Vadodara

વોર્ડ-10માં ચૂંટણી જંગ: વિકાસકામોના મુદ્દે ભાયલીમાં ઘમાસાણ, નીતિન દોંગાએ વિરોધને ‘રાજકીય સ્ટંટ’ ગણાવ્યો​

6 મહિના પહેલા વખાણ, અત્યારે વિરોધ કેમ?”- ઉમેદવારનો સવાલ; 350 કરોડના કામોના દાવા સામે જનતાના તીખા સવાલોથી ગરમાવો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચારમાં હવે આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને વિરોધના વંટોળ શરૂ થયા છે. વોર્ડ નંબર 10 માં સમાવિષ્ટ ભાયલી ગામે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મતોની ઝોળી ફેલાવી પ્રચાર કરવા પહોંચ્યા, ત્યારે તેમને જનતાના રોષનો સામનો કરવો પડ્યો હતો. એક જાગૃત મહિલાએ ભાજપની ટુકડીને ઘેરીને વિકાસકામોનો હિસાબ માંગતા વાતાવરણમાં ઉત્તેજના પ્રસરી ગઈ હતી.
ભાયલી ગામે થયેલા આ વિરોધમાં એક મહિલાએ મોરચો સંભાળ્યો હતો. તેમણે આક્રમક તેવર સાથે ભાજપના ઉમેદવારોને સવાલ કર્યો હતો કે, “ગામના યુવાનોને બદનામ કરીને તમે કયા મોઢે વોટ માંગવા આવ્યા છો?” આ મહિલાએ અત્યાર સુધી થયેલા કામોનો સીધો હિસાબ માંગતા પ્રચાર અટકાવી દેવો પડ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ‘ક્રાંતિકારી સેના’ના સમર્થકો અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલા ‘માસ્ક મેન’ની સક્રિયતાએ ગામલોકોને પણ જાગૃત કર્યા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.
સામે પક્ષે ભાજપના ઉમેદવાર નીતિન દોંગાએ આ સમગ્ર ઘટનાને વિરોધીઓનું પૂર્વયોજિત ‘રાજકીય ષડયંત્ર’ ગણાવ્યું છે. તેમણે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જે ‘માસ્ક મેન’ આજે વિરોધના સૂર છેડી રહ્યા છે, તેમણે જ છ મહિના પહેલા મારા દ્વારા કરાયેલા વિકાસકામોના વખાણ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. તો અત્યારે ચૂંટણી ટાણે જ અચાનક વિરોધ કેમ શરૂ થયો? તે એક મોટો પ્રશ્ન છે. વધુમાં દોંગાએ દાવો કર્યો હતો કે તેમની ગત બે ટર્મ દરમિયાન વોર્ડમાં રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવા પાયાની સુવિધાઓના 350 કરોડ રૂપિયાથી વધુના કામો કરવામાં આવ્યા છે.
શહેરમાં એવી ચર્ચા છે કે નીતિન દોંગા આ વખતે જીત્યા બાદ કોર્પોરેશનમાં મોટા અને મહત્વના પદ માટેના પ્રબળ દાવેદાર છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે તેમને આ રેસમાંથી બહાર કરવા અને તેમની છબી ખરડવા માટે આ પ્રકારના વિરોધ પ્રદર્શનો ગોઠવવામાં આવી રહ્યા છે. આંતરિક જૂથવાદ કે વિરોધ પક્ષની ચાલ, ગમે તે હોય પરંતુ ભાયલીની આ ઘટનાએ વોર્ડ-10 ના જંગને વધુ રસપ્રદ બનાવી દીધો છે.

Most Popular

To Top