Charotar

અમૂલ દૂધની થેલી પર ‘ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ‘ સ્લોગનથી પ્રચાર કરાશે

આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ મહા અભિયાનમાં નાના વેપારીઓ પણ જોડાયાં

(પ્રતિનિધિ) આણંદ તા.8

આણંદ જિલ્લા વધુ મતદાન થાય તે માટે લાઈટ બીલ, દૂધની થેલી, ગેસની બોટલ, આરોગ્ય કેન્દ્ર ખાતે કાઢવામાં આવતા દર્દીના કેસ પેપર તથા 7/12ના ઉતારા સહિતની લોકોના રોજીંદા જીવન વ્યવહાર સાથે જોડાયેલી બાબતોને મતદાન જાગૃતિ સાથે સાંકળીને આણંદ જિલ્લામાં મતદારોને જાગૃત કરવાનું મહા અભિયાન જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનથી આરંભાયું છે.

આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીની આગેવાની હેઠળ સમગ્ર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે અનેકવિધ રીતે મતદાર જાગૃતિ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે મતદારો મતદાન કરવા માટે પ્રેરાય તે હેતુસર સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ મહા અભિયાન ચલાવવામાં આવી રહયું છે.

મતદાર જાગૃતિ મહા અભિયાન અંતર્ગત એમજીવીસીએલ દ્વારા ઘેર ઘેર આપવામાં આવતા લાઈટ બિલ ઉપર મતદાન જરૂરથી કરજો અને કરાવજો, આ દેશનો મહા તહેવાર, આવો સૌ લોકશાહીનો મહોત્સવ ઉજવીએ, સૌ સાથે મળીને મતદાન કરીએ, મતદાન આપણા સૌની ફરજ છે તેને ચૂકશો નહીં, જેવા સ્લોગન રબર સ્ટેમ્પ દ્વારા લગાવીને મતદારોને જાગૃત કરવાનું કાર્ય હાથ ધરાયું છે.

તેવી જ રીતે અમુલ દૂધની થેલી ઉપર પણ ‘ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ’ સ્લોગન પ્રદર્શિત કરીને, ગેસના બોટલ ઉપર ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ સ્ટીકર ચોટાડીને મતદાર જાગૃતિ અભિયાનને ઘર ઘર સુધી પહોંચાડવાનુ કાર્ય કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત આણંદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાઢવામાં આવતા કેસ પેપર ઉપર પણ ‘ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ’ ના સ્ટીકર મારવાની સાથે મતદાર જાગૃતિ અભિયાન અંગેના સ્લોગન પણ લખવામાં આવે છે. આણંદ જિલ્લામાં 7/12ના ઉતારા ઉપર પણ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન જરૂરથી કરજો જેવા સુત્રના સિક્કા બનાવીને મારવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top