Vadodara

સાયન્સ ફેકલ્ટીમાં 28% ફી વધારાનો વિરોધ,ABVPનું હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરી વીસી ઓફિસનો ઘેરાવો

અન્યાયી વધારો પાછો ખેંચો, નહીં તો ઉગ્ર આંદોલન કરવા ABVPની ચીમકી, વીસીએ ડીનને બોલાવ્યા

( પ્રતિનિધિ )વડોદરા,તા.18

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં તાજેતરમાં 28% જેટલો અસહ્ય ફી વધારો ઝીંકી દેવાતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ વાઈસ ચાન્સેલર ઓફિસનો ઘેરાવ કરી ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી હતી.

એબીવીપીના આગેવાનોએ જણાવ્યું કે સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ 28% નો વધારો આર્થિક રીતે અસહ્ય બોજો છે. સરકારી યુનિવર્સિટીમાં ઓછી ફીમાં ગુણવત્તાસભર શિક્ષણ મળે એ અપેક્ષા હોય છે, પરંતુ આ નિર્ણયથી ગરીબ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જશે. એબીવીપી દ્વારા સૌપ્રથમ સાયન્સ ફેકલ્ટીના ડીનને રૂબરૂ મળીને વિદ્યાર્થીઓની સમસ્યાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. પરંતુ ડીન કચેરી તરફથીકોઈ યોગ્ય કે હકારાત્મક પ્રતિસાદ ન મળતા વિદ્યાર્થી સંગઠનમાં રોષ ફેલાયો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ હેડ ઓફિસ ખાતે એકત્રિત થયા અને ફી વધારો પાછો ખેંચો, વિદ્યાર્થીઓને ન્યાય આપો ના નારા સાથે વાતાવરણ ગજવી મૂક્યું. કાર્યકર્તાઓએ સીધી વીસી ઓફિસમાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી. એબીવીપીના ભારે વિરોધ પ્રદર્શન અને વિદ્યાર્થીઓના આક્રોશને જોતાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. વીસી દ્વારા સાયન્સ ફેકલ્ટીના ડીનને તાત્કાલિક વીસી ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વીસી અને સાયન્સ ડીન વચ્ચે ફી વધારાના મુદ્દે બંધબારણે ચર્ચા-વિચારણા શરૂ કરવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરાના પ્રમુખ વેદ ત્રિવેદીએ જણાવ્યું કે, આ 28% નો વધારો સંપૂર્ણપણે અન્યાયી છે. યુનિવર્સિટી પ્રશાસને વિદ્યાર્થી હિતમાં તાત્કાલિક નિર્ણય પાછો ખેંચવો પડશે. જો અમારી માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં કેમ્પસ બંધ અને વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી વહીવટી તંત્રની રહેશે. આ મુદ્દે વાઇસ ચાન્સેલર ભાલચંદ્ર ભણગેએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓની રજૂઆત અમને મળી છે. ફી વધારાના કારણો અને તેની જરૂરિયાત અંગે ડીન સાથે ચર્ચા કરી રહ્યા છીએ. વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

Most Popular

To Top