Entertainment

ક્રિકેટથી કુશ્તી સુધી… રામ ચરણની ‘પેડ્ડી’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, જાહ્નવી કપૂરનો દેશી અંદાજ ચર્ચામાં

તેલુગુ સુપરસ્ટાર રામ ચરણની બહુચર્ચિત સ્પોર્ટ્સ એક્શન ડ્રામા ફિલ્મ ‘પેડ્ડી’નું ધમાકેદાર ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને જબરદસ્ત ચર્ચા શરૂ થઈ ગઈ છે અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડિરેક્ટર બુચ્ચી બાબુ સાના દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ક્રિકેટ, કુશ્તી અને રેસિંગ જેવી રમતો સાથે એક્શન અને ઇમોશનનું અનોખું મિશ્રણ રજૂ કરતી નજરે પડે છે. ફિલ્મનું નિર્માણ વૃદ્ધિ સિનેમાસના બેનર હેઠળ વેંકટા સતીશ કિલારુ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે મૈત્રી મૂવી મેકર્સ અને સુકુમાર રાઇટિંગ્સે પણ આ પ્રોજેક્ટમાં સહયોગ આપ્યો છે. મુંબઈમાં એક ખાસ કાર્યક્રમ દરમિયાન ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલર શેર કરતાં ડિરેક્ટર બુચ્ચી બાબુ સાનાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “તેનું મેદાન, તેના નિયમો… હવે તેની રમત શરૂ થાય છે.”

ટ્રેલરમાં એક ગામડાની સ્ટોરીને કેન્દ્રમાં રાખવામાં આવી છે, જેમાં સંઘર્ષ, રમત પ્રત્યેનો જુસ્સો અને આત્મસન્માનની લડત જોવા મળે છે. રામ ચરણ ફિલ્મમાં ‘પેડ્ડી’ નામના યુવાનની ભૂમિકામાં જોવા મળે છે, જે ક્રિકેટ, કુશ્તી અને દોડ જેવી ત્રણ અલગ-અલગ રમતોમાં માસ્ટર છે. ગામના બાળકો માટે તે હીરો સમાન છે, જ્યારે ગામલોકોમાં પણ તેને ખાસ માન-સન્માન મળે છે. ટ્રેલરની સૌથી મોટી ખાસિયત તેની એક્શન અને સ્પોર્ટ્સ સિક્વન્સ છે. ફિલ્મમાં ક્રિકેટના ઉત્સાહભર્યા દ્રશ્યો સાથે માટીના અખાડામાં રમાતી કુશ્તી અને જોરદાર રેસિંગ સીન પણ જોવા મળે છે. ખાસ કરીને રેલવે પ્લેટફોર્મ પરનું એક્શન સિક્વન્સ અને જોખમી સ્ટંટ્સ ટ્રેલરને વધુ રોમાંચક બનાવે છે. રામ ચરણનો પાવરફુલ સ્ક્રીન પ્રેઝન્સ દરેક સીનમાં દેખાઈ આવે છે.

રામ ચરણના લુક અને ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનની પણ ભારે ચર્ચા થઈ રહી છે. ટ્રેલરમાં તે ક્યારેક ફ્લડલાઇટ્સ હેઠળ ક્રિકેટ રમતો દેખાય છે તો ક્યારેક અખાડામાં કુશ્તી લડતો જોવા મળે છે. તેના પાત્રમાં ગામડાની સાદગી સાથે જ ગુસ્સો, લાગણી અને જબરદસ્ત આત્મવિશ્વાસ પણ જોવા મળે છે. ફિલ્મમાં જાહ્નવી કપૂર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ટ્રેલરમાં તેનો દેશી અને ટ્રેડિશનલ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેના પાત્રમાં સાદગી અને ભાવુકતા બંને જોવા મળે છે. ઉપરાંત ફિલ્મમાં શિવા રાજકુમાર, જગપતિ બાબુ, દિવ્યેન્દુ શર્મા, રવી કિશન અને બોમન ઈરાની જેવા દમદાર કલાકારો પણ મહત્વપૂર્ણ રોલમાં જોવા મળશે.

ફિલ્મનું સંગીત ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાને આપ્યું છે, જ્યારે સિનેમેટોગ્રાફી આર. રત્નવેલુએ સંભાળી છે. ટ્રેલરમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને વિઝ્યુઅલ્સનું ભવ્ય પ્રેઝન્ટેશન ફિલ્મને વધુ ગ્રાન્ડ બનાવે છે. અંદાજે 300 કરોડના મોટા બજેટમાં બનેલી આ ફિલ્મને લઈને પહેલાથી જ ભારે અપેક્ષા છે. ‘પેડ્ડી’ 4 જૂનના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે અને ટ્રેલર જોઈને એવું લાગી રહ્યું છે કે રામ ચરણ ફરી એકવાર મોટા પડદા પર ધમાકો મચાવવા તૈયાર છે.

Most Popular

To Top