Comments

પર્યાવરણ બચાવી લેવા દેહદાન અથવા મૃત શરીરનું વૃક્ષદાન સ્વીકારીએ

વરાહ પુરાણમાં મુનિઓને વિચરતા વૃક્ષો કહ્યા છે અને વૃક્ષોને સ્થિર ઊભેલા મુનિ તરીકે જાણ્યાં છે. “રેપયિત વૃક્ષાન્ યાતિ પરમાં ગતિમ્ ” તેમ કહી ઋષિએ કહ્યું છે કે જે મનુષ્ય સર્વ પ્રાણીઓના ભોગ માટે વૃક્ષો રોપે છે, તે પરમ ગતિને પામે છે. ‘રોપયિત્વા સશાખાંસ્તુ નર: ન નર વ્રજતે “ કહી ઋષિ તેના શિષ્યને કહે છે કે જે મનુષ્ય શાખા અને ઉપશાખાવાળાં વૃક્ષો રોપે છે, તે નરકમાં જતો નથી. અગ્નિ પુરાણની ઋચામાં કહેવાયું છે, “ફૂલ અને ફળથી સુગંધિત વૃક્ષો જે મનુષ્ય રોપે છે તે જ્ઞાની પુરુષ સમૃદ્ધ દેશમાં ઉત્તમ ગૃહમાં નિવાસ કરીને મનોવાંછિત વરદાન પ્રાપ્ત કરે છે.” “તે પુત્રા: ઘમતોમૃતા:” જગદ્ગુરુ શ્રીકૃષ્ણે વૃક્ષોને ધર્મ પ્રમાણેના પુત્રો ગણ્યાં છે.

છતાં આજે એક સશક્ત વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના અગ્નિદાહ પાછળ આઠ મણ એટલે કે ૧૬૦ કિલો લાકડું રાખ કરી દેવામાં આવે છે. ત્રણથી આઠ ઇંચ જાડાઈ ધરાવતાં ગોરસ, આંબલી, પીપર, કેશિયો, બાવળ, સાજડ જેવાં પાંચ જલાઉ વૃક્ષોને સ્મશાન માટે ઉતારવામાં આવે છે ત્યારે પોતાના પ્રાણ ધરી દેનાર વૃક્ષો તો તેમના ધર્મ અનુસાર મૃતાત્માને અગ્નિસંસ્કાર આપી પંચમહાભૂતમાં વિલીન કરે છે, પરંતુ લૌકિક કરનાર ઉત્તરાધિકારી “વૃક્ષોમાં હું પીપળો છું” તેમ કહી વૃક્ષોમાં પોતાનું ઐશ્વર્ય બક્ષનાર ભગવાન શ્રીકૃષ્ણના ગુનેગાર બની ઘેર પાછા ફરે છે.

કુરાને-શરીફ વૃક્ષને અલ્લાહતાલાનો ઝિક્ર કરતી મખલુક ગણે છે. આથી જ મુસલમાન ભાઈ જન્નતનશીન થાય છે ત્યારે તેને વૃક્ષની છાયામાં જમીન નીચે પાંચ-સાત ફૂટ ઊંડે મસ્જિદમાંથી મૌલવીએ આપેલ ખુશબૂ સાથે દફનાવવામાં આવે છે અને દફન સમયે તમામ ત્રણ ત્રણ મુઠ્ઠી માટી નાંખી અરબીમાં દુઆ પઢે છે : “ મિન્હા ખલક્નાકુમ્ વ ફીહા નુઇકુમ્ વ મિન્હા મુરિજુકુમ્ તારતમ્ ઉરા” ભાવાર્થ : આ જ માટીમાંથી અમે તમને પેદા કર્યા છે અને આ જ માટીમાં તમને પાછા મોકલીશું અને આખિરતમાં આ જ માટીમાંથી તમને પાછા ઊભા કરીશું.”

બૌદ્ધ ધર્મમાં પણ પુનર્જન્મનો સ્વીકાર કરાયો છે. કર્મનો સિદ્ધાંત પણ પુનર્જન્મને નકારતો નથી. પરંતુ નવા જન્મ સમયે કોઈ શેતાની તત્ત્વ જીવ સાથે ભળી ન જાય તેથી ડેડબોડીને કૉફિનમાં મીઠા સાથે રાખી જમીનમાં ઉતારી દેતાં ખ્રિસ્તીઓ યહોવાહના પુત્ર જિસસ અને પવિત્ર આત્મા જે મૃતાત્માના વિરામને શાંતિ બક્ષે છે તે પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે શ્રદ્ધાંજલિ આપે છે.“પરોપકારાય સંતાા” કહેનાર મનુસ્મૃતિએ સાધુ-સંતોનાં શરીરને જળસમાધિસ્થ કરવા આજ્ઞા કરી છે અને ગરુડપુરાણમાં નાની વયના શરીર અને કેટલાંક વર્ષોને દાહથી મુકત રાખી ષટ્ પિંડ સંસ્કારનું તર્પણ યથોચિત ગણ્યું છે.

તેમ છતાં હિન્દુસ્તાનમાં રોજ ૧૬૦૦ ટન લાકડું મનુષ્યના દેહવિસર્જન માટે હોમાઈ જાય તે કેવી હિંસા! ભારત સરકારના બિનપારંપરિક ઊર્જા વિભાગના વડા ડૉ. એન. એ. માથુરના અભ્યાસલેખ – “ધ ઈકોનોમિકસ ઓફ એનર્જી પ્લાન્ટેશન’ના પ્રયોગો આધારે જણાવાયું છે કે એક કિલો કૅલરી લાકડું બળે છે ત્યારે ૩૭૦૦ કિલો કૅલરી ઊર્જા પેદા થાય છે અને માણસના મૃત શરીરને નાશ કરવા ૬૫૦થી ૭૦૦ ડિગ્રી સેંટીગ્રેડ ઉષ્ણતામાનની જરૂરત રહે છે, તે સ્થિતિએ પહોંચવા ૫,૯૨,૦૦૦ કિલો કૅલરી ઊર્જાનો વપરાશ થાય છે.

જેથી ૨૪૫ કિલો કાર્બન ઉત્સર્જન પામે છે જેથી એક સ્માર્ટ ફોન ૨૯૦૦૦ વખત ચાર્જ કરવા જેટલી ઊર્જાનો વ્યય થાય છે. આ ઊર્જાનો સકારાત્મક ઉપયોગ ન થઈ શકે?  ગુજરાત રાજ્યના એનર્જી ડેવલપમેન્ટ વિભાગના કચ્છ જિલ્લાના અબડાસા ક્ષેત્રના વનીકરણ કાર્યક્રમના પરિણામ આધારે જોવા મળે છે કે એક હેકટરમાં ૧૦૦૦ વૃક્ષ વાવીએ અને તેને પાણી ખાતર સાથે માવજતથી ઉછેરવામાં આવે તો ૫ વર્ષે ૧૦૦ ટન લાકડું મળે છે. આનો અર્થ એ કે રાજકોટ, સુરત, વડોદરા જેવાં મોટાં શહેરોમાં મૃત્યુ પામતા દેહો ચાર દિવસે એક હેકટરનાં વૃક્ષોનું હર્યુંભર્યું જંગલ સાફ કરી નાખે છે!

સંત સમાં દ્વેષહીન વૃક્ષોને સાચા અર્થમાં તારણહાર કહેનાર ગ્રંથસાહેબે વૃક્ષના વિવેકપૂર્ણ ઉપયોગનું શબ્દકીર્તન કર્યું છે અને વૃક્ષોને ન સાચવનારનું જીવન ઝૂંટવાઈ જશે તેવી ભવિષ્યવાણી ભાખી છે. ભારતીય સંસ્કૃતિની યશોગાથા સમાન સ્કંદપુરાણમાં કહેવાયું છે કે જે કોઈ મનુષ્ય નગર કે વૃક્ષ તોડે છે તે જુંભણ નામના ભયંકર નર્કમાં પડે છે. પુરાણો કહે છે કે કુળની તથા ધનની વૃદ્ધિ કાયમ રહે એમ ઇચ્છતા હો, તો વૃક્ષો કદાપિ કાપતા નહીં.

ગુજરાતના મુઠ્ઠી ઊંચેરા સેવક રવિશંકર મહારાજ ઘસાઈને ઊજળા થવાની શીખ દેતા. તો ભાગવત કથાકાર ડોંગરેજી મહારાજ ગાતા, “ધૂપસળી સમ સુગંધ દેતાં આયુષ પૂરું કરવું છે.” ત્યારે વિચારીએ કે જીવતા જીવ બીજાને ખપમાં અવાયું ન અવાયું, પરંતુ મરતી વેળાએ સંતો જેવાં વૃક્ષોને બાળી હવામાં ૩૦ ટકા કાર્બન ડાયોકસાઇડ, ૨૦ ટકા કાર્બન મોનોક્સાઈડ ઉપરાંત દેહના પ્રદૂષણને શા માટે પર્યાવરણમાં ભેળવીએ છીએ ? એના કરતાં દેહદાન કરીએ અથવા તો મૃત શરીરને જમીનમાં દફનાવી તેના પર એક વૃક્ષ રોપવાનો સંકલ્પ કરાય તો શરીરમાંના નાઈટ્રોજન, હાઇડ્રોજન, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ અને મિનરલ્સ જમીનમાં ભળશે ને ધરતીમાતા સમૃદ્ધ થશે. 

૨૧ મી સદીના પ્રારંભે વિશ્વનું પર્યાવરણ નાજુક સ્થિતિમાં મુકાઈ રહ્યું છે અને ઈશ્વરની કરુણારૂપ વર્ષાને ધરતી ઉપર ઉતારનારાં વૃક્ષો ખૂટી રહ્યાં છે, ત્યારે સ્થિતિની ગંભીરતા સમજી વૃક્ષોને કપાતાં અટકાવીએ. અમેરિકા અને યુરોપથી ગ્રીન ડેથ નામની સંસ્થાએ પણ પોતાના સભ્યોને કોફિનમાં સડી જવાના બદલે એક વૃક્ષના પોષક બનવાનું અભિયાન પ્રચલિત કર્યું છે. તેમ બ્રિટન અને આયરલેંડ સહિતનાં યુરોપિયન દેશોમાં ખાનગી કંપનીઓ દ્વારા વોટર ચેંબરમાં મૃતકને મૂકી એમીનો એસિડથી માંસ અને હાડકાં છુટ્ટા કરી ૪ કલાકની પ્રોસેસ બાદ એક પ્લાસ્ટિક બેગમાં હાડકાંને પાવડર સ્વરૂપે પરિવારને સોંપવામાં આવે છે.

આ પ્રકારે તમામ પર્યાવરણપ્રેમી પોતાના દેહને અંતકાળે વૃક્ષને સમર્પિત કરવા સંકલ્પબદ્ધ થાય તો આપણી ભાવિ પેઢી ગૌરવભેર ગાન કરી કહી શકે, “વૃક્ષોને નિત્ય વૃદ્ધિ કરનાર હે પૃથ્વી તું અતિ શીલવંત છે. પુણ્ય અને દ્રવ્ય દેનારી છે અને સર્વનું પાલન કરનારી છે. આથી હે માતા, તને સદા નમસ્કાર”. મૃતાત્માને પંચમહાભૂતમાં ભેળવવાનો વિચાર વિશ્વની તમામ સંસ્કૃતિઓએ અપનાવ્યો છે. હિંદુઓ અગ્નિ તત્ત્વમાં શરીરને વિલીન કરે છે, તો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પૃથ્વી તત્ત્વમાં, પારસીઓ અને જરથ્રુસ્ટો આકાશ તત્ત્વમાં મૃત શરીરનો નાશ ઇચ્છે છે. તો તિબેટની બૌદ્ધ પરંપરા શબને પહાડ ઉપરથી ઊંડી ખીણમાં ગબડાવી વાયુ તત્ત્વની સાર્વત્રિક સત્તામાં શરીરને ભેળવી દે છે.

પંચમહાભૂતમાં વિલય પામતા નશ્વર દેહના વિસર્જન માટે પણ વિભિન્ન પદ્ધતિ પ્રચલિત છે. ગુજરાતમાં ભરૂચ પાસે વિલિન્દા ગામે ડચ વહાણવટીઓની કબરો મોજૂદ છે. આ જ્યુઈશ યાત્રિકોની કબરોમાં શબને સ્નેહના પ્રતીકરૂપે પવિત્ર દોરાઓથી વીંટી ઊગતા સૂર્યની દિશામાં, તેજોમય ઈશ્વર તરફ પ્રાર્થના અવસ્થામાં ઊભું દફનાવવામાં આવતું. તો મુસ્લિમ બિરાદરો જે માટીમાંથી માનવદેહ બન્યો છે તે પવિત્ર માટી ફરીથી માણસને જન્મ આપશે તેવા આશયથી દેહને જમીનમાં વિશ્રામ સ્થિતિમાં સુવાડે છે. 

વિજ્ઞાનના વિકસતા જગતમાં હવે માટીમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓને વધારવા માઈક્રોબ્સ ઉમેરી શકાય છે. એઝેટોબેકટલ રાઈઝોબિયમ નામે બેકટેરિયા માનવશરીરનાં હાડકાંમાં રહેલ ફૉસ્ફરસને ૨૮ દિવસમાં ડીકંપોઝ (વિઘટન) કરે છે અને વૃક્ષના ઉછેર માટે જરૂરી નાઈટ્રોજન જમીનમાં ઉમેરે છે. એક્ટિનો માઇસેટસ નામે બેકટેરિયા માનવશરીરનું ડીહાઈડ્રેશન કરી માંસ- મજ્જામાં ફંગસ અને પાણી થવા દેતા નથી અને શરીરનાં તત્ત્વોને બંધનમુક્ત કરી અણુમાં વિખેરી નાખે છે. મૃત શરીર અગ્નિદાહ પછી રાખ સ્વરૂપે કણ કણમાં વિખેરાઈ જાય છે. તેવી જ આ ઘટના શાંત સ્વરૂપે જમીનમાં ઘટે છે અને ચિર શાંત સ્વરૂપે માનવશરીર ફરી વૃક્ષ બની નવું જીવન મેળવી શકે છે.

કોવિડ મહામારીએ દુનિયાને ઓકિસજનની કિંમત સમજાવી છે અને પ્રદૂષણથી ભરેલા શહેરમાં ઓક્સિજન બાર ખૂલી રહ્યા છે, ત્યારે શહેરો ને ગામડાંઓમાં સ્થપાયેલ પર્યાવરણ મંડળોના ઉપક્રમે સ્મૃતિવન તૈયાર થાય. સ્મૃતિવનમાં સ્વર્ગસ્થ દેહોને દફનાવી તેના પર પવિત્ર વૃક્ષ ઉછેરવાની કાળજી લેવાય, તો જીવાત્માનો આ ભવ ભલે સુધર્યો ન સુધર્યો પણ તેની બીજી જિંદગી જરૂરથી તેજોમય બની રહેશે. ગેસ કે ઈલેકિટ્રક ફરનેસમાં શરીરનો નાશ ઈચ્છતાં નાગરિકો પણ ઊર્જાનો સક્રિય ઉપયોગ ટાળે છે તે નોંધવું રહ્યું. જીવનભર શાકાહારી રહેનાર માટીના માનવપિંડે તો પ્રકૃતિના હવાલે જતાં રહેવામાં સમ્યક્ જીવન સમજવું રહ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top