National

જ્ઞાનવાપીમાં ASI સર્વેનો આજે બીજો દિવસ, મુસ્લિમ પક્ષ પણ સામેલ

વારાણસીઃ આજે જ્ઞાનવાપી (Gyanvapi) ASI સર્વેનો (ASI Survey) બીજો દિવસ છે. ASI સર્વેની કાર્યવાહી સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આજના ASI સર્વેની સૌથી મોટી વાત એ છે કે સર્વેમાં મુસ્લિમ (Muslim) પક્ષને પણ સામેલ કરવામાં આવશે. સર્વેની શરૂઆત પહેલા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જ્ઞાનવાપી તરફ જતા માર્ગ પર બેરિકેડીંગ કરવામાં આવ્યું છે અને ચૂસ્ત પોલીસ (Police) બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જાણકારી મુજબ આજે હિંદુ સ્મારકો અને દિવાલોની રેડિયેશન દ્વારા તપાસ કરવામાં આવશે.

ટૂંક સમયમાં સર્વેક્ષણમાં બધું સ્પષ્ટ થઈ જશે: હિંદુ પક્ષના વકીલ સુધીર ત્રિપાઠી
હિંદુ પક્ષના વકીલ સુધીર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે “સર્વે આજે સવારે 9 વાગ્યે શરૂ થશે. સર્વેનો આજે બીજો દિવસ છે. અમે ઈચ્છીએ છીએ કે લોકો સર્વેમાં સહકાર આપે અને શક્ય તેટલી વહેલી તકે તેને પૂર્ણ કરે.” તેઓએ કહ્યું જે લોકો સર્વેમાં આવ્યાં છે તેઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર આવ્યા છે. અમે તેઓનું સ્વાગત કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ મામલો ઝડપથી ઉકેલાય. તેમણે વધુમાં ઉમેર્યું ટૂંક સમયમાં સર્વેક્ષણમાં બધું સ્પષ્ટ થઈ જશે. વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વે અંગે બીજેપી સાંસદ દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’ કહે છે “આ કાનૂની પ્રક્રિયા છે…સત્ય બહાર આવવું જોઈએ…બધા સહકાર આપી રહ્યા છે.”

મુમતાઝ અહેમદે આરોપ લગાવ્યો કે ASIની ટીમ પોતાની મનમાની કરી રહી છે
જ્ઞાનવાપીના ASI સર્વેમાં જોડાવા માટે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીના સભ્યો પણ 9 વાગ્યા પહેલા પહોંચી ગયા હતાં. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદના એડવોકેટ મુમતાઝ અહેમદે કહ્યું કે અમે આજથી આ સર્વેમાં જોડાઈ રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હજુ સુધી ASIએ અમને કોઈ નોટિસ આપી નથી. મુમતાઝ અહેમદે આરોપ લગાવ્યો કે ASIની ટીમ પોતાની મનમાની કરી રહી છે.

મુસ્લિમ પક્ષના વકીલ મુમતાઝ અહેમદે જ્ઞાનવાપી કેમ્પસમાંથી બહાર આવ્યા બાદ કહ્યું કે અમે સર્વેમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. જો કે તેમણે મસ્જિદનો દરવાજો ખોલી નાંખ્યો હતો પણ સર્વેની ટીમને ભોંયરાની ચાવી આપવાની ના પાડી દીધી હતી. આ માટે તેમણે કહ્યું અમે શા માટે ચાવી આપીએ, તેઓ જે તાળું ખોલવાનું કહેશે તે અમે ખોલી આપીશું. તેમણે કહ્યું કે ASIની ટીમ હજુ પણ ઉપરના ભાગમાં સર્વે કરી રહી છે. શુક્રવારે પણ ભોંયરામાં સર્વેની કામગીરી થઈ શકી ન હતી કારણ કે કોઈ મુસ્લિમ પક્ષે તાળું ખોલ્યું ન હતું અને ચાવી પણ આપી ન હતી.

Most Popular

To Top