SURAT

ગરમીથી રાહત મેળવવા તળાવમાં નહાવા ગયેલા માસુમનું ડૂબી જતા મોત

મિત્રો સામે જ ચંદુ ઊંડા પાણીમાં ગરકાવ, પરિવાર પર આભ તૂટી પડ્યું

સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉનાળાની ભારે ગરમીથી રાહત મેળવવા મિત્રો સાથે તળાવમાં નહાવા ગયેલા 12 વર્ષીય માસુમ બાળકનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.

પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, સચિન જીઆઈડીસી તલંગપુર રોડ પાસે આવેલી મહાલક્ષ્મી સોસાયટીમાં 12 વર્ષીય ચંદુ ઉર્ફે ચંદ્રકાંત શ્રીનિવાસ મહતો પરિવાર સાથે રહેતો હતો. તેના પિતા હીરા લેબરમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું પણ સામે આવ્યું છે.ગત રવિવારે બપોરના સમયે ચંદુ પોતાના કેટલાક મિત્રો સાથે નજીક આવેલા એક તળાવમાં નહાવા માટે ગયો હતો. શરૂઆતમાં તમામ બાળકો કિનારે પાણીમાં મજા કરી રહ્યા હતા, પરંતુ થોડા સમય બાદ ચંદુ અચાનક ઊંડા પાણી તરફ ચાલ્યો ગયો હતો. મિત્રો તેને બહાર આવવા માટે બૂમો પાડી રહ્યા હતા, પરંતુ તે ધીમે ધીમે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

મિત્રો સામે જ બની દુર્ઘટના
ઘટનાના સાક્ષી બનેલા બાળકોના જણાવ્યા મુજબ, ચંદુને તરતા પૂરતું આવડતું નહોતું. છતાં ગરમીથી રાહત મેળવવાની આશાએ તે પાણીમાં ઉતર્યો હતો. અચાનક પગ લપસતા અથવા ઊંડાણનો અંદાજ ન આવતા તે પાણીમાં ડૂબવા લાગ્યો હતો. મિત્રો ગભરાઈ ગયા અને આસપાસના લોકોને જાણ કરી હતી. સ્થાનિક લોકો અને માછીમારો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાળકને શોધવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ભારે શોધખોળ બાદ ચંદુને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ તે સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પરિવાર પર દુઃખનો પહાડ
માસુમ પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. માતા-પિતાનો રડવાનો આક્રંદ સાંભળી આસપાસના લોકો પણ ભાવુક બની ગયા હતા. સમગ્ર સોસાયટીમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતા સચિન જીઆઈડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અકસ્માત મોત હોવાનું સામે આવ્યું છે, જોકે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉનાળામાં સાવચેત રહેવાની જરૂર
દર વર્ષે ઉનાળામાં બાળકો તળાવો, કેનાલ અને નદીઓમાં નહાવા જતા હોવાના બનાવો સામે આવે છે. પૂરતી સુરક્ષા અને દેખરેખના અભાવે અનેક વખત આવી દુર્ઘટનાઓ બને છે. ત્યારે માતા-પિતાએ બાળકો પર ખાસ નજર રાખવી જોખમી સ્થળોએ નહાવા જવા રોકવા જરૂરી બની ગયું છે.

Most Popular

To Top