Business

લેપટોપ, કોમ્પ્યુટર પરની આયાતનો નિર્ણય મોકૂફ, કંપનીઓને 31 ઓક્ટોબર સુધી સરકારે રાહત આપી

નવી દિલ્હી: લેપટોપ અને કોમ્પ્યુટર જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓની આયાત (Import) પર અચાનક પ્રતિબંધ (Prohibition) લગાવવાને લઈને સરકારે મોટી રાહત આપી છે. સરકારે શુક્રવારે લેપટોપ, કોમ્પ્યુટર અને ટેબલેટની આયાતને અંકુશમાં લેવાનો નિર્ણય 31 ઓક્ટોબર સુધી મુલતવી રાખ્યો છે. આવી સ્થિતિમાં ઈલેક્ટ્રોનિક કંપનીઓ ત્રણ મહિના માટે લાઈસન્સ વિના આ ઉપકરણોની આયાત કરી શકશે. હવે આ કંપનીઓએ 1 નવેમ્બરથી લેપટોપ અને કોમ્પ્યુટર આયાત કરવા માટે સરકાર પાસેથી લાયસન્સ (Licence) લેવું પડશે.

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ શુક્રવારે એક આદેશમાં જણાવ્યું હતું કે 3 નવેમ્બરે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન હવે 1 નવેમ્બરથી લાગુ થશે. સરકાર એ પણ સુનિશ્ચિત કરશે કે કંપનીઓને પરિવહનમાં પહેલાથી જ કન્સાઈનમેન્ટ ઓર્ડર કરવામાં કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે. સરકારે આ સાધનોની આયાત માટે એક દિવસ અગાઉ લાયસન્સ જરૂરી બનાવી દીધું હતું. યુઝર્સની સુરક્ષા માટે આ ડિવાઈસના હાર્ડવેરમાં રહેલી ખામીઓને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

IT મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે લાયસન્સ આધાર પર આયાતને મંજૂરી આપીને કેન્દ્ર સરકાર ભારતમાં કયા દેશમાં ઉત્પાદિત લેપટોપ અને ટેબલેટ આવી રહ્યા છે તેના પર નજર રાખી શકશે. આ સુરક્ષાની ચિંતાઓને દૂર કરવામાં મદદ કરશે. ઉપરાંત આ પગલું સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે.

મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને વેગ મળે તે એક મહત્વનો હેતુ
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ નિયંત્રણો મૂકવા માટેના અનેક કારણો છે તેમાં મહત્વનું કારણ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. દેશમાં જ થતા આ વસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે પણ એક મહત્વનો હેતુ છે. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને વેગ મળે તે એક મહત્વનો હેતુ છે. આમાં લેપટોપ્સ, ટેબ્લેટ, ઓલ ઇન વન પર્સનલ કોમ્પ્યુટરો અને અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેકટર કોમ્પ્યુટરો, સર્વરોની આયાત પર તત્કાળ અસરથી પ્રતિબંધ મૂકવામાં આવે છે એમ નોટીસમાં જણાવાયું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે સલામતી એ સરકારની ટોચની પ્રાથમિકતા છે અને આ પગલું વિશ્વ વ્યાપાર સંગઠન(ડબલ્યુટીઓ)ના નિયમોને અનુરૂપ છે. વિદેશ વ્યાપાર નિર્દેશાલય(ડીજીએફટી) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં એમ પણ જણાવાયું છે કે કેટલીક વસ્તુઓને અપવાદ આપવામાં આવ્યો છે અને તે મંગાવવા માટે લાયસન્સ મેળવવાની જરૂર રહેશે નહીં જેમાં શોધ સંશોધન માટેની, ટેસ્ટિંગ માટેની વસ્તુઓ, બેન્ચમાર્કંગ અને ઇવેલ્યુએશન માટેની તથા રિપેર એન્ડ રિટર્ન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટેની વસ્તુઓનો સમાવેશ થાય છે.

ડેટા લીક થવાની ચિંતા એક મહત્વનું કારણ
એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં ઇન્ટરનેટનો વપરાશ ઘણો વધી રહ્યો છે અને તેનાથી નાગરિકો જો જોખમી સાધનો વાપરે તો તેમની અંગત માહિતી લીક થવાનો ભય રહે છે. કેટલાક હાર્ડવેર સંભવિતપણે સુરક્ષાને લગતી સમસ્યાઓ ધરાવતા હોઇ શકે છે અને તેનાથી સંવેદનશીલ અને અંગત ડેટા બાબતે બાંધછોડ થઇ શકે છે.

Most Popular

To Top