પતિ પત્ની પર જંતર મંતર કરાવી ઘરમાં પૂરી રાખતો હોવાનો આક્ષેપ
”તે મારા ભાઈઓને મારી નાખ્યા છે, તેમની આત્મા મારા પાછળ ફર્યા કરે છે તેમ કહી પતિ માનસિક ત્રાસ આપતો હોય પત્નીએ કંટાળી 181 ટીમની મદદ માગી
વડોદરા તા.19
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાંથી એક ચોંકાવનારો અને માનવતાને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અંધશ્રદ્ધામાં ડૂબેલા પતિએ પોતાની પત્ની અને બાળકોનું જીવન નર્ક બનાવી દીધું હતું. લવ મેરેજ કરનાર આ દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગંભીર વિવાદ ચાલી રહ્યો હતો. પીડિતાબેનના તેમનો પતિ મંતર-જંતર અને મેલી વિદ્યામાં અતિશય વિશ્વાસ રાખતો હતો અને અજીબોગરીબ શંકાઓના આધારે પત્નીને સતત માનસિક રીતે હેરાન કરતો હતો.
પીડિતાબેનનો આક્ષેપ છે કે પતિ તેમને ઘરમાં પૂરીને બહાર જવા દેતા નહોતા. એટલું જ નહીં, બાળકોને પણ મારપીટ કરી ડરાવવામાં આવતા હતા. પતિ વારંવાર કહેતા કે “ તું એ મારા ભાઈઓ ને મારી નાખ્યા છે અને તારા કારણે તેમની આત્માઓ મારા પાછળ ફરે છે તેમ કહી પત્નીને ધમકાવતા પણ હતા. અંધશ્રદ્ધાના આ માહોલમાં આખો પરિવાર ભય અને તણાવમાં જીવતો હતો.
અંતે પતિના ત્રાસથી કંટાળેલી મહિલાએ પોતાના પિયર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પતિએ તેમને જવા દેવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ મહિલાના પરિવારજનોએ 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમ તરત જ સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલે સમજાવટ તેમજ કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે પતિને અંધશ્રદ્ધા છોડવા અને પરિવાર સાથે માનવીય વર્તન રાખવા સમજાવ્યું હતું.
પીડિતાબેન પતિ સાથે રહેવા તૈયાર ન હોવાથી, આખરે 181 ટીમની હાજરીમાં તેઓ પોતાના બાળકો સાથે સુરક્ષિત રીતે પિયર જવા રવાના થયા હતા.
- પતિ પત્ની અને બાળકોને પિયરમા પણ જવા દેતો ન હતો
મહિલાને પોતાના બાળકો સાથે પિયર જવું હતું, પરંતુ પતિએ તેમને જવા દેતા ઇનકાર કરતા પરિવારજનો વચ્ચે તણાવ સર્જાયો હતો. તે પોતાના બાળકોને લઈને પિયર જવા માગતી હતી ત્યારે પતિએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ મહિલાના ભાઈઓ તેને લેવા માટે ઘરે પહોંચ્યા હતા. આ મામલે બંને પક્ષો વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા.