Gujarat Main

પાકિસ્તાને ગુજરાતના 20 માછીમારોને છોડ્યા, હજુ આટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યાં છે

પાકિસ્તાનની (Pakistan) જેલમાં (Jail) કેદ 20 ભારતીય માછીમારોને (Fisherman) પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. આ પૈકી મોટા ભાગના ગુજરાતના (Gujarat) હતા. જેલની યાતનામાંથી મુક્ત થઈ પરત ફરેલાં કેદીઓ (Prisoners) આજે પોતાના વતન પહોંચ્યા હતા. ત્યારે અહીં કરૂણાસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. લાંબી જેલની કેદ ભોગવી પરત ફરેલા માછીમારોને જોઈ તેમના પરિવારજનો સહિત આખુંય ગામ ખુશીમાં રડી પડ્યું હતું.

  • પાકિસ્તાન દ્વારા વાઘા-અટારી બોર્ડર પર 20 માછીમારોને ભારત સરકારના હવાલે સોંપવામાં આવ્યા
  • આજે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા માછીમારોને તેમના માદરે વતન વેરાવળ ખાતે પહોંચાડવામાં આવ્યા
  • 20 પૈકી 19 માછીમારો ગીર સોમનાથના અને 1 પોરબંદરનો રહેવાસી છે

પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાન દ્વારા વાઘા-અટારી બોર્ડર(Wagha Atari Border) પર 20 માછીમારોને ભારત સરકારના હવાલે સોંપવામાં આવ્યા હતા. આ માછીમારોને વિધિવત રીતે ભારતને સોંપી આઝાદ કરવામાં આવ્યા હતા. ભારત પરત ફર્યા બાદ માછીમારોને ફિશરીઝ વિભાગને સોંપવામાં આવ્યા હતા. આવશ્યક કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા માછીમારોને તેમના માદરે વતન વેરાવળ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. આ 20 પૈકી 19 માછીમારો ગીર સોમનાથના અને 1 પોરબંદરનો રહેવાસી છે. મુક્ત થયેલા 20 પૈકી નવાબંદરનો એક માછીમાર છેલ્લાં 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ હતો. અન્ય માછીમારોમાંથી કેટલાંક બે તો કેટલાંક ત્રણ વર્ષથી પાકિસ્તાનમાં કેદ હતા.

પાકિસ્તાન મરીન દ્વારા ગીર સોમનાથના માછીમારોનું અપહરણ કરાયું હતું

તમને જણાવી દઈએ કે બે-ત્રણ વર્ષ પહેલાં પાકિસ્તાન મરીન દ્વારા ગીર સોમનાથના માછીમારોનું તબક્કાવાર અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારથી જ આ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હતા. આજે તેઓનો યાતનામાંથી છૂટકારો થયો છે. દરમિયાન આજે વેરાવળ તેમના વતન ખાતે મુક્ત થયેલા માછીમારોની તેમના પરિવારજનો સહિત ગ્રામજનો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. આજે 20 માછીમારો વેરાવળ પરત ફરતા જ તેના પરિવારજનો પોતાના સ્વજનને ભેંટી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. જેના કારણે સ્થળ પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને સૌકોઈની આંખો ભીની થઈ હતી.

પાકિસ્તાનની કેદમાંથી મુક્ત થયા બાદ પણ માછીમારો દુ:ખી

ગીર સોમનાથના 19 અને પોરબંદર જિલ્લાનો 1 માછીમાર પાકિસ્તાની જેલમાં યાતના ભોગવી માદરે વતન પરત ફરતા તેમના અને તેમના પરિવારજનોમાં આનંદ જોવા મળતો હતો. પરંતુ, જે માછીમારો પરત ફર્યા છે તેઓને દુઃખ એ વાતનું છે કે, હજી પણ તેના 580 જેટલા સાથીઓ પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે. તેઓને વહેલીતકે મુક્ત કરાવી પરત લાવવાની માંગ કરી હતી. પાકિસ્તાન જેલમાં મુક્ત થયા બાદ વેરાવળ પરત ફરેલા યુવા માછીમાર રવી ગોવિંદ વાઢેર કહ્યું કે હજુ 580 માછીમારો પાકિસ્તાની જેલમાં યાતના ભોગવી રહ્યા છે. જે પૈકીના ઘણાંની હાલત નાજુક છે. જે તમામ માછીમારોનો પણ વહેલીતકે છુટકારો થાય તે માટે સરકારે પ્રયાસો કરવા જોઈએ.

Most Popular

To Top