Vadodara

વડોદરા કોંગ્રેસમાં ‘ખર્ચ’ મુદ્દે માથાકૂટ: ચૂંટણી કાર્યાલયમાં જ નેતાઓ બાખડ્યા, વોર્ડ પ્રમુખ અને ઉમેદવારને પડ્યા લાફા!

હિસાબ માગવા ગયેલા કાર્યકરો અને નેતાઓ વચ્ચે છૂટા હાથની મારામારી; ભાજપને ફાયદો કરાવવાના આક્ષેપ સાથે જંગ ખેલાયો

વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ભાજપની જેમ હવે કોંગ્રેસમાં પણ આંતરિક જૂથવાદ અને વિખવાદ સપાટી પર આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 9 ના કોંગ્રેસના ચૂંટણી કાર્યાલય ખાતે ચૂંટણી ખર્ચના હિસાબને લઈને કાર્યકરો અને આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો છૂટા હાથની મારામારી સુધી પહોંચ્યો હતો. આ હિંસક અથડામણમાં વોર્ડ પ્રમુખ અને એક ઉમેદવારને લાફા ઝીંકી દેવામાં આવ્યા હોવાની ઘટનાએ રાજકીય આલમમાં ભારે ચકચાર જગાવી છે.

મળતી વિગતો અનુસાર, વોર્ડ નંબર 9 ના ચૂંટણી કાર્યાલયમાં હિસાબ-કિતાબને લઈને ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન વોર્ડ પ્રમુખ મહેશ પરીખ અને યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા વચ્ચે કોઈ મુદ્દે તકરાર થઈ હતી. ચર્ચા એટલી હદે વણસી ગઈ હતી કે હાજર રહેલા અન્ય લોકો પણ તેમાં જોડાયા હતા. એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કેટલાક નેતાઓ ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો કરાવી રહ્યા છે, જે બાબતે રોષે ભરાયેલા કાર્યકરોએ ગરમાગરમીમાં ભાન ગુમાવ્યું હતું.

આ મારામારી દરમિયાન વોર્ડ પ્રમુખ મહેશ પરીખ અને ઉમેદવાર ધૈર્યસિંહ જગતાપ પર કાર્યકરો તૂટી પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝપાઝપીમાં વોર્ડ પ્રમુખ મહેશ પરીખને હાથના ભાગે ઈજાઓ પહોંચી છે, જ્યારે ઉમેદવાર ધૈર્યસિંહ જગતાપને ગાલ પર ત્રણ સણસણતા તમાચા મારી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સમયે યુથ કોંગ્રેસના પૂર્વ હોદ્દેદાર જયેન્દ્ર ચાવડા સહિતના અન્ય અગ્રણીઓ પણ સ્થળ પર હાજર હોવાનું જાણવા મળ્યું છે.
ચૂંટણીના માહોલ વચ્ચે પક્ષના કાર્યાલયમાં જ થયેલી આ જૂથબંધી અને મારામારીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વમાં દોડધામ મચી ગઈ છે. એક તરફ પક્ષ ભાજપ સામે લડવાની તૈયારીઓ કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ ઘરના જ અંદરો અંદરના ઝઘડાઓએ કોંગ્રેસની શિસ્તના ધજાગરા ઉડાડ્યા છે. આ ઘટનાને પગલે શહેર કોંગ્રેસમાં ભારે હડકંપ મચ્યો છે અને આગામી દિવસોમાં આ મામલે શિસ્તભંગના પગલાં લેવાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

Most Popular

To Top