Comments

કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદના સ્થાને મંદિર બનાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે

અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે વારાણસીમાં જ્ઞાનવાપી કેમ્પસના સર્વેનો આદેશ આપ્યો હતો, પરંતુ મુસ્લિમ પક્ષ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અગાઉ શૃંગાર ગૌરી કેસની મુખ્ય અરજીકર્તા રાખીસિંહે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી દાખલ કરી હતી. મતલબ કે મુસ્લિમ પક્ષની અરજી પર કોઈ નિર્ણય લેતાં પહેલાં તેમનો પક્ષ પણ સાંભળવો જોઈએ. બીજી તરફ આ કેસમાં બૌદ્ધ સમાજની પણ એન્ટ્રી થઈ છે. બૌદ્ધ ગુરુ સુમિત રતન ભંતેએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદ બૌદ્ધ મઠ છે. તેમણે કહ્યું હતું કે દેશમાં આવાં ઘણાં મંદિરો છે, જે બૌદ્ધ મઠોને તોડીને બનાવવામાં આવ્યાં છે. જ્ઞાનવાપી કેસમાં બૌદ્ધોના પ્રવેશથી મામલો ઘણો પેચીદો થઈ ગયો છે. બૌદ્ધોના દાવા મુજબ દેશમાં ઘણાં મંદિરો બાબતમાં વિવાદ થઈ શકે તેમ છે.

અલ્હાબાદ હાઈ કોર્ટે સર્વેની મંજૂરી આપતાં પહેલાં ગુરુવારે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે સેશન્સ કોર્ટના આદેશનું તાત્કાલિક પાલન કરવાનો એટલે કે સર્વે શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ પ્રિતિંકર દિવાકરની સિંગલ બેન્ચે આ નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે ન્યાય માટે આ સર્વે જરૂરી છે. તેને અમુક શરતો સાથે અમલમાં મૂકવાની જરૂર છે. જો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના આદેશને અટકાવશે નહીં તો શુક્રવારથી સર્વે શરૂ થશે. હાઈકોર્ટના નિર્ણય બાદ વારાણસીમાં ASI ટીમ અને જિલ્લા પ્રશાસનની બેઠક પણ આને લઈને થઈ છે. છેલ્લી સુનાવણીમાં હાઈકોર્ટે ASIને સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી મસ્જિદનું સર્વેક્ષણ શરૂ ન કરવા જણાવ્યું હતું. જુલાઈના છેલ્લા સપ્તાહમાં કોર્ટમાં સતત બે દિવસ સુધી બંને પક્ષો તરફથી દલીલો ચાલી હતી. ૨૭ જુલાઈએ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુસ્લિમ પક્ષકારો માટે આ સર્વે જીવનમરણનો જંગ બની ગયો છે. જો સર્વેમાં બહાર આવે કે આ જગ્યા પર પહેલાં હિંદુ મંદિર હતું તો ૧૯૯૧નો પૂજાસ્થળો બાબતનો કાયદો આ કેસમાં આડે આવશે નહીં.

જ્ઞાનવાપી સંકુલની માલિકી અંગે અલ્હાબાદ હાઈકોર્ટમાં કુલ પાંચ અરજીઓ દાખલ કરવામાં આવેલી છે. રાખીસિંહ અને અન્ય ત્રણ મહિલાઓએ જ્ઞાનવાપી કેમ્પસમાં સ્થિત સ્વયંભૂ વિશ્વેશ્વરનાથ મંદિરની માલિકી અંગે વારાણસી કોર્ટમાં સિવિલ દાવો દાખલ કર્યો છે. વારાણસી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે ૮ એપ્રિલ ૨૦૨૧ના રોજ ASIને આ મામલે જ્ઞાનવાપીનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. તેની સામે મસ્જિદની વ્યવસ્થા સમિતિ અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. એવી દલીલ કરવામાં આવે છે કે પૂજા સ્થાન અધિનિયમ, ૧૯૯૧ની કલમ ૪ હેઠળ ૧૯૪૭ની ૧૫ મી ઓગસ્ટે જે ધાર્મિક સ્થળ હોય તેનું રૂપાંતર કરવા માટે સિવિલ દાવો કરી શકાતો નથી. હિંદુ પક્ષ કહે છે કે ભગવાન વિશ્વેશ્વર સ્વયંભૂ છે.  તેમનું કુદરત દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. તે માનવ નિર્મિત નથી. આ કારણે પૂજા સ્થાન અધિનિયમની કલમ ૪ તેને લાગુ પડતી નથી. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પહેલા અને ત્યાર બાદ પણ અહીં અખંડ પૂજા થતી રહી છે. આ જ કારણ છે કે હિન્દુ પક્ષ વારંવાર વૈજ્ઞાનિક સર્વેની માંગ કરે છે. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે જ્ઞાનવાપી કેમ્પસના ASI સર્વેનો આદેશ આપ્યા બાદ ૨૪ જુલાઈએ સર્વે શરૂ થયો હતો. લગભગ ૪ કલાક સુધી સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર ૨૬ જુલાઈના રોજ સાંજે ૫ વાગ્યા સુધી પુરાતત્ત્વ ખાતાં દ્વારા સર્વે પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો.

હિંદુ પક્ષકારો વતી લડી રહેલા વરિષ્ઠ વકીલ હરિશંકર જૈને કહ્યું હતું કે ‘‘એવા અસંખ્ય પુરાવા છે જે દર્શાવે છે કે તે હિંદુ મંદિર હતું. ASI સર્વેથી સાચી હકીકત બહાર આવશે. મને ખાતરી છે કે તે સ્થળે હિંદુ મંદિર હતું. કાશી વિશ્વેશ્વરનું વાસ્તવિક શિવલિંગ ત્યાં મુખ્ય ગુંબજની નીચે છૂપાયેલું છે. આ હકીકતને છુપાવવા માટે મુસ્લિમ પક્ષો વારંવાર સર્વે સામે વાંધો ઉઠાવી રહ્યા છે. તેઓ જાણે છે કે આ સર્વે પછી મસ્જિદ અસ્તિત્વમાં રહેશે નહીં અને ભવ્ય મંદિર માટે રસ્તો સાફ થઈ જશે. ’’

જ્ઞાનવાપી પરિસરમાં સર્વેના આદેશ બાદ કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સખી કાશી વિશ્વનાથ પહોંચ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવતા તેમણે તેને સત્યની જીત ગણાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં આદિ વિશ્વેશ્વરનો જલાભિષેક કરશે. ત્રિશૂલ લઈને હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો અને શંખનાદ પણ કર્યો હતો. જ્ઞાનવાપી કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે. જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથની ૫૦૦ મીટરની ત્રિજ્યામાં લગભગ ૧,૬૦૦ જવાન સુરક્ષામાં તૈનાત છે. બેરિકેડિંગ વધારી દેવામાં આવ્યું છે.

ઓગસ્ટ ૨૦૨૧ માં પાંચ હિંદુ મહિલાઓએ વારાણસીના સિવિલ જજ સમક્ષ કેસ દાખલ કર્યો હતો. જેમાં તેમણે જ્ઞાનવાપીની બાજુમાં આવેલા શ્રૃંગાર ગૌરી મંદિરમાં દરરોજ પૂજાઅર્ચના કરવાની અને દર્શન કરવાની પરવાનગી માંગી હતી. મહિલાઓની અરજી પર ન્યાયાધીશે જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ પર ગયા વર્ષે ત્રણ દિવસ સુધી સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે બાદ હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે અહીં શિવલિંગ મળી આવ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે જ્ઞાનવાપીના વજુખાનામાં શિવલિંગ છે.

જો કે મુસ્લિમ પક્ષે કહ્યું કે તે શિવલિંગ નથી, પરંતુ એક ફુવારો છે જે દરેક મસ્જિદમાં છે. વારાણસીની કોર્ટમાં આ કેસની સુનાવણી પૂર્ણ થઈ હતી. જિલ્લા ન્યાયાધીશે ચુકાદો અનામત રાખ્યો હતો. ૧૬ મે, ૨૦૨૩ ના રોજ હિન્દુ પક્ષે ચાર વાદી મહિલાઓ વતી એક અરજી આપી હતી, જેમાં માગણી કરવામાં આવી હતી કે જ્ઞાનવાપીના વિવાદિત ભાગ સિવાયના સમગ્ર સંકુલની ASI દ્વારા તપાસ કરવામાં આવે. ૨૭ જુલાઈએ હાઈકોર્ટે પૂછ્યું હતું કે શું મૂળ ઢાંચાને નુકસાન પહોંચાડ્યા વિના સર્વે કરી શકાય તેમ છે? જેના જવાબમાં ASIએ કહ્યું કે અમે બ્રશ દ્વારા સર્વે કરીશું. જ્ઞાનવાપીને કોઈ નુકસાન નહીં થાય.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે બહુ સૂચક વિધાન કરતાં કહ્યું હતું કે જો આપણે જ્ઞાનવાપીને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. જેને ભગવાને દૃષ્ટિ આપી છે, તેણે જોવું જોઈએ. ત્રિશુલ મસ્જિદની અંદર શું કરે છે? અમે તેને રાખ્યું નથી. મુસ્લિમ સમાજે ઐતિહાસિક ભૂલ સુધારવી જોઈએ. જ્ઞાનવાપીના કિસ્સામાં હિંદુ  પક્ષની દલીલ છે કે સ્તંભો પર જોવા મળેલાં ધાર્મિક નિશાનો મંદિરનો ભાગ છે કે કેમ તેની ખાતરી કરવાની જરૂર છે. સર્વેનો વિરોધ કરતાં મુસ્લિમ પક્ષે દલીલ કરી છે કે કોર્ટ નવા પુરાવા ઊભા કરવાની મંજૂરી આપી શકે નહીં. હાલ તો અલ્હાબાદ હાઈ કોર્ટના ચુકાદાને પગલે સર્વે સામેના બધા અવરોધો દૂર થયા છે. હવે પુરાતત્ત્વ ખાતા દ્વારા સર્વેમાં કઈ હકીકતો બહાર આવે છે, તેના પર જ્ઞાનવાપી મસ્જિદ કેસનો સંપૂર્ણ મદાર રહેલો છે.

૧૯૯૦ના દાયકામાં ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના એજન્ડા પર અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપરાંત કાશી વિશ્વનાથ અને મથુરાની કૃષ્ણ જન્મભૂમિ પણ હતી. આ ત્રણેય સ્થળો ઉપર મુસ્લિમ શાસકો દ્વારા મંદિરનો ધ્વંસ કરીને મસ્જિદો બનાવી દેવામાં આવી હતી. હવે અયોધ્યાનો મુદ્દો હલ થઈ જતાં તેમની નજર કાશી અને મથુરા પર છે. કાશી વિશ્વનાથમાં મંદિર નિર્માણ આડેના એક પછી એક અંતરાયો પણ દૂર થઈ રહ્યા છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચાર લેખકના પોતાના છે.

Most Popular

To Top