Vadodara

લલિતા ટાવર પાસે બાળક ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ; જાગૃત નાગરિકોએ શંકાસ્પદને ઝડપી મેથીપાક ચખાડ્યો

દિલધડક દ્રશ્યો: બીજા માળે ચઢી બાળકને પકડવાની કોશિશ કરતા શખ્સને જોઈ સ્થાનિકોએ બૂમાબૂમ કરી મૂકી

વડોદરા શહેરના લલિતા ટાવર પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં એક શંકાસ્પદ શખ્સ દ્વારા બાળકને ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સ્થાનિકોની સતર્કતાને કારણે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને લોકોએ શંકાસ્પદ શખ્સને ઝડપી પાડી મેથીપાક ચખાડતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
​ઘટનાની વિગત મુજબ, લલિતા ટાવર પાછળના વિસ્તારમાં એક અજાણ્યો શખ્સ શંકાસ્પદ હાલતમાં ઘૂસી આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ શખ્સ બીજા માળે ચઢીને ત્યાં હાજર એક બાળકને પકડવાનો કે ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ જતાં જ એક જાગૃત નાગરિકે જોરજોરથી બૂમાબૂમ કરી મૂકી હતી. લોકોની બૂમો સાંભળીને આસપાસના રહીશો તુરંત દોડી આવ્યા હતા.
​પોતાને ઘેરાયેલો જોઈ શંકાસ્પદ શખ્સે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એકઠા થયેલા રોષે ભરાયેલા સ્થાનિકોએ તેને ભાગવા દીધો નહોતો. લોકોએ પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસને સોંપતા પહેલા રોષે ભરાયેલા ટોળાએ તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
​આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું કે, જો સમયસર બૂમાબૂમ ન થઈ હોત તો કોઈ મોટી દુર્ઘટના ઘટી શકી હોત. હાલમાં આ શખ્સ ખરેખર બાળક ચોર ગેંગનો સભ્ય છે કે અન્ય કોઈ ઈરાદાથી આવ્યો હતો તે અંગે વધુ તપાસની માંગ ઉઠી છે. .

Most Popular

To Top