ગંગા સિંહની નર્મદા કલેક્ટર તરીકે બદલી થતાં વડોદરામાં વહીવટી ફેરફાર, ‘નાગરિકોનું હિત અને પારદર્શિતા મારી પ્રાથમિકતા રહેશે’ – અક્ષય બુડાનિયા
(પ્રતિનિધિ), વડોદરા. તા.18
વડોદરાના સ્થાનિક વહીવટી તંત્રમાં મોટો વહીવટી ફેરફાર જોવા મળ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના નવા ડેપ્યુટી કમિશનર તરીકે IAS અધિકારી અક્ષય બુડાનિયાએ આજે સત્તાવાર રીતે પોતાનો પદભાર ગ્રહણ કરી લીધો છે. અગાઉ બોટાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે સફળ અને પ્રશંસનીય કામગીરી કરનાર અક્ષય બુડાનિયાને રાજ્ય સરકાર દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકામાં અત્યાર સુધી ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા ગંગા સિંહની રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની બદલી થતાં ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકારે ત્વરિત નિર્ણય લઈને બોટાદના ડીડીઓ અક્ષય બુડાનિયાને વડોદરાના નવા ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. આજે વડોદરા કોર્પોરેશનની કચેરી ખાતે તેમણે વિધિવત રીતે ચાર્જ સંભાળીને પોતાની કામગીરીના શ્રીગણેશ કર્યા હતા.
નવા ડેપ્યુટી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ અક્ષય બુડાનિયાએ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો વિશેષ આભાર માન્યો હતો. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જે અપેક્ષા, આશા અને વિશ્વાસ સાથે મને વડોદરા જેવા પ્રગતિશીલ શહેરની જવાબદારી સોંપી છે, તે વિશ્વાસ પર હું સંપૂર્ણપણે ખરો ઉતરવાનો પ્રયત્ન કરીશ. વહીવટી તંત્રમાં સંપૂર્ણ સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને પારદર્શિતા જળવાઈ રહે તે મારી મુખ્ય ફરજ રહેશે.
નવા ડેપ્યુટી કમિશનરે વડોદરાના નાગરિકોને ખાતરી આપતા ઉમેર્યું હતું કે, શહેરના નાગરિકોનું હિત અને તેમની સુવિધાઓ એ જ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સહિતના વિવિધ વિકાસલક્ષી કાર્યો, પ્રાથમિક સુવિધાઓ જેમ કે રોડ, રસ્તા, પાણી અને ડ્રેનેજની સમસ્યાઓનો ત્વરિત નિકાલ લાવવા માટે તેઓ સક્રિયપણે કામ કરશે. આ સાથે જ જનહિતના અટકેલા કાર્યોને વધુ ગતિશીલ બનાવવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી.
વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં થયેલા આ ફેરફારને પગલે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓએ નવા ડેપ્યુટી કમિશનરને આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી. અક્ષય બુડાનિયા ભૂતકાળમાં પણ વહીવટી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા હોવાથી, હવે વડોદરા સાર્વજનિક સુવિધાઓ અને સ્માર્ટ વહીવટ તરફ વધુ એક ડગલું આગળ વધશે તેવી આશા શહેરીજનો સેવી રહ્યા છે.