Madhya Gujarat

ઇન્ટરનેટના ઉપયોગ માટે ડિજિટલ સાક્ષરતા જરૂરી : ડૉ. મિત્તલ મકરંદ

આણંદ : વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યા મંડળ યુનિવર્સિટીની ઇલસાસ કોલેજ દ્વારા મીડિયા લિટરસી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ટરનેટના ઉપયોગ માટે ડિજીટલ સાક્ષરતા અને જાગૃતતા વધારવા પર ભાર મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત કોમ્યુનિકેશન અને મીડિયા કન્સલ્ટન્ટ ડો.મિત્તલ મકરંદે વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે, આજના સમયમાં મીડિયા સાક્ષરતા હોવી ખૂબ જ જરૂરી છે. પરંતુ આપણા દેશના મોટાભાગના લોકો તેના સુરક્ષિત ઉપયોગ વિશે જાગૃત નથી. ઇન્ટરનેટના યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ માટે ડિજિટલ સાક્ષરતા અને જાગૃતતા બંને વધારવી પડશે. આજે ઈન્ટરનેટના માધ્યમથી સાયબર ક્રાઈમનું પૂર આવ્યું છે.

નવા કેસો સામે આવી રહ્યા છે. જેથી વ્યક્તિઓ, સમુદાયો અને સમાજને ટકાઉ વિકાસની જરૂરિયાત, ઉત્પાદન અને વપરાશની વધુ ટકાઉ પદ્ધતિ વિશે શિક્ષિત અને સંવેદનશીલ બનાવવા અને પરિવર્તન અને વધુ ટકાઉ ભવિષ્ય તરફ પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરવામાં મીડિયાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ કાર્યક્રમમાં ઇલસાસ કોલેજના આચાર્યા ડો. સી.એન. અર્ચનાએ જણાવ્યું હતું કે, ખરેખર મીડિયા અમને જીવન અને અસ્તિત્વના સંઘર્ષ પ્રત્યેના અમારા અભિગમ વિશે નિખાલસ અને પ્રામાણિક રહેવા માટે એક અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડે છે.

તે આપણને સમાજ પ્રત્યે જવાબદાર બનવાનું પણ શીખવે છે અને તેના અધિકારથી ઘણી સિદ્ધિઓ મેળવી શકે છે. આ કાર્યક્રમમાં 100 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના અંતે પ્રો. અંજલી નેનવાણીએ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ડો.પ્રો. કોમલ જાનીએ કર્યું હતું. જ્યારે મીડિયા ઈન્ચાર્જ ડો.ક્રિષ્ના ત્રિવેદીએ કાર્યક્રમની સંપૂર્ણ માહિતી આપી હતી. આ પ્રસંગે ચારુતર વિદ્યા મંડળ અને સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ ડો.ભીખુભાઈ પટેલ, ઉપપ્રમુખ, માનદ મંત્રી, માનદ સહમંત્રી અને તમામ પદાધિકારીઓએ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Most Popular

To Top