SURAT

ખાડીમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં યુવકની લાશ મળતા ચકચાર

સુરત શહેરમાં ગુનાખોરીના બનાવો સતત ચિંતાજનક બની રહ્યા છે. ગઈ કાલ ના હત્યાના બનાવની ગૂંજ હજુ શમી પણ નથી ત્યાં અલથાણ વિસ્તારમાંથી વધુ એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અલથાણની ખાડીમાંથી એક અજાણ્યા યુવકની હાથ-પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને સનસનાટીનો માહોલ ફેલાયો છે. પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરીને લાશ અહીં ફેંકી દેવાઈ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, અલથાણ વિસ્તારમાં આવેલી ખાડી પાસે સ્થાનિક લોકોને શંકાસ્પદ હાલતમાં લાશ દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ અલથાણ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને FSLની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ખાડીમાંથી લાશ બહાર કાઢી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.જેને જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી,યુવકના હાથ અને પગ કાપડ વડે મજબૂતીથી બાંધેલા હતા, જેનાથી સ્પષ્ટ થાય છે કે હત્યારાઓએ અત્યંત ક્રૂરતાથી આ હત્યા અંજામ આપ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકની ઉંમર અંદાજે 25થી 30 વર્ષ વચ્ચે હોઈ શકે છે. યુવકના શરીર પર મારઝૂડના નિશાન પણ મળી આવ્યા છે. ખાસ કરીને હાથ અને પગના ભાગે ઈજાના ચિહ્નો દેખાતા પોલીસને શંકા છે કે યુવકને પહેલા અન્યત્ર બંદી બનાવી ત્રાસ અપાયો હશે અને બાદમાં હત્યા કરીને પુરાવા છુપાવવા માટે લાશ ખાડીમાં ફેંકી દેવામાં આવી હશે. આ કેસમાં સૌથી મહત્વનો ક્લૂ મૃતકના હાથ પર બનાવવામાં આવેલું ટેટૂ બન્યો છે. યુવકના હાથ પર ‘મંરામ’ નામનું ટેટૂ લખાયેલું જોવા મળ્યું છે. હાલ પોલીસ આ ટેટૂના આધારે યુવકની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

સુરત સહિત આસપાસના જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાંથી ગુમ થયેલા યુવકોની વિગતો તપાસવામાં આવી રહી છે. પોલીસને આશા છે કે આ ટેટૂ તપાસમાં મહત્વની કડી સાબિત થઈ શકે છે. એટલુજ નહી ઘટનાને લઈને અલથાણ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે, જેથી કોઈ શંકાસ્પદ વાહન અથવા વ્યક્તિ અંગે માહિતી મળી શકે. ઉપરાંત ફોરેન્સિક ટીમ દ્વારા સ્થળ પરથી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે.

હવે સમગ્ર શહેરની નજર પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પર ટકેલી છે. કારણ કે આ હત્યાની પાછળનું રહસ્ય શું છે? યુવક કોણ છે? અને હત્યારાઓ સુધી પોલીસ ક્યારે પહોંચશે? તેવા અનેક સવાલો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

Most Popular

To Top