શહેરની સાંસ્કૃતિક ધરોહરને આધુનિક ઓળખ અપાવવા વડોદરા મહાનગરપાલિકાની નવી પહેલ, ‘માય મોન્યુમેન્ટ, માય સ્ટોરી’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાનું અદભૂત પ્રદર્શન

(પ્રતિનિધિ), વડોદરા. તા.19
વડોદરા : સંસ્કારી નગરી વડોદરાએ પોતાની ઐતિહાસિક ધરોહરને આધુનિકતાના રંગે રંગવા માટે એક નવી અને ક્રાંતિકારી પહેલ હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય સ્મારક અને સ્થળ દિવસ (વર્લ્ડ હેરિટેજ ડે) ના સુવર્ણ અવસરે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ, વડોદરા પ્રાદેશિક કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે “DACH વડોદરા” નામના અત્યાધુનિક સહયોગી પ્લેટફોર્મનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે.
ડિઝાઈન, કલા, સંસ્કૃતિ અને હેરિટેજને એક જ બિંદુ પર કેન્દ્રિત કરતું આ પ્લેટફોર્મ વડોદરાના સાંસ્કૃતિક વિકાસની દિશામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થવાનું છે. આ પહેલનો પાયાનો હેતુ વડોદરાની સમૃદ્ધ અને વૈવિધ્યસભર ધરોહરને એક નવી દ્રષ્ટિ અને આધુનિક પરિપ્રેક્ષ્યમાં રજૂ કરી, શહેરને વૈશ્વિક સ્તરે “ક્રિએટિવ સિટી ઓફ ડિઝાઈન” તરીકે એક નવી ઓળખ અપાવવાનો છે. વિવિધ નિષ્ણાતો, નાગરિકો અને સંસ્થાઓના સક્રિય સહયોગથી શહેરની વિરાસતને વધુ જીવંત, પ્રેરણાદાયી અને વર્તમાન સમય સાથે સુસંગત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, વડોદરાની હેરિટેજને તેના મૂળભૂત વૈભવ સાથે પુનર્જીવિત કરી, તેને આધુનિક જીવનશૈલી સાથે સાંકળવામાં આવશે. આ સાથે જ ભવિષ્યમાં શહેરના પર્યટન વિકાસને વેગ મળે તે માટે સક્રિય આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ “માય મોન્યુમેન્ટ, માય સ્ટોરી” (મારું સ્મારક, મારી વાર્તા) રહ્યું હતું. જેમાં વડોદરાની 10 શાળાઓના 150 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતાની છાપ છોડી હતી. વિદ્યાર્થીઓએ જિલ્લાના 13 ઐતિહાસિક સ્મારકોનો ગહન અભ્યાસ કરીને, સ્થળ મુલાકાત દ્વારા તેનું નિરીક્ષણ કર્યું હતું. પોતાની કલ્પનાશક્તિને વાચા આપતા વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સ્મારકોના સચોટ મોડલ્સ બનાવ્યા. કલાત્મક ચિત્રકલા દ્વારા ભૂતકાળને કાગળ પર જીવંત કર્યો. પોતાની લાગણીઓને કવિતા, નૃત્ય અને નાટ્યરૂપ પ્રસ્તુતિઓ દ્વારા રજૂ કરી.
આ ઐતિહાસિક કાર્યક્રમમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત વાઈસ ચાન્સેલર પ્રોફેસર ભાણગે, સવાઈ માનસિંહ II ટ્રસ્ટ (જયપુર) ના ડાયરેક્ટર એજ્યુકેશન સંદીપ સેઠી, હેરિટેજ ટ્રસ્ટ બરોડાના પ્રેસિડેન્ટ સમીર ખેરા તેમજ વડોદરા મહાનગરપાલિકાના હેરીટેજ સેલના કર્મનિષ્ઠ કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓના પ્રદર્શનની રૂબરૂ મુલાકાત લઈ તેમની મહેનત અને કલાત્મક દ્રષ્ટિને બિરદાવી હતી.