India

યોગમય બન્યો દેશ! કોલકાતામાં PM મોદી તો ગુજરાતમાં અમિત શાહે કર્યા યોગાસન

વિશ્વભરમાં 2,500 સ્થળોએ યોજાયા કાર્યક્રમો

21 જૂનના રોજ ઉજવાતા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને સમગ્ર દેશમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિલ્હીથી લઈને લેહ સુધી અને કોલકાતાથી લઈને કન્યાકુમારી સુધી દેશના અનેક ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળોએ વિશાળ યોગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા આ વર્ષની થીમ “Yoga for Healthy Ageing” (સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ) જાહેર કરવામાં આવી છે. દેશભરમાં લાખો લોકો યોગ કાર્યક્રમોમાં ભાગ લે તેવી અપેક્ષા રખાઈ હતી,જ્યારે કોલકાતામાં એકલા અંદાજે 10 લાખ લોકો વિવિધ કાર્યક્રમો સાથે જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય રાષ્ટ્રીય ઉજવણી પશ્ચિમ બંગાળની રાજધાની Kolkata ના ઐતિહાસિક રેડ રોડ ખાતે યોજાઈ, અહીં વડાપ્રધાન Narendra Modi દેશ અને દુનિયાને યોગનો સંદેશ આપતા મુખ્ય કાર્યક્રમનું નેતૃત્વ કર્યું, આયુષ મંત્રાલયે આ કાર્યક્રમને વિશ્વના સૌથી મોટા યોગ સમારોહોમાંથી એક ગણાવ્યો છે.

દેશના 100થી વધુ ઐતિહાસિક સ્થળોએ વિશેષ કાર્યક્રમો
કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને આયુષ મંત્રાલયના સંયુક્ત પ્રયાસથી દેશના 100થી વધુ પ્રખ્યાત ઐતિહાસિક અને વારસાગત સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દિલ્હીના ઐતિહાસિક સ્મારકોથી લઈને લદ્દાખના ઊંચા પહાડી વિસ્તારો સુધી લોકો એકસાથે યોગ કરી સ્વાસ્થ્ય અને સંસ્કૃતિનો અનોખો સંગમ સર્જશે. ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલ Agra Fort, Fatehpur Sikri અને Mehtab Bagh ખાતે પણ વિશેષ યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુલાકાતીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો છે જેથી વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાઈ શકે.

કોલકાતા બનશે યોગની રાજધાની
આ વર્ષે કોલકાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું કેન્દ્રબિંદુ બની ગયું છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. યોગ કાર્નિવલ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશાળ ડ્રોન શો અને “વંદે યોગમ” જેવા વિશેષ આયોજનો દ્વારા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવામાં આવી રહી છે.કોલકાતાના રેડ રોડ પર યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં હજારો લોકો એકસાથે યોગાસનો કર્યા . રાજ્ય સરકાર, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોને મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી,

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ગુજરાતના અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 7:00 વાગ્યે પ્રહલાદનગર ગાર્ડન ખાતે પોહચી ગયા હતા,અહીં આયોજિત ભવ્ય યોગ કાર્યક્રમમાં તેઓ સામાન્ય નાગરિકો અને યોગપ્રેમીઓ સાથે મળીને વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા,આ ખાસ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર તેમજ સ્થાનિક ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહની હાજરીને ધ્યાનમાં રાખીને પ્રહલાદનગર ગાર્ડન અને આસપાસના વિસ્તારમાં વહેલી સવારથી જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
યોગ દિવસની ઉજવણીને લઈને અમદાવાદમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ભાગ લીધો હતો,

ગંગા કિનારે યોગ યાત્રા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસને વધુ વ્યાપક બનાવવા માટે “ગંગોત્રીથી ગંગાસાગર : ગંગા તટ યોગ યાત્રા”નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દરમિયાન Gangotri, Haridwar, Varanasi, Patna અને ગંગાસાગર જેવા મહત્વપૂર્ણ સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાયા છે. આ પહેલનો હેતુ યોગને પર્યાવરણ સંરક્ષણ અને નદી સંસ્કૃતિ સાથે જોડવાનો છે.
વિશ્વભરમાં 2,500 સ્થળોએ ઉજવણી

ભારત ઉપરાંત દુનિયાભરના 210થી વધુ ભારતીય મિશનો દ્વારા લગભગ 2,500 સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જાપાન, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં ભારતીય દૂતાવાસો અને સાંસ્કૃતિક કેન્દ્રો દ્વારા યોગ કાર્યક્રમો યોજાયા છે. યોગ આજે માત્ર ભારત પૂરતો મર્યાદિત નથી રહ્યો પરંતુ વૈશ્વિક સ્વાસ્થ્ય આંદોલન તરીકે ઉભરી આવ્યો છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે 14 જૂને દેશવ્યાપી લાઈવ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર લાખથી વધુ લોકોએ એકસાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હોવાનું આયુષ મંત્રાલયે જણાવ્યું છે. આ સિદ્ધિ દર્શાવે છે કે દેશમાં યોગ પ્રત્યે લોકોનો રસ સતત વધી રહ્યો છે.

સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ
આ વર્ષની થીમ “યોગા ફોર હેલ્ધી એજિંગ” ખાસ કરીને વૃદ્ધ લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે. આયુષ મંત્રાલયનું માનવું છે કે વધતી ઉંમર સાથે લોકો શારીરિક અને માનસિક રીતે સક્રિય રહે તે માટે યોગ અત્યંત અસરકારક માધ્યમ છે. નિયમિત યોગાભ્યાસથી શરીરની લવચીકતા વધે છે, તણાવ ઘટે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે.

વડાપ્રધાનનો સંદેશ
વડાપ્રધાન Narendra Modiએ દેશવાસીઓને યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવવાની અપીલ કરી છે. તેમના જણાવ્યા અનુસાર યોગ માત્ર કસરત નથી પરંતુ શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરનાર જીવનપદ્ધતિ છે. છેલ્લા એક દાયકામાં યોગે વિશ્વભરમાં લાખો લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં મદદ કરી છે.

યોગ દ્વારા વિશ્વને એકતા અને આરોગ્યનો સંદેશ
2015માં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયા બાદથી યોગનો વ્યાપ સતત વધતો રહ્યો છે. આજે 190થી વધુ દેશોમાં યોગ દિવસ ઉજવાય છે અને કરોડો લોકો તેમાં ભાગ લે છે. ભારતની આ પ્રાચીન પરંપરા હવે વૈશ્વિક સ્વાસ્થ્ય અને સુખાકારીનું પ્રતીક બની ગઈ છે. આ વર્ષે કોલકાતામાં યોજાનાર ભવ્ય કાર્યક્રમ અને દેશભરના ઐતિહાસિક સ્થળોએ યોજાતા યોગ સત્રો વિશ્વને ફરી એકવાર આરોગ્ય, શાંતિ અને એકતાનો સંદેશ આપશે.

Most Popular

To Top