દિલ્હીના જંતર-મંતર ખાતે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનની અસર હવે ગુજરાતમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. NEET પેપર લીક વિવાદ, શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતાની માંગ અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે રવિવારે અમદાવાદ, સુરત, જૂનાગઢ અને ભાવનગર સહિતના શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજાયા. કેટલાક સ્થળોએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું, જ્યારે અમદાવાદમાં પોલીસે પ્રદર્શનકારીઓને દોડાવીને અટકાયત કરી હતી.
અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં આવેલી હેપ્પી સ્ટ્રીટ નજીક યુવાનો અને વિવિધ સંગઠનોના કાર્યકરો હાથમાં બેનરો, પોસ્ટરો અને પ્લેકાર્ડ્સ સાથે વિરોધ નોંધાવવા માટે એકત્ર થયા હતા. પ્રદર્શનકારીઓએ “ભાજપ હાય હાય”, “ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે” અને “વિદ્યાર્થીઓને ન્યાય આપો” જેવા સૂત્રોચ્ચાર કરીને સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કેટલાક યુવકો હાથમાં ભારતીય સંવિધાન અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો સાથે જોડાયેલા પુસ્તકો લઈને પણ વિરોધમાં જોડાયા હતા.
આ વિરોધને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર પહેલેથી જ એલર્ટ મોડ પર હતું. સ્થળ પર ACP, DCP સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરતાં પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ કેટલાક લોકો આગળ વધતા પોલીસ દ્વારા તેમને દોડાવીને કાબૂમાં લેવામાં આવ્યા હતા. મહિલા પ્રદર્શનકારીઓની પણ ટીંગાટોળી કરીને પોલીસ વાહનોમાં બેસાડી અટકાયત કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કાર્યવાહી અંગે વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
મળતી માહિતી મુજબ, યુથ કોંગ્રેસ સહિતના કેટલાક સંગઠનો દ્વારા અગાઉથી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, પોલીસ તંત્રે આ કાર્યક્રમ માટે પરવાનગી આપી નહોતી. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચતાં પોલીસને કાર્યવાહી કરવી પડી હતી. હાલ સમગ્ર લો-ગાર્ડન વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
બીજી તરફ સુરતમાં પણ સોનમ વાંગચુકના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા. વિરોધ પ્રદર્શનમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને વિવિધ સામાજિક સંગઠનોના સભ્યોએ ભાગ લીધો હતો. પ્રદર્શનકારીઓ હાથમાં સોનમ વાંગચુકના ફોટા અને બેનરો લઈને “ઇન્કલાબ જિંદાબાદ” અને “ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે” જેવા નારા લગાવતા જોવા મળ્યા હતા. વિરોધ દરમિયાન લોકોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ પણ કરી હતી.
સુરતના આ પ્રદર્શન દરમિયાન પરેશ મહાલે નામના સ્થાનિક વ્યક્તિ ખાસ ચર્ચામાં રહ્યા હતા. તેઓ હાથમાં ભારતીય સંવિધાન લઈને, ફાટેલા કપડાં પહેરી અને ‘કોક્રોચ જનતા પાર્ટી (CJP)’ લખેલું ટી-શર્ટ પહેરી વિરોધ નોંધાવતા જોવા મળ્યા હતા. તેમનો આ અંદાજ લોકોને આકર્ષતો રહ્યો હતો. પ્રદર્શનમાં જોડાયેલા કેટલાક યુવાનોનું કહેવું હતું કે સરકાર વિદ્યાર્થીઓના પ્રશ્નો પર ચર્ચા કરવા તૈયાર નથી અને લોકશાહી ઢબે રજૂ થતી માંગણીઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
પ્રદર્શનમાં જોડાયેલી એક યુવતીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના મોત અને પેપર લીક જેવી ગંભીર ઘટનાઓ માટે જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. અન્ય પ્રદર્શનકારીઓએ પણ સરકારને વાંગચુકની માંગણીઓ પર સકારાત્મક નિર્ણય લેવા અને સમગ્ર મામલે પારદર્શક તપાસ કરવાની અપીલ કરી હતી.
જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજના યુવાનો કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેઠા હતા. તેમણે પણ સોનમ વાંગચુકના સમર્થનમાં અને NEET મુદ્દે ન્યાયની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ પર સરકાર ગંભીરતા દાખવે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરે.
ભાવનગરમાં કોંગ્રેસના નગરસેવક કિશન મેર અને તેમના સમર્થકો ઘોઘા ગેટ ચોક તેમજ મુખ્ય બજાર વિસ્તારમાં હાથમાં પોસ્ટરો સાથે રસ્તા પર ઉતર્યા હતા. તેમણે વાંગચુકને સમર્થન આપતાં લોકશાહી રીતે ચાલી રહેલા આંદોલન પર બળપ્રયોગનો વિરોધ કર્યો હતો. ભાવનગરમાં પણ વિવિધ યુવાનોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરી હતી.
આ દરમિયાન સુરતની આમ આદમી પાર્ટીની મહિલા નેતા પાયલ સાકરીયા દિલ્હી જંતર-મંતર પહોંચી સોનમ વાંગચુકના આંદોલનને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વાંગચુક સાથે થયેલો વ્યવહાર દેશ માટે શરમજનક છે. તેમણે કહ્યું કે દેશભરમાં અનેક પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓનો વિશ્વાસ તૂટી રહ્યો છે. તેમણે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ કરી હતી.
આ સમગ્ર વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ દિલ્હીમાં ચાલી રહેલું સોનમ વાંગચુકનું આંદોલન છે. વાંગચુક લાંબા સમયથી NEET પેપર લીક અને શિક્ષણ ક્ષેત્રમાં સુધારાની માંગ સાથે ઉપવાસ પર બેઠા હતા. તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ દેશના વિવિધ ભાગોમાં તેમના સમર્થનમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે.
ગુજરાતના વિવિધ શહેરોમાં થયેલા આ વિરોધો બાદ સ્પષ્ટ બન્યું છે કે આ મુદ્દો હવે માત્ર દિલ્હી પૂરતો સીમિત રહ્યો નથી. વિદ્યાર્થીઓ, યુવાનો અને વિવિધ સામાજિક સંગઠનો દેશભરમાં આંદોલનને સમર્થન આપી રહ્યા છે. બીજી તરફ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્યના અનેક શહેરોમાં પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે.