત્યુ પ્રમાણપત્ર માટે હોસ્પિટલ ડૉક્ટર અધિકારીનો ઓફિસનાં ચક્કર ખાવાનાં. આમાં ખાસ ગામડેથી શહેરમાં સારવાર માટે આવેલાં દર્દીઓના સગાની હાલત ખરાબ થવાની છે કારણ કે તેમણે કારણ વગર શહેરના ધક્કા ખાવાના છે. વળી જેમના પરિવારમાં એક કરતાં વધારે મૃત્યુ થયાં છે તેમની હાલત વધારે ખરાબ થવાની છે. સરકાર જો સંવેદનશીલતાપૂર્વક વિચારે અને પ્રજાનું નહિ, પણ પોતાના વહીવટ પર બોજ ઓછો કરવાનું વિચારે તો પણ ઘણી તકલીફ ઓછી થવાની શક્યતા છે.

જેમ કે જે જે કોરોનાગ્રસ્ત દર્દીઓ સરકારી હોસ્પિટલો, કોવિડ સેન્ટરો કે સરકારમાન્ય ખાનગી દવાખાનામાં દાખલ થયાં હતાં તેમનો રેકર્ડ સરકાર પાસે જ છે. આ તમામ દર્દીઓનાં સગાં માત્ર અરજી કરે. તો આજના ટેક્નોલોજીના જમાનામાં સરકાર પોતે જ તે ચેક કરી શકે તેમ છે. જો સરકાર એવી નીતિ અપનાવે કે માત્ર ઘરે રહીને સારવાર મેળવનારાએ જ કોરોનાના કારણે મૃત્યુના પ્રમાણપત્રની અરજી કરવાની રહેશે તો સરકારનો જ અડધાથી વધારે બોજો હળવો થઈ જશે. વળી જેમ કોરોનાકાળમાં સરકારે તાત્કાલિક ધોરણે ખાસ ભરતી કરીને નર્સ, દાક્તર, સંજીવની વાનની સંખ્યા વધારી હતી એમ આ બે-ત્રણ મહિના પૂરતું એક ખાસ સ્ટાફ માત્ર આ કોરોના મૃત્યુના પરિવારના સગાને સહાય માટે ઊભો કરી શકાય.

વ્યવહારુ ધોરણે વિચારીએ તો એ વાત વિચારવી જ પડે કે કોરોનાકાળના આ દોઢ વર્ષના ગાળામાં કોરોના સિવાયનાં કારણોથી અનેક લોકો મૃત્યુ પામ્યાં હોય અને સરકાર સહાય આપે ત્યારે તે કોરોનાપીડિતોને જ મળે તેવું ગોઠવે જ! પણ જો પહેલા દિવસથી જ મૃત્યુના પ્રમાણપત્રમાં કોરોના દર્શાવવાનું કર્યું હોત તો આખી વહીવટી માથાકૂટમાંથી બચી શકાયું હોત તે સરકારે વિચારવું જોઈએ. અન્ય કારણથી મૃત્યુ પામનાર સહાય ન લઈ જાય તે માટેની જાગૃતિના નામે મૂળ કોરોનાપીડિતો હેરાન ન થવા જોઈએ. વળી આ મહામારીમાં એક વાત એ પણ સામે આવી છે કે ઘણા બધા કિસ્સામાં કોરોનાગ્રસ્ત દર્દીને દવા અને સારવારથી તાત્કાલિક  તો સારું થઈ ગયું હતું. પણ કોરોના નેગેટીવ થયા પછી, ઘરે આવ્યા બાદ કે સ્વસ્થ થયા બાદ પંદર દિવસ મહિનામાં જ નબળા શરીરે પ્રાણ ગુમાવ્યા છે. આ તમામને સર્ટી. મેળવવાનું છે, અરજી કરવાની છે.

આ પ્રક્રિયા તેમને ઓછામાં ઓછી પીડાદાયક બને તેવા રસ્તા વિચારવા જોઈએ. અને છેલ્લે સરકારના કોઈ પણ કામમાં જો સહાય મેળવવાની હોય, સર્ટી. મેળવવાનું હોય તો અધિકારશાહી પોતાના રંગ બતાવ્યા વગર રહેતી નથી. કમ સે કમ આ મૃત્યુ સહાયના કિસ્સાઓમાં લાંચ-ભ્રષ્ટાચારનાં કૌભાંડો સામે ન આવે અને મૃત્યુ કાંઈક પામ્યું હોય અને સહાય કોઈક ન લઈ જાય તે પણ જોવાય તો જ આ આખી કલ્યાણકારી યોજના ફળદાયી બને.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top