છરા,પાવડાથી હુમલો કરી લૂંટ ચલાવનાર 4 રીઢા ગુનેગારો ઝડપાયા
સુરતના સચીન વિસ્તારમાં ફરી એકવાર ગુનાખોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જૂના સ્લમ બોર્ડ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા બે ભાઈઓ પર જીવલેણ હુમલો કરીને લૂંટ ચલાવનાર કુખ્યાત ‘રાકિયા ગેંગ’ને આખરે સચીન પોલીસે જેલભેગી કરી દીધી છે. ભરબપોરે જાહેર રોડ પર છરા, ચપ્પુ અને પાવડા જેવા ઘાતક હથિયારો સાથે હુમલો થતા સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ ઘટના 16 મે 2026ના રોજ બપોરે લગભગ 3 વાગ્યાની છે. હનુમાનજી મંદિર પાછળ પાનનો ગલ્લો ચલાવતા વેપારી અને તેમના ભાઈ પર અચાનક હુમલો થયો હતો. આરોપીઓએ બંને ભાઈઓને નિશાન બનાવી માથા અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીઓ ગલ્લામાંથી અંદાજે 7 થી 8 હજાર રૂપિયાની રોકડ લૂંટી ફરાર થઈ ગયા હતા.લોહીલુહાણ હાલતમાં બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જો કે આ બનાવ બાદ સચીન પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. શરૂઆત માં પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ નો સહારો લીધો તે બાદ બાતમીદારોના આધારે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રોશન બરકસ, આનંદ પાટીલ, પ્રિન્સ પટેલ અને ગેંગનો મુખ્ય સૂત્રધાર રાકેશ ઉર્ફે રાકિયો વાઘનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે રાકિયો અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. તેના વિરુદ્ધ મારામારી, હુમલા, ચોરી અને લૂંટના કેસ નોંધાયેલા છે. એટલું જ નહીં, કાયદો અને વ્યવસ્થાને ખતરારૂપ બનતા તેને અગાઉ 4 વખત ‘પાસા’ હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો હતો. છતાં જેલમાંથી બહાર આવી ફરીથી તેણે ગુનાનો રસ્તો અપનાવ્યો હતો.
સમગ્સુર મામલે સુરતના એસીપી સુનિલ સી. તરડેએ જણાવ્યું હતું કે આ કેસમાં હત્યાના પ્રયાસ અને લૂંટ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. હાલ આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. તપાસ દરમિયાન હજુ વધુ ખુલાસા અને અન્ય આરોપીઓના નામ સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ હુમલા પાછળ પાનના ગલ્લાનો જૂનો વિવાદ અને દાદાગીરીનું કારણ મુખ્ય હતું. હાલ ફરાર અન્ય સાગરીતોને ઝડપી પાડવા પોલીસની અલગ અલગ ટીમો સતત દરોડા પાડી રહી છે.