Top News

More Posts

   The Latest

Most Popular

માનવીના જીવનને સગવડભરી કરવા જેમ ટેક્નોલોજી અનિવાર્ય છે, તેમ જંગલોમાં પ્રાણીઓના જીવનને સુરક્ષિત કરવા ટેક્નોલોજી જરૂરી છે. જંગલોમાં ગેરકાયદેસર રીતે થતાં પ્રાણીઓના શિકાર જાણીતી વાત છે. આપણા દેશમાં વર્ષે દહાડે અનેક પ્રાણીઓના એ રીતે જીવ લેવાય છે. આ અર્થે હવે સરકાર અને જંગલોનું વ્યવસ્થાપન કરનારાં ટેક્નોલોજીનો સહારો લેતા થયા છે. હાલમાં દેશના સૌથી મોટાં અભયારણ્યોમાંથી એક આસામના કાઝિરંગામાં સેટેલાઇટ ફોનની સુવિધા ઊભી કરવામાં આવી છે. ગેંડાઓને સુરક્ષા પૂરું પાડતું કાઝિરંગા વિશ્વનું એક માત્ર અભયારણ્ય છે.

એક શિંગ ધરાવતાં વિશ્વના 70 % ગેંડા અહીં જ સુરક્ષિત છે. તે કારણે કાઝિરંગાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. આ અલભ્ય જીવને સાચવવા અનેક પ્રયાસ થયા છતાં અહીં શિકારને અટકાવી શકાતા નથી. હવે તે માટે અત્યાધુનિક ટેકનોલોજીની મદદ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને કાઝિરંગના અધિકારીઓને 10 સેટેલાઇટ ફોન આપવામાં આવ્યા છે. આ અગાઉ પણ ફોરેસ્ટ અધિકારીઓને મોબાઈલ આપવામાં આવ્યા હતા, પરંતુ કાઝિરંગામાં 450 કિલોમીટર ચોરસ વર્ગમાં પ્રસરેલું છે અને ત્યાં અનેક સ્થળે મોબાઈલનું નેટવર્ક ઉપલબ્ધ નથી. જે કારણે શિકારીઓ ફાવી જાય છે અને તેમને પકડી શકાતાં નથી. પરંતુ હવે સેટેલાઈટ ફોનથી અભયારણ્યના તમામ સ્થળે ફોરેસ્ટ અધિકારીઓ એકબીજા સાથે સંપર્કમાં રહી શકશે.

કાઝિરંગામાં જેમ સેટેલાઇટ ફોન દ્વારા શિકાર અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે પ્રમાણે અન્ય અભયારણ્યોમાં પ્રયાસ થયા છે. પ્રાણીઓની સાચવણી જાણે હવે ટેક્નોલોજી દ્વારા થઈ શકે તેવી સ્થિતિ આવી ચૂકી છે. આપણા રાજ્યમાં ગીર અભયારણ્યમાંયે સિંહોની સુરક્ષા અર્થે ટેક્નોલોજીની મદદ લેવાઈ રહી છે. જેમ કે, ગીરમાં GPS, ઓટોમેટીક સેન્સર ગ્રીડ અને નાઇટ વિઝન ડિવાઈસનો ઉપયોગમાં લેવાય છે. ગીરમાં ટેક્નોલોજીની આધારીત સિક્યૂરીટી ગોઠવવાની ઘટનાને આજે દોઢ દાયકા જેટલો સમય વીતી ચૂક્યો છે. ગીરમાં પણ આ ટેક્નોલોજી આવી તેનું કારણ 2007માં થયેલાં આઠથી વધુ સિંહોના શિકાર હતા.

Pench National Park – Bengal Tiger (Panthera tigris tigris)

આફ્રિકા સિવાય પૂરા વિશ્વમાં સિંહોની વસાહત ગીર માત્રમાં છે અને તેથી તેની સુરક્ષાની જવાબદારી અનેકગણી વધી જાય છે. રાજ્ય સરકારે સિંહોની સુરક્ષા માટે પૂરતાં પ્રયાસ પણ કર્યા છે અને જે કારણે આજે ગીરમાં ચારસોથી વધુ સિંહો વિહાર કરે છે. 2007માં ઘટના બન્યા બાદ રાજ્ય સરકારે તુરંત ટાસ્ક ફોર્સની રચના કરી અને તત્કાલિન ચીફ કન્સર્વેટર ઑફ ફોરેસ્ટ દ્વારા એવો નિર્ણય લેવાયો કે હવે ગીરમાં હાઇટેક સંસાધનોની મદદ લેવાશે.

ટાસ્ક ફોર્સ દ્વારા સૌથી પ્રથમ કાર્ય કર્યું તે GPS આધારીત સર્વેલન્સ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા, જેનાથી પ્રાણીને ટ્રેક કરી શકાય અને જંગલમાં આવનારાં કોઈ અજાણ્યા વહાનને પણ ઓળખી શકાય. તે પછી જે કાર્ય થયું તે ફિલ્ડ પર કામ કરનારાં જંગલના અધિકારીઓ વચ્ચે મજબૂત નેટવર્ક સિસ્ટમ વિકસાવવાનું. આ સિસ્ટમમાં સૌને ડિવાઈઝ પ્રોવાઇડ કરવામાં આવી, જેથી એકબીજાનાં સંપર્કમાં રહી શકાય. ઇવન, આ સિવાય સિંહોને GPS કોલર્સ ફીટ કરવાની પણ યોજના હાથ ધરવામાં આવી. સેન્સર ગ્રીડ પણ ગીર અભયારણ્યમાં પાથરવામાં આવી છે, જેથી પ્રાણીઓના શિકાર અર્થે મેટલ અથવા અન્ય કોઈ ધાતુ તુરંત નજરમાં આવી શકે.

આ સેન્સર એટલાં અત્યાધુનિક છે કે તે દ્વારા એક ઇન્ટેલિજન્સ અલ્ગોરીથમ તૈયાર થાય જેનાથી કયા સ્થળે શિકાર થવાની શક્યતા છે તે પણ જાણી શકાય. પ્રાણીઓનો શિકાર કરનારાં જંગલમાં રાત્રે પણ જતાં હોય છે અને ત્યારે જંગલના અધિકારી પાસે નાઇટ વિઝન ઇક્વિપમેન્ટ ન હોય તો તેને અટકાવવા મુશ્કેલ બને છે. આ કારણે ગીરમાં અધિકારીઓ અને ફિલ્ડ ઓફિસરને નાઇટ વિઝન ઇક્વિપમેન્ટથી સજ્જ કરવામાં આવ્યા છે. પ્રાણીઓને સુરક્ષિત રાખવા ફિલ્ડ પર જે કાર્ય કરે છે તેના પર પણ જોખમ તોળાય છે. અનેક વાર શિકારીઓ પ્રાણીઓના શિકાર કરવા માટે તેઓની પણ જાન લે છે.

દેશમાં ફોરેસ્ટ ગાર્ડ, ડેપ્યુટી ફોરેસ્ટ રેન્જર્સ, ફોરેસ્ટ રેન્જર્સ જેવાં વિવિધ પોસ્ટ પર સવા લાખની આસપાસ વ્યક્તિઓ કાર્યરત છે. આ તમામે તમામ પ્રાણીઓની સુરક્ષા માટે સીધા ફિલ્ડ પર કામ કરે છે. એક અંદાજ પ્રમાણે દેશનો 23 ટકા હિસ્સો સીધો આમનાં જ દેખરેખ હેઠળ છે. ખૂબ ઓછા માનવસંસાધનો સાથે આટલાં મોટા એરિયામાં જ્યારે વોચ રાખવાનું આવે તો સ્વાભાવિક છે કે ટેક્નોલોજીની મદદ અનિવાર્ય થઈ પડે. તે સિવાય આટલાં મોટા વિસ્તારને માત્ર સવા લાખની ફોર્સ સાથે સુરક્ષાની કોઈ ગેરન્ટી મળે નહીં. આ જ કારણે 2012માં 34 ફોરેસ્ટ ગાર્ડ્સ, 2013માં 14 અને 2014માં 24 ફોરેસ્ટ ગાર્ડ્સે ડ્યૂટી પર જીવ ગુમાવ્યો હતો.

વર્તમાન આંકડા મળતાં નથી, પરંતુ આજે પણ ફોરેસ્ટ ગાર્ડ્સ પર સતત જોખમ તોળાતું હોય છે. ઇવન, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના સંજય સિંઘ જેવાં પદાધિકારીઓએ પણ જંગલોની સાચવણી માટે જીવ ગુમાવ્યો છે. સંજય સિંઘ બિહારના જંગલોમાં માફિયાઓની ખનન અટકાવવામાં શહીદ થયા છે. પ્રાણીઓ અને પ્રાણીઓની સુરક્ષા કરનારાંઓ અર્થે પણ આજે ટેક્નોલોજી અનિવાર્ય છે અને તેની શરૂઆત દેશના મહદંશે અભયારણ્યોમાં થઈ ચૂકી છે. ફોરેસ્ટ એરિયામાં અગાઉ ટેક્નોલોજીનો પાર્ટ મર્યાદિત રહેતો, પણ આજે તે વધુને વધુ અપગ્રેડ થઈ રહી છે. રાજસ્થાન સરકારે આ માટે અમેરિકાની કંપની ‘SAS’ને કાર્ય સોંપ્યું છે.

આ કંપનીએ રાજસ્થાનના પાંચ અભયારણ્ય રણથંભૌર, સારિસ્કા, મુકુન્દ્રા, જવાઈ બાગ અને જલાનામાં ‘SAS’ની સિસ્ટમ ગોઠવી છે. આ સિસ્ટમમાં ઇન્ટેલિજન્સ એનાલિસિસ દ્વારા જે માહિતી જંગલમાંથી મળે તેનું વિશ્લેષણ કરીને ફોરેસ્ટ અધિકારીઓ સમક્ષ મૂકવાની ક્ષમતા છે. આ પૂરી વ્યવસ્થામાં અમેરિકન ‘SAS’ કંપની આ પાંચ અભયારણ્યોમાં કેમેરા ગોઠવ્યા છે. તદ્ઉપરાંત વિઝન ટેક્નોલોજી અને ટેક્સ્ટ એનાલિટિક્સ ક્ષમતા ધરાવતા સાધનો પણ મૂક્યા છે. આ પૂરી સિસ્ટમ ફૂલપ્રૂફ છે અને જે આધારે ફોરેસ્ટ ગાર્ડ્સ સતત મદદ મળશે. રાજસ્થાનના અભયારણ્યોમાં પણ શિકાર કરવાની પ્રવૃત્તિ ખૂબ ફૂલીફાલી છે અને તેને અટકાવવા માટે આ પૂરી વ્યવસ્થા કારગર સાબિત થઈ રહી છે.

આ સિસ્ટમ આધારે ફિલ્ડ પરનું પેટ્રોલિંગનું ભારણ ઘટશે અને જ્યાં ઘટના બની છે ત્યાં તુરંત પહોંચી શકાશે. સામાન્ય રીતે જંગલોમાં ઓછો સ્ટાફ હોય છે. અને તે કારણે દરેક ઠેકાણે નજર રાખી શકાતી નથી અને કોઈ ઘટના બને છે ત્યારે પણ સ્ટાફ અલગ-અલગ વિસ્તારમાં હોય છે, જેથી તુરંત તેઓ ઘટનાસ્થળે પહોંચી શકતા નથી.જંગલોમાં જોખમ માત્ર પ્રાણીઓને જ નથી હોતું, બલકે તેની આસપાસની સૃષ્ટિને પણ હોય છે. જેમ કે જંગલોમાં અનેક એવા વૃક્ષ-છોડ મળે જેનો પણ વેપાર થાય છે.

પ્રાણીઓને સાચવવા માટે તેમની આસપાસની સૃષ્ટિને પણ સુરક્ષિત રાખવી જરૂરી છે. હવે આ માટે જંગલ ખાતામાં જ્યાં મર્યાદિત ફોરેસ્ટ ગાર્ડ્સ હોય ત્યાં ડ્રોનની સુવિધા લેવાઈ રહી છે. શિકારીઓને પકડવા માટે હાલમાં ડ્રોન ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. આ ડ્રોનમાં સેન્સેટિવ ઇન્ફ્રા રેડ ઓપ્ટિક્સ ફિટ કરવામાં આવે છે તેથી તેમાં કોઈ પણ પ્રાણી ઘવાય તો તેને તુરંત તે સ્પોટ કરે છે. શિકારી જ્યારે અંધારામાં શિકાર કરતાં હોય ત્યારે આ પ્રકારના ડ્રોન ખૂબ ઉપયોગી થાય છે. જંગલ ખાતાના અહેવાલોની નોંધ મુજબ તો દેશમાં લોકડાઉન થયું તે દરમિયાન ડ્રોન કેમેરાની ભૂમિકા જંગલોમાં સર્વેલન્સ માટે ખૂબ સારી રહી.  આ રીતે હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા શિકારને અટકાવવા માટે મહત્ત્વની ભૂમિકા બની રહી છે. આ પૂરી સિસ્ટમથી શિકાર તો અટકે જ છે પણ શિકારની શક્યતા ક્યાં હોઈ શકે તે પણ આ સિસ્ટમ દાખવી શકે છે. ઇવન, કોઈ પ્રાણી ઇજાગ્રસ્ત થયું છે તો તેને પણ આ સિસ્ટમ દ્વારા ટ્રેક કરી શકાય છે. હવે જંગલોમાં ગાર્ડ્સની સંખ્યાબળની મર્યાદા અને મોટા ક્ષેત્રોમાં સર્વેલન્સનો આધાર ટેક્નોલોજી બની રહી છે.

To Top