પોસ્ટલ બેલેટ મળેલ કર્મચારીઓ માટે પ્રતાપનગર પોલીસ હેડક્વોર્ટરમાં કાર્યરત થશે ફેસિલિટેશન સેન્ટર
સવારે 9 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી મળશે રૂબરૂ મતદાનની સુવિધા


(પ્રતિનિધિ), વડોદરા. તા.20
વડોદરા :- લોકશાહીના મહાપર્વ સમાન વડોદરા મહાનગરપાલિકાની આગામી તા. 26 એપ્રિલ, 2026 ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ચૂંટણીની પ્રક્રિયામાં ખડેપગે ફરજ બજાવનાર અને ચૂંટણી કાર્યમાં રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ અને અનુકૂળ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઘણાં એવા કર્મચારીઓ છે જેમણે ટપાલથી મતદાન કરવા માટે અગાઉ અરજી કરેલી છે અને જેમને ટપાલ દ્વારા મતપત્ર પણ મળી ગયા છે. આવા કર્મચારીઓ જો ટપાલને બદલે રૂબરૂ મતદાન કરવા ઈચ્છતા હોય, તો તેમના માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ ‘ફેસિલિટેશન સેન્ટર’ કાર્યરત કરવામાં આવશે.
ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ, આ સુવિધાનો લાભ લેવા માટેની વિગતો નીચે મુજબ છે.
- તારીખ :- 22 એપ્રિલ, 2026 (બુધવાર)
- સમય :- સવારે 9:00 થી સાંજે 6:00 કલાક સુધી
- સ્થળની વિગતો :-
- 1) વોર્ડ નંબર 1 થી 12 ના કર્મચારીઓ માટે :- પોલીસ તાલીમ કેન્દ્ર, પોલીસ હેડક્વૉટર, પ્રતાપનગર, વડોદરા.
- 2) વોર્ડ નંબર 13 થી 19 ના કર્મચારીઓ માટે :- આંગણવાડી કેન્દ્ર, પોલીસ હેડક્વૉટર, પ્રતાપનગર, વડોદરા.
ચૂંટણી ફરજમાં વ્યસ્ત હોવા છતાં લોકશાહીમાં પોતાનો અમૂલ્ય મત આપવો એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. ચૂંટણી ફરજ પર રહેલા તમામ કર્મચારીઓ, જેમને ટપાલ દ્વારા મતપત્ર મળેલ છે, તેઓ આ તકનો મહત્તમ લાભ લે અને નિર્ધારિત સમય અને સ્થળે પહોંચીને પોતાનો મત અવશ્ય આપે તેવી વહીવટી તંત્ર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે. તમારા મતદાનથી જ મજબૂત અને પ્રગતિશીલ વડોદરાનું નિર્માણ થશે.