Comments

હવે હરિયાણામાં હિંસા

મણીપુરમાં જાતીય હિંસાની આગ ઠરી નથી ત્યાં દિલ્હી અને ગુરુગ્રામમાં હિંસાના બનાવો બન્યા છે. જે રીતે હિઓન્સાના બનાવો બની રહ્યા છે એ દર્શાવે છે કે કોઈ ઈચ્છે છે કે, કોમી શાંતિનો ભંગ થાય. હરિયાણાના નુંહ વિસ્તાર કે દિલ્હીની પડખે આવેલો છે ત્યાં વિશ્વ હિંદુ પરિષદ યોજિત બ્રજ મંડળ યાત્રા નીકળી એના પર પથ્થરમારો થયો અને ગોળીબાર પણ થયો અને એમાં અત્યાર સુધીમાં છ લોકો મૃત્યુ પામ્યાં છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. ઘાયલ થનારામાં પોલીસકર્મી પણ છે. મસ્જીદ પર પણ હુમલો થયો છે એના એમાં એક મૌલવીનું મૃત્યુ થયું છે.

આ પહેલાં દિલ્હીમાં મોહરમના જુલૂસ પર પથ્થરમારો થયો હતો અને એમાંથી હિંસા વણસી શકે એમ હતી. સદ્નસીબે એવું  નહોતું અને શાસન દ્વારા લેવાયેલાં પગલાંઓ સફળ રહ્યાં હતાં, પણ ગુરુગ્રામનાં નુંહ વિસ્તારમાં એવું ના થયું. બંને પક્ષે હુમલાઓ થયા છે અને આગજનીના બનાવો બન્યા છે. સારું એવું નુકસાન થયું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ હિંસા પાછળ કોણ જવાબદાર છે?

બે ત્રણ નામો ચર્ચામાં છે. એક નામ છે મોનુ માનસર. એ ગૌરક્ષક તરીકે જાણીતો ચહેરો છે અને અનેક મુદે એ ચર્ચામાં રહ્યો છે. એની સામે કેટલાક કેસ છે અને એમાંનો એક કેસ રાજસ્થાનના નાસીર અને જુનૈદબી હત્યાનો છે  અને આ હત્યા પાછળ પશુ હત્યાનો જ મુદો છે. જો કે, મોનુ પોતાને નિર્દોષ ગણાવે છે. આ મોનુ બ્રજ મંડળ યાત્રામાં સામેલ થવાનો છે એવી વાતે કેટલાક લોકો ઉશ્કેરાયા હતા અને ઉશ્કેરણી પણ થઇ હતી. તો સામા પક્ષે ગૌરક્ષા બજરંગ ફોર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ બીત્તુ બજરંગીએ પણ યાત્રામાં જોડાવા માટે ઉશ્કેરણીજનક ભાષાનો પ્રયોગ કરેલો અને એના વિડિયો વાયરલ થયા હતા. પોલીસ જો કે, કોઈ નિષ્કર્ષ પર આવી નથી.

આ ઘટના સાથે કામ કેમ લેવું એ અભિગમ બહુ ચર્ચામાં છે. હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરે એમ કહ્યું કે, રાજ્યની વસ્તી સામે પોલીસ ફોર્સ ઓછો છે એટલે દરેકની રક્ષા કરવાનું સંભવ નથી. કોઈ રાજ્યના મુખ્યમંત્રી આ ભાષામાં વાત કરે એ અસહ્ય ગણાવું જોઈએ. મણીપુરના મુખ્યમંત્રી એન બીરેનસિંહે પણ કહેલું કે, એવા તો સેંકડો કેસ બન્યા છે. બીજી બાજુ , આ ઘટના મુદે્ રાજકીય નિવેદનબાજી શરૂ થઇ છે. હરિયાણા અને રાજસ્થાનનાં મુખ્યમંત્રીઓ આમનેસામને આવી ગયા છે. હરિયાણાના મુખ્યમંત્રીના દોષારોપણનો જવાબ આપતાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કહે છે , મોનુની ધરપકડ કરવા અમારી પોલીસ હરિયાણા ગઈ તો ત્યાંની પોલીસે સહકાર તો ના આપ્યો, પણ અમારી પોલીસ સામે કેસ ઠોકી દીધો. વાસ્તવિક્તા એ પણ છે કે, મોનુ આ યાત્રામાં હાજર નહોતો. પણ કેટલાક પ્રશ્નો તો છે જ. આ યાત્રામાં જોડાનાર લોકો પાસે બંદૂકો હતી અને કેટલાક પાસે તલવારો પણ. જો કે એનો ખુલાસો એમ કરાય છે કે, તલવારની પૂજા થવાની હતી અને જેમની પાસે બંદૂક હતી એ પરવાનાવાળી હતી.

સવાલ એ છે કે, આવી હિંસાના બનાવો એક પછી એક રાજ્યમાં વધતા જાય છે. એવું શા માટે બને છે? હેતુ શું છે? આ મુદે્ તપાસ એજન્સીઓએ ઊંડાણથી તપાસ કરવાની જરૂર છે, પણ સમસ્યા એ છે કે, અનેક કેસમાં એવું બનતું આવ્યું છે કે, ખાસ તપાસ સમિતિ બને છે અને એની તપાસમાં શું બહાર આવ્યું એની ઘણા સમય સુધી ખબર પડતી નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા ટીપ્પણી થઇ છે એ યોગ્ય છે કે, ઉશ્કેરણીજનક નિવેદનો થવાં ના જોઈએ. દેશમાં કોમી દ્વેષ ના ફેલાય એ આવશ્યક છે.

ગુજરાતમાં આતંકનો પડછાયો
રાજકોટમાંથી બે ત્રણ યુવાનો પકડાયા અને એમનું કનેક્શન આતંકી ગતિવિધિ સાથે જોડાયેલું છે એવા અહેવાલો આંચકાજનક છે. કારણ કે ગુજરાતમાં રાજકોટ શાંતિપ્રિય શહેરની નામના ધરાવે છે. પણ થોડા સમય પહેલાં રાજકોટમાં જ બે ભાઈઓ પણ આતંકી પ્રવૃત્તિ મુદે્ પકડાયા હતા અને આ બીજો બનાવ છે. એ આંચકાજનક એટલે છે કે, રાજકોટના સોનીબજારમાં બનાગાલી કારીગરો મોટી સંખ્યામાં છે એમાં આ ત્રણ યુવાનો ઘુસ્યા અને એમણે એકાદ જૂથ બનાવી બ્રેનવોશનું કામ શરૂ કર્યું હતું. પોરબંદરમાં પણ આવી જ પ્રવૃત્તિમાં કેટલાકની ધરપકડ થઇ હતી. સલાયામાં પણ કેટલીક ધરપકડો થઇ હતી. સૌરાષ્ટ્રમાં આ ગતિવિધિ થાય છે એ ગંભીર એટલે છે કે, અહી સૌથી લાંબો દરિયોકિનારો છે અને ત્યાંથી ભૂતકાળમાં દાણચોરીથી માંડી મોતનો સામના આવતો રહ્યો છે અને હવે ડ્રગ્સ જે વારેવારે પકડાય છે એ પણ દરિયા રસ્તે આવે છે. આ કારણે ચિંતા થવી જોઈએ.

સૌરાષ્ટ્રમાં જ નહિ, અમદાવાદમાં પણ સોની કામમાં બંગાળીઓની સંખ્યા ઝાઝેરી છે અને એમના અંગે કોઈ રેકર્ડ એમણે કામે રાખનાર પાસે હોતો નથી. રાજકોટ પોલીસ પણ આ મુદે્ બેદરકાર રહી છે. સૌરાષ્ટ્રમાં જે કોઈ કિસ્સા બન્યા છે એ સ્લીપર સેલ ઊભા કરવાનો પેંતરા છે એવું સ્પષ્ટ જણાય છે. કોઈ ઘટનાને અંજામ આપવો હોય ત્યારે આ સ્લીપર સેલનો ઉપયોગ થાય છે. જન્માષ્ટમીએ એવું કૈંક આયોજન થવાનું હતું પણ એ પહેલાં ત્રણેય પકડાઈ ગયા. પણ કેસ પરથી તપાસ ઘેરી બનવી જોઈએ અને બીજા આવા નેટવર્ક ગુજરાતમાં ફેલાયેલા છે કે કેમ એ ચકાસી લેવું જોઈએ.

બિહારમાં જાતીય ગણતરીનો વિવાદ
બિહારમાં જાતીય ગણતરીનો વિવાદ ચાલે છે અને આ વિવાદ કોર્ટમાં પહોંચ્યો. પણ આખરે પટના હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે, આ ગણતરી થઇ શકે એ કાયદા વિરુદ્ધ નથી. બિહાર સરકારે કોર્ટમાં જણાવ્યું કે, આ પાછળ કોઈ બીજો ઈરાદો નથી. સામાજિક અભ્યાસ છે. કોઈને ફરજ પડાતી નથી અને ૮૦ ટકા કામ થઇ ગયું છે. હાઈકોર્ટના ચુકાદા બાદ બિહાર સરકારે કહ્યું કે, બહુ જલ્દી આ કામ પૂરું કરી દેવાશે. પણ કોઈએ સુપ્રીમ કોર્ટમાં રીટ કરી છે,બિહાર સરકારે પણ કેવિયેટ કરી છે. હવે આ મુદે્ લાંબી કાનૂની લડાઈ ચાલશે. આ જ સમસ્યા છે કે, કોઈ પણ ગંભીર મુદો આપણે ત્યાં કાનૂની લડાઈમાં ફસાય છે અને ચુકાદો આવતા લાંબો સમય લાગે છે. 
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top