સોશિયલ મીડિયા આજે લોકો માટે પોતાની વાત દુનિયા સુધી પહોંચાડવાનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. હવે કોઈપણ વ્યક્તિ થોડા જ મિનિટોમાં પોતાનું પેજ બનાવીને લાખો લોકો સુધી પહોંચી શકે છે. પરંતુ ચીન હવે આ ક્ષેત્રમાં કડક નિયંત્રણ તરફ આગળ વધી રહ્યું છે. ખાસ કરીને એવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે કોઈ સત્તાવાર લાયકાત વગર સોશિયલ મીડિયા પર નિષ્ણાત બનીને લોકોને સલાહ આપે છે. ચીનના સાયબરસ્પેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઓક્ટોબર 2025માં નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. આ નિયમો મુજબ હવે આરોગ્ય, કાયદા, નાણાકીય સલાહ અને અન્ય ગંભીર વિષયો પર કન્ટેન્ટ બનાવતા ઇન્ફ્લુએન્સર્સ પાસે માન્ય ડિગ્રી, લાઇસન્સ અથવા પ્રમાણપત્ર હોવું ફરજિયાત રહેશે. એટલે કે હવે માત્ર ફોલોઅર્સ અથવા લોકપ્રિયતા આધારે કોઈપણ વ્યક્તિ પોતાને ‘એક્સપર્ટ’ કહી શકશે નહીં. નવા નિયમો હેઠળ ડુયિન, બિલિબિલી અને વેઇબો જેવા મોટા ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને સર્જકોની લાયકાત ચકાસવાની જવાબદારી સોંપવામાં આવી છે. કોઈ વ્યક્તિ જો ડોક્ટર તરીકે સલાહ આપે છે, તો તેને સંબંધિત મેડિકલ ડિગ્રી અથવા લાઇસન્સ બતાવવું પડશે. તેવી જ રીતે કાયદા સંબંધિત સલાહ આપતા લોકો માટે પણ સત્તાવાર ક્વોલિફિકેશન જરૂરી બનશે.
ચીન સરકારે AI જનરેટેડ કન્ટેન્ટ પર પણ કડક વલણ અપનાવ્યું છે. હવે ઇન્ફ્લુએન્સર્સે પોતાની પોસ્ટ અથવા વિડિઓમાં ઉપયોગમાં લેવાયેલા AI કન્ટેન્ટને સ્પષ્ટ રીતે લેબલ કરવું પડશે. જો કોઈ વિડિઓ, અવાજ અથવા ફોટો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવ્યો હોય, તો તેની જાણકારી દર્શકોને આપવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત, સર્જકોને પોતાના વિડિઓ અથવા પોસ્ટમાં ઉપયોગમાં લેવાયેલા ડેટા, અભ્યાસ અથવા સંશોધનનો યોગ્ય ઉલ્લેખ કરવો પડશે. સરકારનું કહેવું છે કે આ પગલાથી સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી અને ભ્રામક દાવાઓને રોકવામાં મદદ મળશે. રિપોર્ટ અનુસાર, જો કોઈ વ્યક્તિ જરૂરી લાયકાત વગર નિયમનકારી અથવા ગંભીર વિષયો પર કન્ટેન્ટ બનાવતો ઝડપાશે, તો તેને 100,000 યુઆન એટલે કે આશરે 14,000 ડોલર સુધીનો દંડ થઈ શકે છે. આ નિયમોને કારણે ચીનના કન્ટેન્ટ ક્રિએટર સમુદાયમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ટેક્નોલોજી વિશ્લેષક ટિમ બાજારિને AI ટેક્નોલોજીને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ AI હવે માત્ર ફોટા સુધી મર્યાદિત નથી રહ્યું. AIથી બનેલા ચહેરા હવે સાચા માણસોની જેમ હસે છે, આંખ મીંચકે છે અને વાત પણ કરે છે. થોડા સેકન્ડના અવાજ પરથી કોઈનો અવાજ સંપૂર્ણ રીતે ક્લોન કરી શકાય છે. આવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નકલી વિડિઓ, ખોટા સમાચાર અને છેતરપિંડી ઝડપથી ફેલાઈ શકે છે. તેમણે જણાવ્યું કે ફેક્ટ-ચેકર્સ ઘણીવાર આવી ખોટી માહિતી સમયસર પકડી પણ શકતા નથી. તેમના મતે, ચીનનો આ નિર્ણય ઇન્ફ્લુએન્સર ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારની ‘પ્રોફેશનલ આચાર સંહિતા’ લાવવાનો પ્રયાસ છે. જોકે, આ નવા નિયમોને લઈને મતભેદ પણ જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે આ કાયદાથી સોશિયલ મીડિયા પર માહિતીની ગુણવત્તા સુધરશે અને લોકો ખોટી સલાહથી બચી શકશે. બીજી તરફ ટીકાકારોનું કહેવું છે કે સરકાર હવે નક્કી કરશે કે કોણ શું બોલી શકે, જે અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે જોખમી સાબિત થઈ શકે છે. આ રીતે ચીન સોશિયલ મીડિયા અને AIના વધતા પ્રભાવ વચ્ચે હવે કડક નિયંત્રણની દિશામાં આગળ વધી રહ્યું છે, જેના પ્રભાવ આગામી સમયમાં વૈશ્વિક સ્તરે પણ જોવા મળી શકે છે.