240 સીટ સામે હજારો અરજી, અનેક વિદ્યાર્થીઓનું સપનું રોળાતું હોવાનો આક્ષેપ: ઉગ્ર આંદોલનની ચીમકી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.18
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટી ખાતે એલએલબી કોર્સમાં સીટ વધારવાની માંગ સાથે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા ભારે સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન યોજી ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વિશ્વ વિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું કે હાલમાં એલએલબી પ્રથમ વર્ષમાં અંદાજે 240 જેટલી સીટ જ ઉપલબ્ધ છે. જ્યારે ગુજરાતભરમાં એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટી કાયદાના અભ્યાસ માટે સૌથી પ્રતિષ્ઠિત અને અગ્રણી માનવામાં આવે છે. પરિણામે દર વર્ષે રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ લેવા ઈચ્છે છે. ઉપલબ્ધ 240 સીટોની સરખામણીએ એડમિશન માટે અરજી કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ ગણાથી પણ વધુ હોય છે. મેરિટમાં ન આવી શકવાના કારણે અનેક હોશિયાર વિદ્યાર્થીઓનું એમએસ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરવાનું સપનું અધૂરું રહી જાય છે અને તેમને ખાનગી કોલેજોમાં મોંઘી ફી ભરીને અભ્યાસ કરવાની ફરજ પડે છે.

પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, સરકારી યુનિવર્સિટીમાં ઓછી ફીમાં ગુણવત્તાસભર શિક્ષણ મળતું હોવાથી ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે આ જ એકમાત્ર વિકલ્પ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ સીટ વધારો, વિદ્યાર્થીઓને ન્યાય આપો ના નારા લગાવ્યા હતા. આવેદનપત્રમાં માંગ કરાઈ કે શૈક્ષણિક વર્ષ 2026-27થી જ એલએલબીની સીટ ઓછામાં ઓછી 500 કરવામાં આવે વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી પાસે પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેકલ્ટી હોવા છતાં સીટ ન વધારવી એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે. જો સમયસર સીટ વધારવા અંગે સત્તાધિશો દ્વારા સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કુલપતિ કચેરીનો ઘેરાવ અને વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મુદ્દે લો ફેકલ્ટીના ડીને આવેદનપત્ર સ્વીકારી યોગ્ય પ્રક્રિયા કરી મેનેજમેન્ટમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી.