Gujarat

અમદાવાદમાં ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ અને GREMI સિટી કેમ્પસનું અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન

અમદાવાદ : કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે આજે અમદાવાદમાં નવનિર્મિત ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ અને GREMI સિટી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા ડે સીએમ હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જનમેદનીને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં ભારત AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ડીપટેક જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ મોદી સરકાર રોબોટિક્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમીકંડક્ટર્સ, AI, ઓટોમેશન, સાયબર સિક્યોરિટી, ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજી જેવા ક્ષેત્રોને ઝડપી પ્રોત્સાહન આપી રહી છે.

શાહે જણાવ્યું હતું કે ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને સાહસિકતા ક્ષેત્રે દેશને નવી દિશા આપી છે. હવે રાજ્યને સર્વિસ સેક્ટરમાં પણ ટોચના રાજ્યોમાં સ્થાન અપાવવાનો લક્ષ્યાંક છે. તેમણે ઉમેર્યું કે અમદાવાદને બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને ગુરુગ્રામ જેવી ટેક સિટીઝની હરોળમાં લાવવા માટે આવા આધુનિક ટેક પાર્ક્સ અત્યંત જરૂરી છે.

લગભગ રૂ.1,100 કરોડના ખર્ચે 13.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવેલા ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ અંગે તેમણે જણાવ્યું કે તેના પ્રથમ તબક્કામાં 9,000 હાઈ-સ્કિલ્ડ પ્રોફેશનલ્સ માટે અત્યાધુનિક ઇકોસિસ્ટમ ઉપલબ્ધ બનશે. સાત તબક્કામાં અંદાજે રૂ.15,000 કરોડના રોકાણ સાથે આ પ્રોજેક્ટ આગામી પાંચ વર્ષમાં 63,000થી વધુ ઉચ્ચ-મૂલ્ય ધરાવતી નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે.શાહે જણાવ્યું હતું કે 65 એકરના આ પ્રોજેક્ટમાં 50 ટકા જગ્યા કોમર્શિયલ ઉપયોગ માટે ફાળવવામાં આવી છે, જેમાં મોલ, હોટેલ અને રહેણાંક સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. આ સંપૂર્ણ સંકલિત ટેક પાર્ક ઇકોસિસ્ટમ ગુજરાતમાં સર્વિસ સેક્ટરને નવી ઊંચાઈ પર લઈ જશે.

આ પ્રસંગે તેમણે ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GREMI) કેમ્પસનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ટાઉન પ્લાનિંગ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આધુનિક વિચારસરણી અને કાર્યક્ષમ નેતૃત્વ તૈયાર કરવા GREMI મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મોદી સરકારના અર્બન પ્લાનિંગ સુધારાઓએ દેશમાં ટાઉન પ્લાનિંગના નવા યુગની શરૂઆત કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

30 હજાર ચોરસ ફૂટના આ કેમ્પસમાં પ્રથમ તબક્કામાં 300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે, જ્યારે થોળ તળાવ નજીક 100 એકરમાં રૂ.500 કરોડના ખર્ચે મુખ્ય કેમ્પસ વિકસાવવામાં આવશે.

અમિત શાહે જણાવ્યું કે ટેક પાર્ક્સ અને GCCs (ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ) ના વિકાસ દ્વારા ગુજરાત અને સમગ્ર દેશમાં સર્વિસ સેક્ટરને મજબૂત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બંને પ્રકલ્પો ગુજરાતને અદ્યતન ટેકનોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રમાં અનેક કદમ આગળ લઈ જશે.

Most Popular

To Top