ભારત અને સ્વીડન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વીડન પ્રવાસે અનેક મહત્વપૂર્ણ પરિણામો આપ્યા છે. પાંચ દેશોની વિદેશ યાત્રાના ભાગરૂપે પીએમ મોદીએ સ્વીડનના ગોથેનબર્ગ શહેરમાં યોજાયેલા યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને પણ હાજરી આપી હતી. આ મુલાકાત માત્ર રાજદ્વારી સંબંધો પૂરતી સીમિત રહી નહોતી, પરંતુ ટેક્નોલોજી, રોકાણ, સ્ટાર્ટઅપ, AI અને ભવિષ્યની ડિજિટલ અર્થવ્યવસ્થા જેવા ક્ષેત્રોમાં પણ બંને દેશો વચ્ચે મોટાં કરારો થયા છે. ભારત અને સ્વીડને વર્ષ 2026થી 2030 માટે સંયુક્ત એક્શન પ્લાન જાહેર કર્યો છે. સાથે જ બંને દેશોના સંબંધોને હવે વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેનો મુખ્ય હેતુ આર્થિક સહકાર વધારવો, આધુનિક ટેક્નોલોજીમાં સાથે કામ કરવું અને વૈશ્વિક સ્તરે ટકાઉ વિકાસ માટે ભાગીદારી મજબૂત બનાવવાનો છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે ભારત-સ્વીડન વચ્ચેની નવી ભાગીદારી ભવિષ્યમાં નવી ઊર્જા અને નવી તકો લાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંને દેશો સાથે મળીને ટેક્નોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે વિશ્વને નવી દિશા આપી શકશે. આ મુલાકાત દરમિયાન સૌથી મોટી જાહેરાત હતી ‘જોઇન્ટ ઇનોવેશન પાર્ટનરશિપ 2.0’. આ યોજના હેઠળ ભારત અને સ્વીડન મળીને વર્ચ્યુઅલ વિજ્ઞાન અને ટેક્નોલોજી સેન્ટર બનાવશે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), 6G ટેક્નોલોજી, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સ્પેસ ટેક્નોલોજી, ટકાઉ માઇનિંગ અને લાઇફ સાયન્સ જેવા ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. ભવિષ્યની ટેક્નોલોજીમાં ભારતને વૈશ્વિક હબ બનાવવા માટે આ ભાગીદારી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બંને દેશોએ સાથે મળીને ‘SITAC’ એટલે કે ભારત-સ્વીડન ટેક્નોલોજી અને AI કોરિડોર વિકસાવવાનો નિર્ણય પણ કર્યો છે. આ કોરિડોરનો હેતુ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને ગતિ આપવાનો છે. ખાસ કરીને સ્ટાર્ટઅપ્સ, ડીપ-ટેક કંપનીઓ અને નવી ટેક્નોલોજી પર કામ કરતી સંસ્થાઓ માટે આ પહેલ ફાયદાકારક સાબિત થશે.
ભારત અને સ્વીડન આગામી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચેના વેપાર અને રોકાણને બમણું કરવા માટે પણ સંમત થયા છે. આ પગલાથી ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને વધુ મજબૂતી મળશે અને યુરોપિયન કંપનીઓને ભારતમાં રોકાણ માટે નવી તકો મળશે. પીએમ મોદીએ યુરોપિયન ઉદ્યોગોને ખાસ આમંત્રણ આપીને જણાવ્યું કે ભારત હવે સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં વિશ્વનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. આ ઉપરાંત બંને દેશો યુવાનો અને ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે ‘ઇન્ડિયા-સ્વીડન SME અને સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ’ શરૂ કરશે. આ પ્લેટફોર્મ દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગોને નવી ટેક્નોલોજી, ફંડિંગ અને વૈશ્વિક માર્કેટ સાથે જોડાવાની તક મળશે. સાથે જ નવી રોજગારી સર્જવામાં પણ મદદ મળશે.
સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવા માટે ‘ટાગોર-સ્વીડન લેક્ચર સિરીઝ’ની પણ જાહેરાત કરવામાં આવી છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’ થીમ હેઠળ શરૂ થનારી આ સિરીઝ બંને દેશોના બૌદ્ધિક અને સાંસ્કૃતિક સંબંધોને નવી ઊંચાઈ આપશે. પીએમ મોદીની આ સ્વીડન મુલાકાત ભારત માટે ટેક્નોલોજી, વેપાર, રોકાણ અને વૈશ્વિક ભાગીદારીના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ખાસ કરીને AI, 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં ભારતને મજબૂત સ્થાન અપાવવા માટે આ ડીલ્સ મોટી ભૂમિકા ભજવી શકે છે.