Madhya Gujarat

નડિયાદના શિક્ષકના નામે લોન લઇ ગઠિયાએ ~60 હજાર ઉપાડી લીધા

નડિયાદ: નડિયાદમાં રહેતાં એક શિક્ષકે લોન લીધી ન હોવાછતાં તેમના પેટીએમ પોસ્ટપેઈડ એકાઉન્ટમાં લોન પેટે રૂ.60,000 નું પેમેન્ટ બાકી બોલતું હતું. જે કોઈ અજાણ્યાં શખ્સે તેમના મોબાઇલનું એક્સેસ મેળવી, તેઓની જાણ બહાર લોન પડાવી, તે ટ્રાન્સફર કર્યાં હતાં. નડિયાદ શહેરમાં કિશન સમોસાના ખાંચામાં આવેલ દેવભૂમિ સોસાયટીમાં રહેતાં અને અલીન્દ્રા ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં 57 વર્ષીય જયેશભાઈ મોહનલાલ ઓઝાના મોબાઈલમાં ગત તા.12-7-23 ના રોજ અજાણ્યા નંબર પરથી એક ફોન આવ્યો હતો. જેમાં સામેપક્ષે વાત કરનાર અજાણ્યાં શખ્સે જણાવ્યું હતું કે, હું કર્ણાટકથી પેટીએમ પોસ્ટપેઈડ માંથી બોલું છું અને તમારું બિલ બાકી છે, જે તમે ક્યારે ભરવાના છો તે અંગે વાત કરી હતી.

આ સાંભળી અચંબામાં મુકાયેલાં જયેશભાઈએ તરત જ પેટીએમ ઈન્ડીયા કસ્ટમર કેરમાં ફોન કરી, બાકી બિલ અંગે તપાસ કરાવડાવી હતી. જેમાં તેમના ફોનના પાસવર્ડ અને ઓ.ટી.પી ના આધારે આદિત્ય બિરલા ફાઈનાન્સની રૂ.60,000 ની લીધેલ લોનનું પેમેન્ટ બાકી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે જયેશભાઈએ આવી કોઈ લોન લીધી ન હતી. જેથી કોઈ અજાણ્યાં શખ્સે જયેશભાઈના ફોનનું એક્સેસ મેળવી, તેમના પેટીએમ પોસ્ટપેઈડ એકાઉન્ટમાંથી રૂ.60,000 ની ફાઇનાન્સની લોન કરાવી, આ નાણાં હોમબજાર તેમજ અમન બર્નવાલ નામના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધાં હોવાનું બહાર આવ્યું છે. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે અજાણ્યાં સામે ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top