Charchapatra

માણસની જાદુગરી ભલે હોય, ખરો જાદુગર નીલી છત્રીવાળો થયો

માણસ નામે જાદુગર. કારણ કે તે અનેક પ્રકાના જાદુ કરી જાણે છે. કોઈક શબ્દોનો જાદુગર હોય છે તો કોઈક દિલ થકી અન્યને પ્રેમથી વશ કરી શકે છે. કોઈ નજરનાં જાદુગર હોય છે એટલુ જ નહી કોઈ લાલચનો જાદુ પણ ચલાવે છે. કોઈ ધાક-ધમકીનો જાદુ ચલાવે છે. વળી માણસ છેતરપીંડી ચોરીનો જાદુ પણ કરી જાણે છે. વિજ્ઞાન દ્વારા તો માણસે જીવન ઉપયોગી સાધનો દ્વારા તો એવો જાદુ કર્યો છે કે માણસ ખુદ જ સાધનોની વશમાં થઈ ગયો છે. એજ માણસે પોતાનું નિકંદન જ નીકળી જાય એવાં સામુહીક મૃત્યુના સાધનોનો પણ જાદુ સૃષ્ટીમાં પાથર્યો છે. આમ માણસ ભારી જાદુગર હોવાનું સાબિત કરી રહ્યો છે. માણસ  ભૂલી રહ્યો છે કે સૌથી મોટો જાદુગર તો નીલી છત્રીવાળો જાદુગર એવી જ કુદરત જ છે. તેના જાદુનો તો ક્યાં કોઈ પાર જ આવે છે? અરે માણસ ખુદ જ કુદરતના જાદુની જ તો નિપજ છે. માણસ ગમે તેટલા જાદુ કરે પણ કુદરતથી મોટો જાદુગર તે ક્યારેય પણ થઈ શકવાનો નથી.
નવસારી – ગુણવંત જોષી.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ભારત રત્ન એવોર્ડનું રાજકીયકરણ થઈ ગયું છે
ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરીક ઈલ્કાબ છે. કોઈ ક્ષેત્રમાં દેશની નોંધપાત્ર સેવા કરનારને આ એવોર્ડ અપાતો હોય છે. દા.ત. ડો.આંબેડકર, ગાંધીજી, નેહરૂ વગેરે. આમ જો કે તે માટે લાયકાતનો ધોરણ નિયત કરાયેલ હોવાનું જાણમાં નથી. હમણાં થોડા મહિના પહેલા વર્તમાન વડાપ્રધાને ચાર વ્યક્તિઓને આ એવોર્ડ એનાયત કરવા જાહેરાત કરી છે. કર્પૂરી ઠાકર, નરસિંહરાવ, ચરણસિંગ તેમજ સ્વામીનાથન. વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ આ એવોર્ડ માટે પોતાને યોગ્ય લાગે તે વ્યક્તિનું નામ સૂચવી શકે છે.

કર્પૂરી ઠાકર બિહારના મોટા ગજાના નેતા હતા. પરંતુ સમગ્ર દેશના લોકો માટે કોઈ નોંધપાત્ર સેવા કરેલ હોય તેવું જાણમાં નથી. નરસિંહરાવ વડાપ્રધાન તરીકે દેશમાં આર્થિક ઉદારીકરણ નીતિ દાખલ કરવા માટે સુપ્રસિધ્ધ છે. ચરણસિંગ કિસાન નેતા ખરા! પરંતુ રાજકારણી તરીકે સ્વચ્છ પ્રતિભા ધરાવતા ન હતા. મોરારજી દેસાઈ સરકાર ઉથલાવીને તેઓ વડાપ્રધાન બન્યા હતા. પોતાની બહુમતિ પુરવાર ન થવાની આશંકાના ભયે તેમને વડાપ્રધાનપદેથી રાજીનામુ આપવા ફરજ પડી હતી. આમ દેશના આ સર્વોચ્ચ નાગરીક ઈલ્કાબનું રાજકીયરણ થઈ રહેલ હોવાનું સ્પષ્ટ જણાય છે.
પાલનપુર- અશ્વિનકુમાર ન.કારીઆ.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top