પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે હવે એક નવી ચિંતા પણ વાહનચાલકોને સતાવી રહી છે અને તે છે નકલી અથવા મિલાવટી પેટ્રોલ. છેલ્લા કેટલાક સમયથી દેશના અનેક વિસ્તારોમાંથી એવી ફરિયાદો સામે આવી રહી છે કે કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલમાં પાણી, કેરોસીન અથવા અન્ય સસ્તા કેમિકલ્સ ભેળવીને વેચવામાં આવે છે. આવી ભેળસેળવાળું પેટ્રોલ માત્ર વાહનનું માઇલેજ ઘટાડતું નથી, પરંતુ એન્જિનને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. ઘણા લોકો ઉતાવળમાં પેટ્રોલ ભરાવી લે છે અને તેની ગુણવત્તા ચકાસતા નથી. પરંતુ જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો ગાડીના એન્જિનમાં મોટી ખામી સર્જાઈ શકે છે. ખાસ કરીને જો તમારી કાર કે બાઇક અચાનક વધુ ધુમાડો છોડવા લાગે, એન્જિનમાંથી અજાણ્યો અવાજ આવવા લાગે અથવા માઇલેજ ઘટી જાય, તો તે પેટ્રોલમાં ભેળસેળ હોવાનો સંકેત હોઈ શકે છે.
નકલી પેટ્રોલમાં શું ભેળવવામાં આવે છે?
મિલાવટી પેટ્રોલમાં સામાન્ય રીતે કેરોસીન, નેફ્થા, સોલ્વન્ટ, લો-ક્વોલિટી ઓઇલ અથવા અન્ય સસ્તા કેમિકલ્સ ભેળવવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ઈથેનોલનું પ્રમાણ પણ નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ હોય છે. આ પ્રકારના કેમિકલ્સ ગાડીના એન્જિન પર ખરાબ અસર કરે છે અને લાંબા ગાળે એન્જિનની કાર્યક્ષમતા ઘટાડી શકે છે.
અસલી અને નકલી પેટ્રોલ ઓળખવાની 3 સરળ રીતો
- સફેદ કાગળ ટેસ્ટ
પેટ્રોલની શુદ્ધતા તપાસવાની સૌથી સરળ રીત સફેદ કાગળ છે. એક સાદો સફેદ કાગળ લો અને તેના પર પેટ્રોલના થોડા ટીપાં નાખો. જો પેટ્રોલ શુદ્ધ હશે તો તે થોડા જ સમયમાં સંપૂર્ણ રીતે ઉડી જશે અને કાગળ પર કોઈ નિશાન નહીં રહે. પરંતુ જો કાગળ પર તેલ જેવો ડાઘ રહી જાય તો સમજી લેવું કે પેટ્રોલમાં ભેળસેળ છે.
- પાણીના ગ્લાસથી તપાસ
એક કાચના ગ્લાસમાં થોડું પાણી લો અને તેમાં થોડું પેટ્રોલ ઉમેરો. જો પેટ્રોલ અસલી હશે તો પાણી અને પેટ્રોલની બે અલગ લેયર સ્પષ્ટ દેખાશે, કારણ કે બંને ભળતા નથી. પરંતુ જો તેમાં કોઈ ત્રીજી પરત દેખાય અથવા મિશ્રણ ગંદુ લાગે, તો તેમાં અન્ય કેમિકલ્સ અથવા તેલ ભેળવાયેલું હોઈ શકે છે.
- રંગ અને ગંધ પરથી ઓળખ
શુદ્ધ પેટ્રોલ સામાન્ય રીતે આછા પીળા રંગનું અને સાફ દેખાય છે. જ્યારે મિલાવટી પેટ્રોલ ધૂંધળું અથવા ઘાટા રંગનું હોઈ શકે છે. તેની સાથે જો પેટ્રોલમાંથી તીવ્ર કેમિકલ અથવા કેરોસીન જેવી ગંધ આવે, તો તે પણ ભેળસેળનો સંકેત માનવામાં આવે છે.
નકલી પેટ્રોલથી શું નુકસાન થાય?
મિલાવટી પેટ્રોલ વાહનની માઇલેજ ઘટાડે છે, એન્જિનમાં કાર્બન જમાવે છે અને લાંબા ગાળે એન્જિનને ખરાબ કરી શકે છે. ઘણીવાર ગાડી સ્ટાર્ટ થવામાં તકલીફ પડે છે અથવા એન્જિન ગરમ થવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં આગ લાગવાનું જોખમ પણ વધી જાય છે.
શંકા થાય તો તરત કરો ફરિયાદ
જો તમને કોઈ પેટ્રોલ પંપ પર ભેળસેળની શંકા જાય, તો તેની ફરિયાદ કરવી ખૂબ જ જરૂરી છે. ગ્રાહકો માટે સરકારે ટોલ-ફ્રી નંબર 1915 જાહેર કર્યો છે, જ્યાં તમે સીધી ફરિયાદ નોંધાવી શકો છો. ઉપરાંત સંબંધિત ઓઇલ કંપનીના કસ્ટમર કેર પર પણ ફરિયાદ કરી શકાય છે. વાહનચાલકોએ હંમેશા વિશ્વસનીય અને જાણીતા પેટ્રોલ પંપ પરથી જ ઇંધણ ભરાવવું જોઈએ. થોડું ધ્યાન અને સાવચેતી રાખવાથી તમે નકલી પેટ્રોલથી થતું મોટું નુકસાન ટાળી શકો છો.