Vadodara

વડોદરાના કમાટીબાગ પાસે સનસનાટી, ગેટ નંબર-2 પાસેથી લોહીલુહાણ હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

મોંમાંથી લોહીની ઉલટી થતાં કરુણ મોત નીપજ્યાની આશંકા, સયાજીગંજ પોલીસે અજાણ્યા સબ નો કબજો મેળવી ઓળખ જાહેર કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા

(પ્રતિનિધિ), વડોદરા. તા.21

વડોદરા શહેરના હાર્દ સમાન અને અત્યંત વ્યસ્ત ગણાતા સયાજીબાગ વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કમાટીબાગના ગેટ નંબર-2 પાસે એક અજાણ્યા પુરુષનો બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીય લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને વાતાવરણમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિકો દ્વારા આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી મૃતદેહનો કબજો લીધો હતો અને ઘટનાની વિગતો મેળવવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી હતી. કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે પોલીસે મૃતદેહને તાત્કાલિક અસરથી સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, મૃતક પુરુષના મોંમાંથી લોહીની ઉલટી થઈ હોવાના નિશાનો મળી આવ્યા છે. આથી, પ્રાથમિક દ્રષ્ટિએ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અચાનક લોહીની ઉલટી થવાને કારણે અથવા કોઈ ગંભીર બીમારીના લીધે આ વ્યક્તિનું મોત નીપજ્યું હોઈ શકે છે. જો કે, આ કોઈ અકસ્માત છે, આત્મહત્યા છે કે પછી તેની પાછળ અન્ય કોઈ શંકાસ્પદ કારણો જવાબદાર છે, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

આ અજાણ્યો વ્યક્તિ કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને કયા સંજોગોમાં તેનું મોત થયું છે તે તમામ સવાલોના સચોટ જવાબો મેળવવા માટે સયાજીગંજ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમનો વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું અને સચોત કારણ જાણી શકાશે. હાલમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની અને મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top