Surat Main

179 વર્ષથી મુગલસરાય ખાતે ચાલતી સુરત મનપાનું નવું ભવન 899 કરોડના ખર્ચે બનશે, 28 માળના બે ટાવર હશે

સુરત: (Surat) સુરત મનપાનું (Corporation) મુખ્યાલય છેક 1852થી મુગલસરાય સ્થિત ઐતિહાસિક ઇમારતમાં ચાલે છે. જો કે છેલ્લા ઘણા વરસોથી કોટ વિસ્તારના સાંકડા રસ્તા પર કાર્યરત મનપાના મુખ્યાલયમાં જુદા જુદા વિભાગોના સમાવેશ માટે જગ્યાનો અભાવ તેમજ ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી હોવાથી મનપાનું નવું વહીવટી ભવન (Administrative building) અન્ય જગ્યાએ બનાવવા પ્રયાસો ચાલી રહ્યાં છે. જેમાં થોડા સમય પહેલા રાજય સરકાર સાથે અદલા-બદલીથી મેળવેલી સબજેલની જગ્યા પર મનપાનું નવું વહીવટી ભવન બનાવવાનું આયોજન ફાઇનલ કરવામાં આવ્યું છે. મનપાના આ નવા ભવનમાં 28- 28 માળના બે ટાવરો ઊભા કરવામાં આવશે

અગાઉ 500 કરોડના ખર્ચનો અંદાજ બનાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં પ્રોજેકટ અટકી ગયો હતો પરંતુ હવે ફરીથી આ જ જગ્યા પર 898.91 કરોડના ખર્ચે નવું વહિવટી ભવન બનાવવાના અંદાજોને મંજૂરી માટે જાહેર બાંધકામ સમિતીમાં મુકવામાં આવ્યા છે. જેને પગલે હવે 179 વર્ષ બાદ સુરત મનપાના મુખ્યાલયને નવું સરનામું મળશે. મનપા દ્વારા સબજેલની જગ્યા પર વહીવટી ભવન બનાવવા માટે એક એજન્સી નિયુકત કરી છે તેમજ આ એજન્સી દ્વારા બનાવાયેલા ત્રણ મોડેલ પૈકી એક મોડેલને વર્ષ 2019માં શાસકો દ્વારા સંમતિ પણ આપી દેવાઇ હતી. જો કે હવે માત્ર મનપાના વિભાગોને બદલે રાજય અને કેન્દ્ર સરકારના વિભાગોનો પણ એક છત્ર નીચે જ સમાવેશ થઇ શકે તેવું આયોજન કરાયું હોય, નવા પ્રોજેકટના અંદાજમાં મોટો વધારો થયો છે.

મનપાનું વહીવટી ભવન દક્ષિણ ગુજરાતનું સૌથી ઉંચુ બિલ્ડીંગ બનશે
સુરત મનપાના નવા વહિવટી ભવનને આઇકોનિક બનાવવા માટે ખાસ સૂચના અપાઇ હોય, સબજેલની 22,563 ચોરસ મીટર જમીન પર બનનારી આ ઇમારતમાં 28-28 માળના બે ટાવર હશે. બન્નેની ઉંચાઇ 109.15 મીટરની હશે, આ ઇમારત દક્ષિણ ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડિંગ હશે અને દેશની સૌથી ઉંચી સિટી ઇમારતોમાં તેની ગણના થશે. તેમજ અહી મોટા પ્રમાણમાં મુલાકાતીઓ આવવાના હોવાથી તેના માટે જરૂરી પાર્કિંગ માટે ભોંયતળિયે ચાર માળનું પાર્કિંગ તૈયાર કરાશે.

25 ટકા વધુ સ્ટાફ અને 200 નગર સેવકોની ક્ષમતા ધ્યાને રખાશે
સુરત મનપાની વસતી અને વિસ્તાર સતત વધી રહ્યા છે ત્યારે નવા વહિવટી ભવનમાં આવનારા અનેક વર્ષોની જરૂરીયાતને ધ્યાને રાખીને આયોજન કરવામાં આવશે. જેમાં ખાસ કરીને હાલમાં મનપાનું જે મહેકમ છે તેમાં 25 ટકા વધારાના સ્ટાફની જરૂરીયાત ધ્યાને રાખીને તેમજ ભવિષ્યમાં 200 નગર સેવકો થાય તેમજ તેને આનુસાંગિક કમિટીઓની સંખ્યા પણ વધે તે ધ્યાને રાખીને મીટિંગ રૂમો, સામાન્ય સભાનો હોલ, ઓડિટોરિયમ વગેરેનું આયોજન કરાશે.

મુગલસરાયમાં સુમન શાળા સેલ અને અન્ય વિભાગો ખસેડાશે
છેલ્લા 179 વર્ષથી જયા સુરત મનપાનું મુખ્ય કાર્યાલય ધમધમે છે તે મુગલસરાય પણ એક ઐતિહાસિક જગ્યા છે. આ જગ્યાએથી મનપાનું મુખ્યાલય સ્થળાંતર થાય ત્યાર બાદ આ જગ્યાના ઉપયોગ અંગે પણ અત્યારથી જ આયોજન કરાયું છે. સુરત મનપા દ્વારા ચાલતા સુમન શાળા સેલની ઓફિસો તેમજ જે વિભાગને સીધા મુખ્ય કચેરી સાથે કનેકશન ના હોય તેવા વિભાગોને આ ઈમારતમાં ખસેડવામાં આવશે.

Most Popular

To Top