India

કોલકાતા ડેપ્યુટી કમિશ્નર શાંતનુ સિંહા બિસ્વાસના ઘરે EDની રેડ

ખંડણી અને સિન્ડિકેટ રેકેટ સાથે જોડાયેલા તાર

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પ્રવર્તન નિર્દેશાલય (ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માહિતી મુજબ, કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશ્નર શાંતનુ સિંહા બિસ્વાસના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ EDએ દરોડા પાડ્યા છે, આ કાર્યવાહી કથિત ખંડણી અને સિન્ડિકેટ રેકેટ સાથે જોડાયેલા કેસની તપાસના ભાગરૂપે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની ટીમે એકસાથે અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં ડેપ્યુટી કમિશ્નરના ઘર ઉપરાંત કેટલાક સંકળાયેલા વેપારીઓ અને અન્ય વ્યક્તિઓના ઠેકાણાઓ સામેલ હતા. તપાસ દરમિયાન ટીમે નાણાકીય લેવડદેવડ સંબંધિત દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને મહત્વપૂર્ણ રેકોર્ડ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલ મુજબ, તપાસ એજન્સી પશ્ચિમ બંગાળમાં લાંબા સમયથી ચર્ચામાં રહેલા સિન્ડિકેટ રેકેટ સાથે જોડાયેલા નેટવર્કની કડીઓ શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ રેકેટમાં બાંધકામ, જમીન સોદા અને મોટા પ્રોજેક્ટોમાં કથિત રીતે દબાણ કરીને પૈસા વસૂલવાના આરોપો લાગતા રહ્યા છે. ED હાલ આ સમગ્ર મામલામાં મની ટ્રેલ અને સંકળાયેલા લોકો વચ્ચેના સંબંધોની તપાસ કરી રહી છે.

માહિતી મુજબ, આ કેસમાં કેટલાક પ્રાઈવેટ વ્યાપારીઓ અને અન્ય સંકળાયેલા લોકોની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સી એ બાબત જાણવા પ્રયત્ન કરી રહી છે કે ગેરકાયદેસર વસૂલાત અને સિન્ડિકેટ નેટવર્ક મારફતે કોઈ પ્રકારનું મની લોન્ડરિંગ થયું છે કે નહીં.

હાલમાં ED તરફથી સત્તાવાર રીતે વિગતવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ ED ની રેડ બાદ કોલકાતા પોલીસ તંત્ર અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. તપાસ આગળ વધતા આવતા દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top