Editorial

પ્રથમ તબક્કાની ચૂંટણીના દસ ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ: આજની વરવી વાસ્તવિકતા રજૂ કરતું ચિત્ર

દેશમાં સામાન્ય ચૂંટણી તરીકે ઓળખાતી લોકસભાની ચૂંટણી હવે ખૂબ નજીક આવી ગઇ છે. આ મહિનાની ૧૯મી તારીખથી શરૂ થઇને સાત તબક્કામાં આ ચૂ઼ંટણીઓ માટે મતદાન થનાર છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે ઉમેદવારોની ચર્ચા પણ જોરશોરમાં ચાલે છે અને લોકશાહી અને સમાજના હિતચિંતકો ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપેલી ગુનાખોરી સહીતની બાબતોની ચર્ચા કરે છે ત્યારે હાલમાં દેશની અગ્રણી ચૂંટણી અધિકાર સંસ્થા એડીઆર દ્વારા પ્રથમ તબક્કાની ચૂંટણીના ઉમેદવારો અંગે કેટલીક રસપ્રદ માહિતી બહાર પાડી છે જે માહિતી ચિંતા અને ગ્લાની જન્માવે તેવી પણ છે. દેશમાં સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૦૨ લોકસભા બેઠકો માટે ચૂંટણી થનાર છે જેમાંથી ૪૨ બેઠકો પર ત્રણ અથવા તેથી વધુ એવા ઉમેદવારો છે કે જેઓ ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે એમ આ ચૂંટણી અધિકાર સંસ્થા જણાવે છે.

એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર) દ્વારા હાલની લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોના સોગંદનામાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ૧૯ એપ્રિલે યોજાનાર પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ચૂંટણી લડી રહેલા ૧૬૨૫ ઉમેદવારોમાંથી ૧૬૧૮ ઉમેદવારોના સોગંદનામાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં જણાયું હતું કે આ ૧૬૧૮ ઉમેદવારોમાંથી ૧૬ ટકા અથવા ૨૫૨ ઉમેદવારોના નામ ક્રિમિનલ કેસોમાં આવ્યા છે અને આમાં પણ ૧૦ ટકા અથવા તો ૧૬૧ ઉમેદવારો તો એવા છે કે જેઓ ગંભીર ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યા છે.

દર એકસોમાંથી દસ ઉમેદવારો ગંભીર ગુનાઓના આરોપોનો સામનો કરતા હોય તે સ્થિતિ ચિંતાજનક જ છે. આ ઉમેદવારો સામે કેવા કેવા ગુનાઓ નોંધાયેલા છે તેની માહિતી પણ એડીઆર દ્વારા બહાર પાડવામાં આવી છે જે મુજબ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોમાંથી સાત ઉમેદવારો સામે હત્યાના ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે ૧૯ સામે હત્યાના પ્રયાસના આરોપો ધરાવતા કેસો છે. અઢાર ઉમેદવારોએ તેમના ઉમેદવારી સોગંદનામાઓમાં જાહેર કર્યું છે કે તેમની સામે મહિલાઓ સામેના અપરાધો અંગેના કેસો છે, અને તેમાંથી પણ એકની સામે તો આઇપીસીની કલમ ૩૭૬ હેઠળ બળાત્કારનો કેસ છ એમ એડીઆર દ્વારા આપવામાં આવેલી માહિતી જણાવે છે.

આવા ગંભીર આરોપોનો સામનો કરતા લોકોને રાજકીય પક્ષો શા માટે ચૂ઼ંટણીમાં ઉભા રાખતા હશે? તેવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય. પરંતુ આજે રાજકીય પક્ષો નૈતિકતા કરતા યેનકેન પ્રકારે ચૂંટણી જીતવાને વધુ મહત્વ આપે છે અને જો ચારિત્ર્યવાન ઉમેદવાર કરતા માથાભારે ઉમેદવાર ચૂંટણી જીતી જવાની શકયતા વધુ હોય તો રાજકીય પક્ષો તેને જ કોઇ પણ અચકાટ વિના પોતાનો ઉમેદવાર બનાવે છે. જો કે જેમની સામે ગુના નોંધાયેલા હોય તે બધા જ ઉમેદવારો કંઇ માથાભારે કે ગુંડા હોય તેવું નથી. કેટલાકને ખોટી રીતે ફસાવી દેવાયા હોય તેવું પણ હોય છે.

પરંતુ ઘણા ઉમેદવારોના ભૂતકાળ કેવા હોય છે અને કેવી રીતે રાજકારણમાં તેઓ આગળ આવ્યા હોય છે તે લોકો જાણે જ છે. એડીઆર એ દેશમાં લોકશાહી ચૂંટણીઓ પર દેખરેખ રાખવા માટેનું વિવિધ નાગરિક સમાજ જૂથોનું ગઠબંધન છે. આ સંગઠન જણાવે છે કે ૩૫ ઉમેદવારો ધિક્કાર પ્રવચનના કેસો સાથે સંકળાયેલા છે. આ સંગઠનનું વિશ્લેષણ વધુમાં એમ પણ જણાવે છે કે પ્રથમ તબક્કાની ચૂંટણીના ૧૦૨ મત વિસ્તારોમાંથી ૪૧ ટકા જેટલા ક્ષેત્રો તો રેડ એલર્ટ મત વિસ્તારો છે એટલે કે તે મત વિસ્તારોમાં ૩ કે તેથી વધુ ઉમેદવારો એવા છે જેમની સામે ફોજદારી ગુનાઓ નોંધાયેલા છે. હવે રાજકારણમાં સ્વચ્છતા એ કેટલાક અપવાદો સિવાય ભૂતકાળની વાત બની ગઇ છે.

Most Popular

To Top