Entertainment

‘ધુરંધર-2’માં સુસાઇડ બોમ્બરનું પાત્ર ભજવનાર કલાકાર ગુજરાતી?

ભાવનગરના તળાજાના હીરવ મહેતાની ચર્ચા

તાજેતર ચર્ચામાં આવેલી ફિલ્મ ‘ધુરંધર-2’ ના એક સીનને લઈને સોશિયલ મીડિયા પર ખાસ ચર્ચા થઈ રહી છે. ફિલ્મમાં એક મહત્વપૂર્ણ દ્રશ્યમાં એસ.પી. અસલમ ચૌધરી નામના પાત્ર (જેનું પાત્ર અભિનેતા સંજય દત્ત ભજવે છે) પર સુસાઇડ બોમ્બર દ્વારા હુમલો દર્શાવવામાં આવ્યો છે. દ્રશ્યમાં કાર અથડાવીને હુમલો કરનાર યુવાનનું પાત્ર ગુજરાતના ભાવનગર જિલ્લાના તળાજા ગામના હીરવ મહેતાએ ભજવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. માહિતી મુજબ, આ સીનમાં હીરવ મહેતાનો કોઈ ડાયલોગ નથી, છતાં માત્ર ચહેરાના હાવભાવ અને અભિનયથી તેમણે પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. ફિલ્મના યુનિટ દ્વારા પણ તેમના અભિનયની પ્રશંસા કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે.

હીરવ મહેતા અગાઉ ટેલિવિઝન ક્ષેત્રમાં પણ કામ કરી ચૂક્યા છે. ખાસ કરીને “મેરે સાઈ બડે અચ્છે લગતે હૈ” નામની સિરિયલમાં તેમણે બાળકલાકાર તરીકે ભૂમિકા ભજવી હતી. કહેવાય છે કે ફિલ્મ માટે તેમને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. તે સમયે તેમને ફિલ્મ વિશે સંપૂર્ણ માહિતી નહોતી, છતાં આત્મવિશ્વાસ સાથે ઓડિશન આપીને તેઓ આ ભૂમિકામાં પસંદ થયા.

ફિલ્મ રિલીઝ બાદ આ દ્રશ્ય ચર્ચામાં આવતાં હીરવ મહેતા અંગે લોકોમાં રસ વધ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને શોધીને સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે અને તેમના અભિનય વિશે પ્રશંસા વ્યક્ત કરી રહ્યા છે. તળાજા જેવા નાના ગામમાંથી આવીને ફિલ્મમાં મહત્વપૂર્ણ દ્રશ્યમાં દેખાવા મળતા સ્થાનિક સ્તરે પણ ગૌરવની લાગણી જોવા મળી રહી છે. જોકે, ફિલ્મ સાથે જોડાયેલી આ માહિતી અંગે સત્તાવાર ક્રેડિટ લિસ્ટ અથવા પ્રોડક્શન ટીમ તરફથી પુષ્ટિ થવી બાકી હોવાનું પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે.

Most Popular

To Top