Gujarat

ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ બાદ પણ કેમ અટકી મેયરની જાહેરાત?

ગુજરાત ભાજપમાં અંદરખાને ભારે ખેંચતાણ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ હવે પદોની ખેંચતાણે ભાજપમાં વધાર્યો ગરમાવો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટી અંદરખાને ભારે રાજકીય ઘમસાણનો સામનો કરી રહી છે. ચૂંટણીના પરિણામોને ત્રણ સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં અનેક મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં હજુ સુધી મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની સત્તાવાર જાહેરાત થઈ શકી નથી. આ મુદ્દે રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.

ગાંધીનગરમાં સતત બેઠકો, છતાં સર્વસંમતિનો અભાવ
સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને તેમજ ભાજપ સંગઠન સ્તરે સતત બેઠકો યોજાઈ રહી છે. વિવિધ શહેરોમાં પદાધિકારીઓની પસંદગી માટે પ્રદેશ નેતૃત્વ અને સ્થાનિક જૂથો વચ્ચે ભારે ચર્ચા ચાલી રહી છે. જોકે હજુ સુધી અનેક શહેરોમાં નામોને લઈને સર્વસંમતિ ન બનતા જાહેરાત અટકેલી હોવાનું કહેવાય છે.ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને અન્ય મોટા શહેરોમાં મેયર પદ માટે અનેક દાવેદારો મેદાનમાં હોવાથી પાર્ટી હાઈકમાન્ડ માટે નિર્ણય મુશ્કેલ બન્યો હોવાનું માનવામાં આવે છે.

સુરતથી સૌરાષ્ટ્ર સુધી જૂથવાદ સક્રિય
રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અલગ અલગ નેતાઓના જૂથો સક્રિય બન્યા છે, જ્યારે સુરતમાં પણ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સમર્થક અને સ્થાનિક નેતાઓ વચ્ચે આંતરિક લોબિંગ વધી ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વપૂર્ણ પદો માટે ભારે દોડધામ ચાલી રહી છે. પાર્ટીના અંદરના નેતાઓ પોતાના સમર્થકોને મહત્વપૂર્ણ પદ મળે તે માટે દિલ્હી અને ગાંધીનગર સ્તરે સક્રિય બન્યા હોવાનું પણ જાણવા મળે છે.

PM મોદીની મુલાકાતથી પ્રક્રિયામાં વિલંબ
સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન Narendra Modiની ગુજરાત મુલાકાતને કારણે પણ આ પ્રક્રિયામાં વિલંબ થયો હતો. રાજ્યના ટોચના નેતાઓ વડાપ્રધાનના કાર્યક્રમોમાં વ્યસ્ત થતાં મેયર અને અન્ય પદોની પસંદગીની પ્રક્રિયા થોડા દિવસ માટે અટકાવાઈ હોવાનું કહેવાય છે.

અમિત શાહ સાથે ચર્ચા બાદ યાદીને આખરી ઓપ?
અહેવાલ મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah અમદાવાદ મુલાકાતે આવ્યા બાદ રાજ્યના નેતાઓ સાથે આ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. ત્યારબાદ ઉમેદવારો અને પદાધિકારીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હોવાનું ભાજપના આંતરિક સૂત્રો જણાવી રહ્યા છે. જોકે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

22મી પછી થઈ શકે છે મોટી જાહેરાત
ભાજપના પ્રવક્તાઓનો દાવો છે કે પાલિકા અને મહાનગરપાલિકાના પદાધિકારીઓની પસંદગીનું મોટા ભાગનું હોમવર્ક પૂર્ણ થઈ ગયું છે અને હવે 22મી મે બાદ ગમે ત્યારે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની જાહેરાત થઈ શકે છે.

જીત પછી હવે પડકાર ‘સંતુલન’નો
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ માટે હવે સૌથી મોટો પડકાર જીત જાળવી રાખવાનો અને આંતરિક અસંતોષને નિયંત્રિત કરવાનો છે. નવા ચહેરાઓને તક આપવી કે જુના અનુભવી નેતાઓ પર વિશ્વાસ રાખવો ,આ મુદ્દે પાર્ટી અંદરખાને ગંભીર મથામણ ચાલી રહી છે. સ્થાનિક સ્તરે સમાજિક સમીકરણો, જાતિ આધારિત પ્રતિનિધિત્વ, પ્રદેશ સંતુલન અને જૂથવાદને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાઈ રહ્યો હોવાથી પ્રક્રિયા લાંબી ખેંચાઈ હોવાનું માનવામાં આવે છે.

Most Popular

To Top