Kalol

કંડાચ નજીક નંબર પ્લેટ વગરની ગાડીમાંથી બાંધેલી હાલતમાં ગાય મળી; બે શખ્સો સામે કાલોલ પોલીસમાં ફરિયાદ

ફરિયાદી વકીલ અને સાથીઓએ ગાયને છોડાવી બચાવી; આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર
કાલોલ:
કાલોલ તાલુકાના કંડાચ ગામ નજીક નદીના પુલ પાસે નંબર પ્લેટ વગરની સિલ્વર કલરની સેન્ટ્રો કારમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં ગાય મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી છે. આ મામલે કંડાચ ગામના વકીલ હિરલકુમાર ગોહીલે બે શખ્સો સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ તા. ૧૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાત્રે આશરે દસ વાગ્યે હિરલકુમાર ગોહીલ, ધવલસિંહ ગોહીલ, જયપાલસિંહ રાઠોડ અને મહીલપાલસિંહ ગોહીલ સગનપુરા ગામે ચૂંટણી પ્રચારની બેઠક પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. કંડાચ નદીના પુલ નજીક રોડ પર નંબર પ્લેટ વગરની સેન્ટ્રો કાર ઉભી જોવા મળતાં શંકા જતાં તેઓએ તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ત્યાં ઉભેલા બે શખ્સોની ઓળખ સલમાન ફારુક પાડવા (રહે. વેજલપુર) અને ઈરફાન ઉર્ફે નાનો અબ્દુલમજીદ પાડવા (રહે. ગોધરા) તરીકે થઈ હતી. પૂછપરછ દરમિયાન બંનેએ ગાડી બગડી હોવાની વાત કરી, પરંતુ ગાડી ચેક કરવા જતા તેઓ અંધારાનો લાભ લઈ નદી તરફ ભાગી છૂટ્યા હતા.
ગાડીની તપાસ કરતાં વચ્ચેની સીટો કાઢી નાખેલી હતી અને એક સફેદ ગાયને ટૂંકા દોરડા વડે ગળા અને પગેથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ ફરિયાદી અને તેમના સાથીઓએ ગાયને છોડાવી ઘરે લઈ જઈ તેની ઘાસ-પાણીની વ્યવસ્થા કરી હતી.
પોલીસને આપવામાં આવેલી માહિતી મુજબ ગાયને કતલના ઇરાદે લઈ જવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે સેન્ટ્રો કાર (એન્જિન નંબર G4HGBM892377, ચેસિસ નંબર MALAA51HR6M911964) સહિત અંદાજે રૂ. ૧,૨૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી બંને ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top