Dakshin Gujarat

ડાંગનાં લવચાલી રેંજના વનકર્મીઓએ જીવના જોખમે શિકારીના ગાળીયામાં ફસાયેલા દીપડાનું રેસ્ક્યુ કર્યુ

સાપુતારા: (Saputara) વન અને વન્યજીવોના જતન સંવર્ધન માટે પ્રતિબદ્ધ ડાંગ વન વિભાગનાં (Forest Department) લવચાલી રેન્જના વનકર્મીઓએ, પોતાના જીવના જોખમે શિકારીના ગાળીયામાં ફસાયેલા દીપડાનું (Leopard) રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર લવચાલી રેન્જના રીઝર્વ ફોરેસ્ટ કમ્પાર્ટમેન્ટ નં.૧૧૮માં, ગત રવિવારે શિકારીના ગાળીયામાં ફસાયેલા વન્યપ્રાણી દિપડો નજરે ચડતા, ગ્રામજનોએ વન અધિકારીઓને જાણ કરી હતી. જેન પગલે લવચાલી રેંજના વનકર્મીઓ, ફરજ બજાવતા રોજમદારોએ, ઘટના સ્થળે પહોચી તપાસ કરીને દીપડો હોવાની જાણ વન અધિકારીને કરી હતી. જેને પગલે નાયબ વન સંરક્ષક ડી.એન.રબારીએ વન સંરક્ષક કેયુર પટેલ તથા અમિત આનંદને ઘટના સ્થળે મોકલી દીપડાને રેસ્ક્યુ કરવાનું માર્ગદર્શન પૂરું પાડ્યુ હતુ.

  • રેસ્ક્યુ દરમિયાન ઘાયલ થયેલા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસરને આહવા સિવિલમાં અને દીપડાને વાંસદા નેશનલ પાર્કમાં દાખલ કરાયો
  • બીટગાર્ડ તથા વનકર્મીઓએ રેસ્કયુ નેટથી દીપડાની સામે જઈ જોખમભર્યુ કામ કર્યુ
  • વેટરનરી ડોક્ટર અને ટીમે ઇન્જેક્શન મારી, દીપડાને બેભાન કર્યો

ઘટના સ્થળે તપાસ કરતાં દીપડાના આગળના પંજામાં શિકાર માટેનો ગાળીયો ફસાયેલો હતો. જેનાથી દીપડો વધુ ઇજાગ્રસ્ત થયો હતો. જેને શક્ય એટલી જલ્દી રેસ્ટ કરવાની જરૂરીયાત જણાતાં ફ્ન્કીલાઇજર ગન, રેસ્ક્યુ નેટ, ખાટલો, પાંજરુ વિગેરેની વ્યવસ્થા, મદદનીશ વન સંરક્ષક અમિત આનંદે કરી હતી. દરમિયાન સ્થાનિક ગ્રામજનો તથા દીપડા વચ્ચે કોઇ અણબનાવ કે ઘર્ષણ ન થાય તે બાબતે પણ વિશેષ તકેદારી દાખવવામાં આવી હતી. સાથે સાથે લવચાલી, સુબિર, અને આહવા (પ) રેંજના સ્ટાફ દ્વારા દીપડાનું મોનિટરીંગ કરાયું હતું.

કોતરમાં સંતાયેલા દીપડાને રેસ્કયુ નેટમાં પકડી લેવાયો
ઉલ્લેખનીય છે કે, વિષમ ભૌગોલિક પરિસ્થિતિના કારણે આ દીપડાનું ફન્કીલાઇઝ કરવું ખૂબ મુશ્કેલ હતું. તેવા સંજોગોમાં વેટરનરી ડોક્ટરે ફ્ન્કીલાઇજર દ્વારા, દીપડાને બેભાન કરવાની તજવીજ શરૂ કરી હતી. પરંતુ દીપડો કોતરમાં ફસાયેલો હોવાથી અને ઝાડી ઝાખરાવાળા વિસ્તારને કારણે ફન્કીલાઇઝર ગનનો ઉપયોગ પણ થઇ શકે તેમ ન હતો. આવા સમયે વન વિભાગના બીટગાર્ડ તથા વનકર્મીઓએ રેસ્કયુ નેટથી દીપડાની સામે જઈ, ખૂબ જ જાંબાજી સાથે જોખમભર્યુ કામ કરવાનો નિર્ણય લીધો હતો. આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન દીપડાના હુમલાથી એક રાઉન્ડ ફોરેસ્ટર મનોજ ગાયકવાડ ઇજાગ્રસ્ત પણ થયાં હતાં. તેમ છતા પણ કોતરમાં ઉતરી સંતાયેલા દીપડાને ગણતરીની મિનિટોમાં જ રેસ્કયુ નેટમાં પકડી લેવામાં આવ્યો હતો. તેજ સમયે વેટરનર ડોક્ટર અને તેમની ટીમે દીપડાને ઇન્જેક્શન મારી, બેભાન કર્યો હતો.

દીપડાને ખાટલા પર બાંધી જંગલમાંથી ખભે ઉચકી લઇ જવાયો
આ દીપડાને ખાટલા પર બાંધી જંગલમાંથી ખભે ઉચકી, ક્ષેત્રિય સ્ટાફે પાંજરા સુધી લઇ જઈને, મહામહેનતે પાંજરામાં પુર્યો હતો. ઘાયલ દીપડાને વધુ સારવાર અર્થે ‘વાંસદા નેશનલ પાર્ક’માં લઇ જવાયો હતો. રેસ્ક્યુ દરમિયાન, દીપડાના હુમલાથી ઘાયલ રાઉન્ડ ફોરેસ્ટર મનોજ ગાયકવાડને આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના સમયે નાયબ વન સંરક્ષક ડી.એન.રબારીએ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઘટનાક્રમની સ્થળ તપાસ લવચાલીનાં આર. એફ.ઓ અર્ચના હિરેએ હાથ ધરી છે.

Most Popular

To Top