Godhra

ગોધરાના અંદરના મુવાડા પ્રાથમિક શાળામાં અજાણ્યા ઈસમે વીજ કનેક્શન કાપતા કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓ બફાયા

પ્રતિનિધિ ગોધરા તા.20

ચૂંટણી બૂથ ધરાવતી શાળામાં અજાણ્યા શખ્સે વીજળી ગુલ કરતા હાલાકી

સ્માર્ટ મીટર લગાવવાના બહાને આવેલ નકલી કર્મચારીનું કારસ્તાન

ગોધરા તાલુકાના પઢિયાર ગામના અંદરના મુવાડા પ્રાથમિક શાળામાં ગત ૧૮મી એપ્રિલના રોજ કોઈ અજાણ્યા શખ્સે ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન કાપી નાખતા કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, એક અજાણ્યો ઈસમ શાળામાં આવીને પોતાને એમ.જી.વી.સી.એલનો કર્મચારી ગણાવી જૂના મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવાની વાત કરતો હતો. જોકે, શાળાના આચાર્યએ તેની પાસે ઓળખપત્ર માંગતા તે આપી શક્યો ન હતો અને ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ, સાંજના સમયે ફરી આવીને તેણે શાળાનો વીજ પુરવઠો કાપી નાખ્યો હતો.

જેના પરિણામે, સોમવારે લાઈટ અને પંખા વિના વિદ્યાર્થીઓ ગરમીમાં શેકાયા હતા. અભ્યાસની સાથે મધ્યાહન ભોજન બનાવવામાં પણ મુશ્કેલી પડી હતી. વધુમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ શાળાને બૂથ તરીકે ફાળવવામાં આવી હોવાથી, નિરીક્ષણ માટે આવતા ચૂંટણી અધિકારીઓ પણ મુલાકાત માટે આવતા હોય છે.

શાળાનું વીજ બિલ નિયમિત ભરેલું હોવા છતાં આ ઘટના બનતા, આચાર્યએ કાંકણપુર સબ ડિવિઝનના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ મામલે નાયબ કાર્યપાલક ઈજનેરે ટેલિફોનિક વાતચીતમાં સ્પષ્ટતા કરી હતી કે, કચેરીમાંથી કોઈ કર્મચારી ત્યાં ગયો ન હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારી કામગીરીમાં અચાનક વીજ કનેક્શન કાપી નાખવાની કોઈ જોગવાઈ નથી અને આ કૃત્ય કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે.

Most Popular

To Top