બોગસ બેંક એકાઉન્ટ અને નકલી સીમ કાર્ડ મારફતે રૂ.5.75 કરોડની ઠગાઈ, બેંક કર્મચારીઓ સહિત પાંચ આરોપીઓ ઝડપાયા
સુરત શહેરમાં જમીન વેચાણના નામે કરોડો રૂપિયાની છેતરપીંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાંચની આર્થિક ગુન્હા નિવારણ શાખા (ઇકોસેલ)એ જમીન સોદામાં બોગસ બેંક એકાઉન્ટ ખોલી ઠગાઈ કરનાર યસ બેંક અને આઇ.ડી.બી.આઇ. બેંકના કર્મચારીઓ તેમજ બોગસ સીમકાર્ડ પૂરા પાડનાર ડિસ્ટ્રીબ્યુટરને ઝડપી મોટી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કઠોર ગામની બ્લોક નં. 479, 480 અને 481ની જમીનના વેચાણને લઈને આ સમગ્ર કૌભાંડ આચરાયું હતું. મૂળ ખેડૂત માલિકો સલીમભાઈ ઈબ્રાહીમ ઈસ્માઈલ સીદાત, ફરીદાબીબી ઈબ્રાહીમ સીદાત તથા ખતીજાબેન રશીદ વ્હોરાની જમીન વેચી આપવાના બહાને જમીન દલાલ રવિકુમાર મધુભાઈ કોલડીયાએ ફરિયાદી પિયુષકુમાર ધનજીભાઈ સાસપરા સાથે સોદો કર્યો હતો.
આરોપીએ જમીનના સોદા માટે ફરિયાદીને વિશ્વાસમાં લઈ જણાવ્યું હતું કે જમીન માલિકો પાસેથી તમામ દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરીને કાયદેસર વેચાણ કરવામાં આવશે. જેના આધારે ફરિયાદીએ અલગ-અલગ બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.4,81,51,321 તેમજ રોકડ રૂ.94 લાખ મળી કુલ રૂ.5,75,51,321 આરોપીને ચૂકવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે જમીનના મૂળ માલિકો તે સમયે વિદેશમાં હતા, છતાં આરોપીઓએ તેમની ખોટી સહી બનાવી અને તેઓ ભારત ખાતે હાજર હોવાનું દર્શાવી નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ત્યારબાદ યસ બેંક અંકલેશ્વર શાખાના કેટલાક કર્મચારીઓની મદદથી જમીન માલિકોના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. ફરિયાદી દ્વારા અપાયેલા ચેકો આ એકાઉન્ટમાં જમા કરાવી અંદાજે રૂ.2.80 કરોડની રકમ ટુકડે-ટુકડે ઉપાડી લેવામાં આવી હતી.
આ ઉપરાંત બાકીની રૂ.2.95 કરોડથી વધુ રકમ આઇ.ડી.બી.આઇ. બેંક, ઘોડદોડ રોડ શાખામાં ખોલવામાં આવેલા અન્ય બોગસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ રકમ ન તો જમીન માલિકોને આપવામાં આવી અને ન તો ફરિયાદીને પરત કરવામાં આવી હતી.જેના આધારે ફરિયાદીએ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.આ ગંભીર કૌભાંડને ધ્યાનમાં રાખી સુરત પોલીસ કમિશ્નર Anupamsinh Gehlot ના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ અને ઇકોસેલની ટીમે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યસ બેંક અંકલેશ્વર શાખાના કર્મચારીઓ સંદીપકુમાર પીલુદરીયા, આઝાદખાન પઠાણ અને સિવાની પટેલે આરોપી રવિકુમાર કોલડીયા સાથે મળી બોગસ એકાઉન્ટ ખોલાવ્યા હતા. જ્યારે આઇ.ડી.બી.આઇ. બેંકના કર્મચારી યાજ્ઞિક વઘાસિયાએ પણ નકલી એકાઉન્ટ ખોલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પોલીસ તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો કે આ તમામ બોગસ બેંક એકાઉન્ટ માટે જે મોબાઇલ નંબર વપરાયા હતા, તે અન્ય વ્યક્તિઓના નામે નોંધાયેલા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે વોડાફોન-આઇડિયા સીમકાર્ડ ડિસ્ટ્રીબ્યુટર સંજય ધંધુકીયાએ આરોપી રવિકુમાર કોલડીયા સાથે મળી નકલી સીમકાર્ડ ઈશ્યૂ કર્યા હતા. ત્યારબાદ પોલીસે સંજય ધંધુકીયાની પણ ધરપકડ કરી હતી.
પોલીસે ઝડપેલા આરોપીઓ
સંદીપકુમાર રણજીતસિંહ પીલુદરીયા – યસ બેંક સેલ્સ ઓફિસર
આઝાદખાન યુનુસખાન પઠાણ – યસ બેંક સેલ્સ ઓફિસર
સિવાની સામંતભાઈ પટેલ – યસ બેંક રિલેશનશિપ મેનેજર
યાજ્ઞિક રમેશભાઈ વઘાસિયા – આઇ.ડી.બી.આઇ. બેંક ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ ઓફિસર
સંજયભાઈ છગનભાઈ ધંધુકીયા – વોડાફોન સીમકાર્ડ ડિસ્ટ્રીબ્યુટર
પોલીસ હવે આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર રવિકુમાર મધુભાઈ કોલડીયા સહિત અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ કરી રહી છે. આ કેસમાં વધુ મોટા આર્થિક ગોટાળા બહાર આવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.