Gujarat

ગુજરાતમાં લોકો ખાનગી હોસ્પિટલની મોંઘી સારવાર લેવા મજબૂર

અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ‘Household social consumption: Health’ રિપોર્ટમાં ગુજરાત રાજ્યની જાહેર આરોગ્ય વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો વચ્ચેના સારવાર ખર્ચમાં રહેલી મોટી આર્થિક અસમાનતા ઉજાગર થઈ છે. રાજ્ય સરકારની ઉદાસીન નીતિઓ અને સરકારી હોસ્પિટલોમાં પાયાની સુવિધાઓના અભાવને કારણે જનતાનો સરકારી સ્વાસ્થ્ય સેવાઓ પરથી વિશ્વાસ સતત ઘટી રહ્યો છે, જેના પરિણામે સામાન્ય નાગરિકો મોંઘીદાટ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા મજબૂર બન્યા છે.

કેન્દ્ર સરકારના અહેવાલ મુજબ ગુજરાતમાં હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર મેળવતા દર્દીઓનો સરેરાશ ખર્ચ ગ્રામ્ય વિસ્તારમાં ૨૮,૫૧૬ રૂપિયા છે, જ્યારે શહેરી વિસ્તારમાં આ જ સરેરાશ ખર્ચ વધીને ૫૩,૭૪૭ રૂપિયા સુધી પહોંચી જાય છે. સરકારી હોસ્પિટલોમાં પ્રસૂતિ સિવાયનો સરેરાશ આઉટ ઓફ પોકેટ ખર્ચ ગ્રામીણ વિસ્તારમાં ૪,૧૮૫ રૂપિયા અને શહેરી વિસ્તારમાં ૧,૯૧૭ રૂપિયા થાય છે. તેની સામે ચેરિટેબલ હોસ્પિટલોમાં આ ખર્ચ ગ્રામીણ ક્ષેત્રે ૧૪,૬૫૯ રૂપિયા અને શહેરી ક્ષેત્રે ૨૨,૭૯૯ રૂપિયા થાય છે. જ્યારે ખાનગી હોસ્પિટલો સામાન્ય જનતાનું લોહી ચૂસી રહી હોય તેમ ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓએ પોતાના ખિસ્સામાંથી ૩૭,૫૯૫ રૂપિયા અને શહેરી વિસ્તારમાં ૫૩,૬૩૨ રૂપિયાનો તોતિંગ ખર્ચ કરવો પડે છે. આઉટ ઓફ પોકેટ ખર્ચની સરખામણી કરીએ તો, સરકારી હોસ્પિટલમાં બાળકના જન્મ પર ગ્રામીણ વિસ્તારમાં ૮૩૨ રૂપિયા અને શહેરી વિસ્તારમાં ૧,૪૬૦ રૂપિયાનો સામાન્ય ખર્ચ થાય છે. ખાનગી હોસ્પિટલોમાં પ્રસૂતિ કરાવવી એ મધ્યમવર્ગ માટે આર્થિક કમરતોડ સાબિત થાય છે, જ્યાં ગ્રામીણ વિસ્તારમાં ૨૫,૭૧૭ રૂપિયા અને શહેરી વિસ્તારમાં ૩૪,૪૧૪ રૂપિયાનો સીધો ખર્ચ પરિવારના માથે આવે છે.

ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સારવાર

૨૮.૨ % દર્દીઓએ સરકારી હોસ્પિટલમાં લાભ લીધો
૫૯.૫ % દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યું
૧૨.૩ % દર્દીઓએ ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર લીધી

શહેરી વિસ્તારોના દર્દીઓની સારવાર

૨૩.૫ % દર્દીઓ જ સરકારી હોસ્પિટલમાં દાખલ થાય છે
૬૯.૫ % જેટલો મોટો હિસ્સો ખાનગી હોસ્પિટલો પર નિર્ભર છે
માત્ર ૭.૦ % લોકો ચેરિટેબલ હોસ્પિટલમાં જાય છે

પ્રસૂતિ માટે મહિલાઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર

ગ્રામ્ય વિસ્તારમાં ૪૨.૫ % બાળકોનો જન્મ સરકારી હોસ્પિટલમાં થાય છે
૬.૦ % જેટલી પ્રસૂતી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં થાય છે
૫૧.૫ % બાળકો ખાનગી હોસ્પિટલમાં જન્મે છે.
શહેરોમાં સરકારી હોસ્પિટલોમાં પ્રસૂતિનો દર ૩૨.૯ % થઈ જાય છે
જ્યારે ટ્રસ્ટની ચેરિટેબલમાં ૩.૬ % પ્રસૂતિ થાય છે
ખાનગી હોસ્પિટલોમાં ૬૩.૫ % બાળકો જન્મે છે

રિપોર્ટના આંકડા બતાવે છે કે ગુજરાતમાં લોકોને સરકારી હોસ્પિ.માં સારી સારવાર મળતી નથી: કોંગ્રેસ

કેન્દ્ર સરકારના હેલ્થ વિભાગના રિપોર્ટના સત્તાવાર આંકડાઓ સાથે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ આક્ષેપ કર્યો હતો કે, આ રિપોર્ટના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે શહેરો અને ગામડાઓમાં તબીબી સારવાર પાછળ થતો આર્થિક બોજ અત્યંત અસમાન અને શોષણયુક્ત છે.

Most Popular

To Top