8000 મુસાફરો સામે માત્ર 2 ટ્રેન, પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો; મહિલાઓ બેરિકેડ કૂદી, 2 મુસાફરો બેભાન
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે હજારો મુસાફરોની ભારે ભીડને કારણે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉનાળાની રજાઓને કારણે વતન જવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેશન પર ઉમટ્યા હતા, પરંતુ મુસાફરોની સંખ્યાની સામે માત્ર બે ટ્રેન ઉપલબ્ધ હોવાથી સ્થિતિ તંગ બની ગઈ હતી.
માહિતી મુજબ અંદાજે 8000થી વધુ મુસાફરો સ્ટેશન પર એકઠા થતા પ્લેટફોર્મ પર ભારે ધક્કામુક્કી સર્જાઈ હતી. ભીડ નિયંત્રણ માટે રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે કેટલાક વિસ્તારોમાં હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.આ દરમિયાન ગભરાટ ફેલાતા કેટલાક મુસાફરો બેરિકેડ તોડી પ્લેટફોર્મ તરફ દોડી ગયા હતા. મહિલાઓ પણ બેરિકેડ કૂદીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતી નજરે પડી હતી. અચાનક વધેલી ભીડ અને ગભરાટના કારણે બે મુસાફરો બેભાન થઈ જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મુસાફરોનો આક્ષેપ છે કે રેલવે તંત્ર દ્વારા આગોતરા આયોજન કરવામાં આવ્યું હોત તો આવી પરિસ્થિતિ સર્જાતી નહીં. ઘણા મુસાફરો કલાકો સુધી પરિવાર અને નાના બાળકો સાથે પ્લેટફોર્મ પર રાહ જોતા રહ્યા હતા, જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દર વર્ષે ઉનાળાની રજાઓ દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની સંખ્યા વધતી હોવા છતાં વધારાની ટ્રેનોની પૂરતી વ્યવસ્થા ન થવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. મુસાફરો દ્વારા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની માંગ ઉઠાવવામાં આવી છે. હાલ પોલીસ અને રેલવે તંત્રના જણાવ્યા મુજબ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે વધુ સુવ્યવસ્થિત આયોજન કરવાની જરૂરિયાત ઉભી થઈ છે.