SURAT

બારડોલીના તાજપોર ગામથી 74માં જિલ્લાકક્ષાના વન મહોત્સવનો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પ્રારંભ કરાવ્યો

સુરત: ધન્ય ધરા ગુજરાતને (Gujarat) વૃક્ષોથી (Tree) આચ્છાદિત કરવાના ભગીરથ અભિયાનસમા 74મા સુરત જિલ્લા કક્ષાના વન મહોત્સવનો ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ બારડોલી (Bardoli) તાલુકાની તાજપોર કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી વૃક્ષારોપણ કરી પ્રારંભ કરાવ્યો હતો. વન મહોત્સવ મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે દર વર્ષે રાજ્ય સરકાર વન મહોત્સવના માધ્યમથી લાખો વૃક્ષોનું વાવેતર કરી રાજ્યની ધરતીને ગ્રીન કવરથી આચ્છાદિત કરી રહી છે.

વનોના જતન અને સંવર્ધન માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરત જિલ્લામાં 2003ના વર્ષમાં વન વિસ્તાર સિવાયના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા 114 લાખ હતી. જે વન મહોત્સવ શરૂ થવાના કારણે 2021માં વધીને 216 લાખ થઈ છે. વૃક્ષના વાવેતરને એક ફેશન બનાવવાની આહ્વાન કર્યું હતું. ભારતના નાગરિકોનો વૃક્ષો અને નદીઓ સાથે આસ્થાનો સંબંધ રહ્યો છે. પર્યાવરણ સાથે દિલનો નાતો કેળવવા જણાવી તાજપોર કોલેજને ગ્રીન કેમ્પસનું બિરૂદ મળવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, વૃક્ષોનું અનેરૂ મહત્વ આપણા પુરાણોમાં પણ દર્શાવ્યું છે. માનવના જન્મથી લઈ સમગ્ર જીવન દરમિયાન વૃક્ષો અનેક રીતે ઉપયોગી બને છે. જન્મ દિવસથી લઈ પુણ્યતિથિ નિમિત્તે સૌને વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. કોઈ પણ સારા-નરસા પ્રસંગોએ પાંચથી વધુ વૃક્ષોનુ વાવેતર કરીને ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા જણાવ્યું હતું. ધરતી માતાને વૃક્ષોના આભુષણો થકી સુશોભિત કરવાનો સૌને અનુરોધ કર્યો હતો. અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ. કે.ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, 73 વર્ષ પહેલા કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. રાજ્ય સરકારના પ્રયત્નોના કારણે વન વિસ્તાર અને વન્ય પ્રાણીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રજાના સહિયારા પ્રયાસોથી વન સંરક્ષણ અને વન સંવર્ધન થઇ રહ્યું છે. જિલ્લામાં 49000 હેકટર વન વિસ્તાર આવેલો છે જે કુલ વિસ્તારનો 12.50 ટકા વન વિસ્તાર છે. વધુને વધુ વૃક્ષોનુ વાવેતર કરી 33 ટકાના લક્ષ્યાંકને સિધ્ધ કરવાનો અનુરોધ કર્યો હતો. વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં ઈમારતી લાકડાની માંગ વધી રહી છે જેની સામે રાજ્યમાં લાકડાનુ 30 ટકા ઉત્પાદન થઈ રહ્યું છે. જેથી ખેડૂતો વૃક્ષોની લાભકારક ખેતી કરીને આવક મેળવી શકે છે.

સુરતના નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ) સચિન ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, 74મા વન મહોત્સવ અંતર્ગત જિલ્લામાં 50 નર્સરીઓમાં સાગ, લીમડા, નીલગીરી જેવા ૩૪ લાખ વૃક્ષોના રોપાઓ તૈયાર કરાયા છે, જેનું દરેક નર્સરીઓમાંથી રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ગૌચર જમીનો, રસ્તાઓની આજુબાજુ મળીને 765 હેકટરમાં ૫ લાખ રોપાઓનું વાવેતર પ્રગતિમાં હોવાની વિગતો તેમણે આપી હતી. આ વર્ષે 20 હજાર કેસર આંબાની કલમોનો ઉછેર કરાયો છે, જેનુ રૂ. 25ના રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો તેમણે આપી હતી. આ વેળાએ મંત્રીના હસ્તે ‘વૃક્ષ રથ’નું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જેના માધ્યમથી તાલુકામાં વિના મૂલ્યે રોપાઓનું વિતરણ કરશે.

વન વિભાગની નર્સરીની યોજનાઓના લાભાર્થીઓને ચેક આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, સંગઠનના પ્રમુખશ્રી ભરતભાઈ રાઠોડ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુધાબેન, મામલતદાર, સરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશન સોસા.ના પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ, વન વિભાગના અધિકારીઓ, કોલેજના લતેશભાઈ, કાર્તિકભાઈ દેસાઈ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top