Vadodara

વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ફૂડ પોઈઝનિંગનો ભરડો, ભોજન બાદ 11 વિદ્યાર્થીઓની તબિયત લથડી

સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ

(પ્રતિનિધિ), વડોદરા. તા.20
ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગત 18 મી તારીખની રાત ભારે મુસીબત લઈને આવી હતી. રાત્રિના ભોજન બાદ એકાએક 11 વિદ્યાર્થીઓની તબિયત લથડતા સમગ્ર કેમ્પસમાં દોડધામ મચી જવા પામી હતી. વિદ્યાર્થીઓને ઝાડા-ઉલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, કુંઢેલા ખાતે આવેલી આ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં દેશના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આવે છે. 18 એપ્રિલના રોજ રાત્રે અંદાજે 08:30 વાગ્યાના સુમારે વિદ્યાર્થીઓએ હંમેશની જેમ મેસમાં ભોજન લીધું હતું. પરંતુ, ભોજન લીધાના થોડા જ સમયમાં વિદ્યાર્થીઓને ઉલ્ટી, ઝાડા અને પેટમાં દુખાવાની તકલીફ શરૂ થઈ હતી. એકાએક અનેક વિદ્યાર્થીઓને એકસાથે તબિયત બગડતા આ ફૂડ પોઈઝનિંગનો કેસ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ તમામ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ છે અને તેમની સારવાર ચાલી રહી છે. ફૂડ પોઈઝનિંગ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમને ભોજનમાં શું પીરસવામાં આવ્યું હતું અને કયા પદાર્થને કારણે આ ગંભીર સ્થિતિ સર્જાઈ, તે દિશામાં ડભોઈ પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર ઘટનામાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓમાં 11 વિધાર્થીઓનો સમાવેશ થાય છે. જેના નામની યાદી નીચે પ્રમાણે છે.

* 1) યશવર્ધન કૈલાશન બલાસ (21 વર્ષ)
* 2) અમીના અશરફ (23 વર્ષ)
* 3) સહાન રજા (25 વર્ષ)
* 4) શુભમ રાજ (20 વર્ષ)
* 5) જિસાન પીવી (23 વર્ષ)
* 6) અરૂણ થોરી (21 વર્ષ)
* 7) યુવરાજ સોલંકી (21 વર્ષ)
* 8) મોહિત મીના (17 વર્ષ)
* 9) અરખા શ્રુતા (22 વર્ષ)
* 10) બાલાજી શર્મા (18 વર્ષ)
* 11) પ્રિયાંશુ દીપક રંજન (18 વર્ષ)

આ ઘટનાએ યુનિવર્સિટી કેમ્પસમાં ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Most Popular

To Top